કોરોનાને કારણે વિશ્વભરના 13 કરોડ લોકો ભુખમરાનો શિકાર બનશે : સંયુક્ત રાષ્ટ્ર

By | July 14, 2020

જીવલેણ કોરોના મહામારી આખા વિશ્વમાં હાહાકાર મચાવી રહી છે. કોરોના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે વિશ્વભરના દેશોએ લૉકડાઉન સહિતના પગલા લીધા હોવા છતાં મહામારી પર કાબૂ મેળવી શકાયો નથી. વળી, લૉકડાઉનના કારણે અર્થ વ્યવસ્થાને પણ મોટો ફટકો પડ્યો છે, ત્યારે હવે સંયુક્ત રાષ્ટ્ર (UN)એ પણ કોરોના મહામારીને લઈને ચિંતા વ્યક્ત કરી છે.

યુનાઈટેડ નેશન (UN)એ જણાવ્યું કે, કોરોના મહામારી આ વર્ષે અંદાજે 13 કરોડ લોકોને ભૂખમરી તરફ ધકેલી શકે છે. ગત વર્ષે ભૂખમરી તરફ ધકેલાયેલા લોકોની સંખ્યામાં અંદાજે 1 કરોડનો વધારો થયો હતો. સંયુક્ત રાષ્ટ્રએ આ અનુમાન, ખાદ્ય સુરક્ષા અને પોષણની સ્થિતિ પર તાજેતરના રિપોર્ટ બાદ જાહેર કર્યું છે.

સંયુક્ત રાષ્ટ્રની પાંચ એજન્સીઓ તરફથી આ રિપોર્ટ સોમવારે રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં જણાવાયું છે કે, “વિશ્વની વર્તમાન આર્થિક સ્થિતિ દર્શાવે છે કે, મહામારીના કારણે વર્ષ 2020ની કુપોષણ યાદીમાં 8.3 કરોડથી 13.2 કરોડ લોકોનો વધારો થઈ શકે છે. ગત વર્ષે અંદાજે 69 કરોડ લોકો ભુખમરાનો શિકાર બન્યા હતા. આ સંખ્યા સમગ્ર વિશ્વની વસ્તીના લગભગ 9 ટકા છે. વર્ષ 2018માં અંદાજે 1 કરોડ, જ્યારે વર્ષ 2014થી અંદાજે 6 કરોડનો વધારો નોંધવામાં આવ્યો છે.”

સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટ પર નજર નાંખીએ તો જણાશે કે, દાયકાઓ સુધી ભુખમરાના સૂચકાંકમાં સતત ઘટાડો નોંધાતો રહ્યો હતો, પરંતુ વર્ષ 2014માં આ આંકડો વધવાનું શરૂ થયું હતુ. જે આજે પણ સતત વધી રહ્યાં છે. જેમાં એશિયામાં સૌથી વધુ કુપોષિત વસ્તી રહે છે. એક અંદાજ અનુસાર, એશિયામાં 38.1 કરોડ લોકો કુપોષણનો શિકાર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *