ભાજપ ગુજરાતનાં પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે મૌલાના સાદ જેવી ભૂલ કરી, જમાતને પણ સારી કહેવડાવી

By | September 9, 2020

હાલ સમગ્ર વિશ્વ જ્યારે કોરોનાની મહામારી સામે પોતાની લડાઈ લડી રહ્યું છે, દેશમાં ફક્ત એક જ દિવસમાં કોરોનાના કેસ 1 લાખને પાર પહોંચી હાય છે ત્યારે દેશના અનેક નેતાઓને પોતાની જાત સહિત સામાન્ય માણસના જીવનની પણ કિંમત નથી સમજાતી. આવા અનેક ઉદાહરણો છે જેમાં ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રકાંત પાટીલનો સમાવેશ થાય છે. પ્રદેશ પ્રમુખનો હવાલો સંભાળ્યા બાદ તેમણે શરૂ કરેલો પ્રવાસ કાર્યક્રમ તેમના અને બીજા માટે જોખમી સાબિત થશે તેવી અનેક લોકોની ચિંતા અને ટીકાની તેમણે પરવાહ કરી નહીં. જેના પરિણામ સ્વરૂપ એક માહિતી પ્રમાણે પાટીલના પ્રવાસના વિવિધ તબ્બકે જોડાયેલા 130 જેટલા ભાજપના નેતા-કાર્યકરો સંક્રમિત થયા છે. તબલીગી જમાતના મૌલાના સાદે જ્યારે કોરોનાની અવગણના કરી તેના પરિણામે જે સ્થિતિ નિર્માણ થઈ તેવી જ ભૂલ ચંદ્રકાંત પાટીલે કરી છે. જોકે ચંદ્રકાંત પાટીલ દ્વારા ફેલાવાયેલા આ સંક્રમણમાં ગુજરાતનું વહિવટી તંત્ર અને પોલીસ પણ મુક પ્રેક્ષક બનીને ઊભી હતી કારણ કે તેઓ શાસક પક્ષના પ્રમુખ છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકીએ રાજ્યસભાની ચૂંટણી જીતવા માટે કોરોનાની જે અવગણના કરી અને હાલમાં પણ તેઓ હોસ્પિટલમાં જીવન-મરણ વચ્ચે જંગ લડી રહ્યા છે. ખરેખર આ ઘટનામાંથી સામાન્ય માણસોની સાથે ખાસ કરીને નેતાઓએ શિખ લેવાની જરૂર હતી, પણ ચંદ્રકાંત પાટીલે કોઈ શિખ લીધી હોય તેવું લાગતું નથી. સુરતના ધારાસભ્ય હર્ષ સંઘવીથી લઈ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં તેમની સાથે પ્રવાસ કરનાર અનેક નેતાઓ અને કાર્યકરો સંક્રમિત થયા આ ઘટના તેમની ભયંકર બેદરકારી સાબિત થઈ છે. જોકે ચંદ્રકાંત પાટીલને જ્યારે એપોલોના કોરોનાના વોર્ડમાં દાખલ કરાયા છે ત્યારે ચંદ્રકાંત પાટીલે સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, મારી તબિયત સારી છે. મારો એન્ટીજન ટેસ્ટ નેગેટીવ આવ્યો છે. RT-PCRનો રિપોર્ટ પેન્ડીંગ છે.

ઉલ્લેખનીય છે કે જયારે દેશમાં દરરોજ 300-400 કેસ આવતા ત્યારે મીડિયા મૌલાના સાદ, જમાતી તેમજ મુસ્લિમો પાછળ હાથ ધોઈને પડી ગયું હતું. ખુદ મુખ્યમંત્રી રૂપાણીએ પણ ગુજરાતમાં કોરોના ફેલાવવા માટે જમાતિઓને  જવાબદાર ગણાવ્યા હતા. હાલ દરરોજના 80-90 હજાર અને કાલે તો 1 લાખ કેસ આવ્યા તો પણ હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓને ભેગા કરી રેલી કરનાર પાટીલને મીડિયા પ્રશ્ન નથી પૂછી રહ્યું. 

વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી વિજય રુપાણી પણ જ્યારે લોકોની વચ્ચે જઈને ભીડ ભેગી કરવાની ભૂલ કરતાં નથી ત્યારે શક્તિ પ્રદર્શન કરવા નીકળેલા પાટીલે પોતાના જીવની સાથે અનેકોના જીવને જોખમમાં મુકી તબલીગી જમાત અને તે જમાતના મૌલવી સાદને પણ સારા કહેવડાવ્યા છે. અત્યારે તો એટલી જ પ્રાથના કે ચંદ્રકાંત પાટીલ, ભરત પંડ્યા સહિત દેશના તમામ સંક્રમિત નાગરિકો જલ્દી સાજા થાય. અહીંયા ચંદ્રકાંત પાટીલની ટીકા કરવાનો હેતુ નથી પરંતુ આપણે ભૂતકાળમાંથી કાંઈ શિખતા નથી ત્યારે આપણું વર્તમાન વધારે જોખમી સાબિત થાય છે તેની આ ચિંતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *