રાજકોટમાં 50થી વધુ તરૂણીઓએ સ્વરક્ષણ માટે માગ્યા વેપન લાયસન્સ, કારણ છે ચોંકાવનારું

By | October 13, 2020

‘ઉત્તરપ્રદેશમાં ગેંગરેપ થયો એમ કાલે બીજી પણ કોઈ છોકરી સાથે બની શકે છે… સરકાર કાયદો – વ્યવસ્થા જાળવવામાં નિષ્ફળ ગઈ છે… આ સંજોગોમાં અમારે અમારૂં રક્ષણ જાતે જ કરવું પડશે અને એ માટે સરકાર હથિયારનાં લાયસન્સ આપે એવી અમારી માંગણી છે…’ આ પ્રકારના આક્રોશપૂર્ણ વિધાનો સાથે આજે રાજકોટમાં તરૂણીઓ – યુવતીઓના એક જૂથે કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું. એટલું જ નહીં, અનેકે તો વેપન લાયસન્સ માગતા ફોર્મ પણ રજૂ કરી દીધા છે.

રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે સવારે ધસી ગયેલા તરૂણીઓ – યુવતીઓના ગુ્રપે ભારે ઉત્તેજના જગાવી હતી. કોઈ સંસ્તા કે સંગઠનના બેનર હેઠળ નહીં બલ્કે ભારતીય નાગરિક તરીકે જ તેમણે બંધારણની જોગવાઈઓની દુહાઈ આપીને શાસકોને ઢંઢોળતું આવેદન આપ્યું હતું.

કોઠારિયા વિસ્તારમાં રહેતી નવમા ધોરણની વિદ્યાર્થિની મિતલ પરમારે પોતે સ્વરક્ષણ માટે હથિયાર પરવાનો માગવા જવાની હોવાની વિડીયો ક્લિપ ત્રણે’ક દિવસ પહેલાં સોશ્યલ મીડિયામાં મૂકી હતી, જેમાં તેણે કહેલું કે, કેટલીક વાતો યંગ ગર્લ્સ પોતાના માતા – પિતાને પણ નતી કહી શક્તી. આવું કશું પણ હોય તો પોતાની સાથે શેર કરવાની અપીલ સાથે તેણે પોતાનો સંપર્ક નંબર પણ આપ્યો હતો. આ વિડીયો વાયરલ થતાં એક પછી એક એમ અનેક તરૂણીઓ – યુવતીઓ તેની સાથે જોડાઈ હતી. તેણે એવી ચીમકી પણ આપી હતી કે ‘અમારામાંથી કોઈની સાથે કાંઈ બનશે તો જવાબદારી સરકારની રહેશે.’

આજે રાજયપાલને સંબોધિત કરીને અપાયેલા આવેદનમાં રોષભેર જણાવાયું હતું કે દિનદહાડે યુવતઓ પર અત્યાચાર થાય છે, કાયદો – વ્યવસ્થા પડી ભાંગ્યા છે, બાળકીઓ પર પણ ગેંગરેપ થાય છે. આથી, અમે નક્કી કર્યું છે કે, જાતે જ પોતાનું રક્ષણ કરીશું કેમ કે, એન્ટી રોમિયો સ્કવોડ, ૧૮૧ જેવી સેવાઓ પણ સ્વપ્નવત બની છે, કામગીરી શુન્ય છે. એક તરૂણીએ જાહેરમાં કહ્યું કે ‘જનતાના રક્ષણની જવાબદારી નેતાઓની હોય છે પરંતુ અહીં તો ઉલ્ટું છે, નેતાઓ ગુેગારોની રક્ષા કરી રહ્યાં છે!’ આથી, અમને અમારી રક્ષા જાતે જ કરવા માટે બંદુક, રિવોલ્વર, પિસ્ટલના લાયસન્સ આપો. સરકાર જો અનેક ફુલનદેવીઓ જાગે તેમ ઈચ્છતી હોયતો અમે એ માટે પણ રાજી છીએ..’

દરમિયાન, આવી ૫૦થી વધુ યુવતી – તરૂણીઓએ વેપન લાયસન્સ માટેના ફોર્મ પણ ભર્યા છે, જેમાંથી ૨૦ જેવા તો કલેકટર કચેરીમાં જ મળ્યા છે. શહેર વિસ્તાર માટે આવી અરજી પોલીસ કમિશ્નર સમક્ષ થઈ રહી છે. અલબત્ત, ૧૮ વર્ષથી નીચેની વયના વ્યક્તિ આમ પણ લાયસન્સ મેળવવાપાત્ર નથી હોતા એટલે અરજીઓમાંથી જે ટીનેજર્સની છે એ તો આપોઆપ રદ્ જ થશે, અને વયસ્ક યુવતીઓના ફોર્મનો તંત્ર શું જવાબ આપે છે તે હવે ખબર પડસે પરંતુ એકંદરે બળાત્કારના વધતા જતા બનાવો અને તેની સામે શાસકોની નિષ્ફળતાને લઈને તરૂણીઓનો ગુસ્સો આજે ટોક ઓફ ધ ટાઉન રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *