ગુજરાતમાં કોરોનાનો પહેલો કેસ નોંધાયો તેને આજે અડધું વર્ષ વીતી ગયું, આવ્યા આટલા બદલાવો

By | September 18, 2020

ગુજરાતમાં કોરોનાનો પહેલો કેસ ડિટેક્ટ થયો એ ઘટનાને આજે અડધું વર્ષ પૂરું થયું. પાછલા છ મહિના સમગ્ર ગુજરાત માટે મેન્ટલ ટ્રોમા સમાન પૂરવાર થયા છે. જીવનશૈલીથી માંડીને કાર્યશૈલી અને વ્યક્તિગત રહેણીકરણીમાં ધરમૂળથી પરિવર્તનો આવ્યા. કરોડોના શ્વાસ અઘ્ધર થયા, લાખો નોકરીઓ ગઈ, હજારો જીવ છીનવાઈ ગયા! કોરોનાનો ફક્ત એક કેસ આપણી સામે આવ્યો હતો, એ વખતે લોકડાઉન આવ્યું. પરંતુ આજે આપણી આજુબાજુ હજારો કોરોના લાઇવ બોમ્બ હરી-ફરી રહ્યા છે એમ છતાં માસ્ક અને અન્ય જરૂરી મેડિકલ જાગૃતિ કેળવવામાં ગુજરાતીઓ સાવ ઊણા ઉતરી રહ્યા છે.

રશિયા બે મહિનામાં ભારતને વેક્સિન પહોંચાડશે એવા સમાચારો આવ્યા. પરંતુ ભારતના નિષ્ણાંતોનું કહેવું છે કે વર્ષ 2021 પણ આપણે કોરોના સામે જંગ લડવામાં પસાર કરીશું એવી પૂરી સંભાવના છે. ગુજરાતમાં કોરોનાએ સૌથી વધુ આતંક મચાવ્યો છે એ હકીકત છે. દરેક અખબારો અને ન્યુઝ ચેનલો કોરોનાના કેસ છુપાવવા સામે સતત લડત આપી રહ્યા હોવા છતાં શા માટે સરકાર નફ્ફટ બનીને બેઠી છે, એ સમજાતું નથી. ‘સાંજ સમાચાર’ દ્વારા જ કહેવામાં આવ્યું હતું કે હવે રાજકોટમાં પ્રતિદિન 500 જેટલા કેસ આવે છે. એકલા રાજકોટની આ હાલત હોય તો આખા ગુજરાતના જિલ્લા, તાલુકા અને ગામડાંઓની શું હાલત હશે એની કલ્પના કરી શકો છો?

ગુજરાતમાં કોરોનાને છ મહિના પૂરા થઈ ગયા હોવા છતાં સરકાર મેડિકલ ક્ષેત્રે ઝાઝુ કંઈ ઉકાળી શકી નથી. આજે પણ દર 1000 દર્દીએ આપણે ત્યાં ફક્ત 0.3 હોસ્પિટલ બેડ ઉપલબ્ધ છે, જે રાષ્ટ્રીય સરેરાશ (0.55) કરતાં પણ ઓછું છે! દરરોજ ઓછામાં ઓછી એક એવી ઘટના આપણી સામે આવે છે, જેમાં સરકારી હોસ્પિટલમાં દાખલ થયેલાં કોરોનાના દર્દીએ પોતાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર અપલોડ કર્યો હોય. અસુવિધાનું સામ્રાજ્ય છવાયેલું હોવા છતાં સરકારના પેટનું પાણી નથી હલતું. યાદ છે અમદાવાદનો એ કિસ્સો, જેમાં 25 કોરોના દર્દીઓએ દાખલ થવા માટે લગભગ 4-5 કલાક સુધી હોસ્પિટલની બહાર ઉભા રહીને રાહ જોવી પડી હતી?

આજે એક એવા નજીકના ભૂતકાળની સફર પર આપ સૌને લઈ જવા છે, જ્યાં મુસાફરી કરવી કદાચ ગમશે નહીં.. પણ જરૂરી છે. ગુજરાતનો પહેલો કોરોના કેસ. 19 માર્ચ. રાજકોટના જંગલેશ્વરના યુવાનને કોરોના ડિટેક્ટ થયો એ વાતને આજે છ માસ વીતી ચૂક્યા છે. કોવિડ જ્યારે સૌથી પહેલી વખત ભારતમાં આવ્યો ત્યારે મેં રાજકોટના બહુ જાણીતાં ડોક્ટર સાથે ઇન્ટરવ્યુ કર્યો હતો. એમના મત મુજબ, કોરોના ગુજરાતમાં પગ મૂકે એવી કોઈ સંભાવના જ નહોતી. અને આજે જુઓ, 1 લાખથી વધારે દર્દી અને 3000થી વધારે મોત! અને એ પણ એવો આંકડો, જે સરકારી છે. તેના પર વિશ્વાસ મૂકી શકાય એવી સ્થિતિ નથી. સાચો આંકડો તો મહારાષ્ટ્રની માફક 10 લાખ ઉપરાંત થઈ ગયો હોય તો પણ કંઈ કહેવાય નહીં. ખેર, સરકારની લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવાની ચેષ્ટા અંગે આજે કોઈ વાત કરવી નથી. કારણકે સલાહ પણ એમને આપી શકાય, જેઓ કંઈક સાંભળવા માંગતા હોય. કાન બંધ કરીને સૂઈ ગયેલી નિંભર અને નિષ્ઠુર સરકારને હવે કંઈ કહેવાનો અર્થ નથી.

કોવિડને કારણે પાછલા છ મહિનાઓમાં આપણે શું શું ગુમાવ્યું એનો હિસાબ માંડવા બેસીએ તો પાનાં ભરાઈ જાય. જરાક ટૂંકમાં આખો ચિતાર નજર સમક્ષ લાવવાનો એક પ્રયત્ન હું કરવા માંગુ છું.

(1) કોરોના : કલ, આજ ઔર કલ

22મી માર્ચ. જનતા કર્ફ્યુ. ફક્ત એક દિવસમાં કોરોનાને હરાવી શકાશે એ માન્યતાથી શરૂ કરીને આજે વિશ્વભરમાં સૌથી વધુ કેસ ધરાવનારા બીજા નંબરના દેશ સુધી પહોંચવાની સફરમાં ઘણો ખરો વાંક નાગરિકોનો છે. 24મી માર્ચથી શરૂ થયેલાં લોકડાઉનમાં પણ આપણે એવું ધારી રહ્યા હતાં કે 21 દિવસ પછી બધું ઠીક થઈ જશે. જનજીવન થાળે પડી જશે. ખેર, લોકડાઉન તો ખેંચાયુ જ, સાથોસાથ માણસની વ્યક્તિગત પરેશાનીમાં પણ જબરો વધારો થયો. આખા દેશમાં મુંબઈ અને ગુજરાત કોરોનાનું એપિસેન્ટર બન્યા. એપ્રિલમાં એક સમય એવો હતો, જ્યારે ગુજરાતના 49 કોરોના મૃત્યુમાંથી 39 તો ફક્ત અમદાવાદમાં નોંધાયા હતાં. ધીરે ધીરે મે મહિનામાં ચિત્ર બદલાઈને સુરત સુધી પહોંચ્યું. આજે વડોદરા અને રાજકોટ કોરોનાથી ગંભીર રીતે પીડાઈ રહ્યા છે. ઘણા લોકોએ સ્વજન ગુમાવ્યા. શરૂઆતમાં નિષ્ઠાથી આંકડા જાહેર કરતી સરકારે હળવેકથી ઘાલમેલ શરૂ કરી. આજે પરિસ્થિતિ એવી છે કે ગુજરાતના કુલ મોત ભલે 17-18 દેખાડાતાં હોય પરંતુ વાસ્તવમાં 500-700 લોકો દરરોજ અવસાન પામતાં હોય તો પણ કંઈ કહી શકાય નહીં. પ્રાઇવેટ અને સરકારી હોસ્પિટલ્સ દર્દીઓથી ઉભરાય છે. દર્દીઓ માટે હવે બેડ પૂરા થઈ ગયા છે. લોકો પોતપોતાના સંપર્કોનો ઉપયોગ કરીને સગા-વહાલાઓને હોસ્પિટલમાં બેડ અપાવી રહ્યા છે, અને એ પણ લાખોના ભાવે!

આ દરમિયાન વિદ્યાર્થીઓની પરીક્ષા આવીને ગઈ. દસમા-બારમાની પરીક્ષા આવી ત્યારે કોરોનામાં થોડી-ઘણી રાહત દેખાતી હોવાને કારણે વિદ્યાર્થીઓ માટે ખાસ વ્યવસ્થા રાખીને પરીક્ષાઓ પૂર્ણ થઈ. પરંતુ અન્ય ધોરણોના વિદ્યાર્થીઓ, કોલેજ-યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ, જેઈઈ-નીટના વિદ્યાર્થીઓ માટે આફત તોળાઈ.

જન્માષ્ટમી જેવો રંગારંગ તહેવાર નિરસ વાતાવરણ વચ્ચે આવીને ચાલ્યો ગયો. તહેવાર દરમિયાન રોશની અને ઉજવણીનું હબ ગણાતું રાજકોટ કોવિડના કારણે ઘરમાં જ બેસી રહ્યું. જે મહિનામાં દેવાધિદેવને રીઝવવા માટે ભક્તો સામૂહિક યજ્ઞો કરાવતાં હોય એવા શ્રાવણ માસમાં મોટા મોટા મંદિરો બંધ રહ્યા. જન્માષ્ટમીમાં દ્વારકા-સોમનાથ પર તાળા લાગ્યા. ઇતિહાસમાં ક્યારેય ન બની હોય એવી એવી ઘટનાઓ આપણી સાથે બની. નવરાત્રિના ભણકારા વાગી રહ્યા છે એવા સમયે પણ ચિત્ર સ્પષ્ટ છે કે, આ વર્ષે ગરબા નહીં રમાડાય, પ્રાચીન ગરબીઓ નહીં યોજાય, દાંડિયા-રાસના આયોજન નહીં થાય, યુવાન હૈયા થીરકશે નહીં!

2021ની સાલ વિશે તમે જે વિચારતાં હો તે એક બાજુ, પણ લખી રાખો કે આવતાં વર્ષના પહેલા છ મહિના પણ કોરોના સાથે જ વિતાવવાના છે. નવેમ્બર-ડિસેમ્બરમાં રસી આવે તો પણ આવતાં વર્ષના અંત સુધી ભારતીયો સુધી પહોંચશે નહીં એ સ્પષ્ટ છે. જીવનના આ બે વર્ષ શાંતિથી ઘર-પરિવાર સાથે વીતાવવાના છે, એવું મક્કમ મનોબળ સાથે નક્કી કરી લો.

(2) વ્યક્તિગત જીવનમાં આવેલા ફેરફારો

પ્રિ-કોરોનાકાળ હવે ફક્ત ફોટોગ્રાફમાં કેદ થઈને રહી ગયો છે. ફેબ્રુઆરી, 2020 સુધી કરેલા જલ્સા હવે 2022 સુધી નથી થઈ શકવાના એ હકીકત છે. જીવનમાં ક્યારેય મોઢા પર રૂમાલ ન બાંધતા લોકો આજે માસ્ક પહેર્યા વગર બહાર નીકળી નથી શકતાં. સેનિટાઇઝર શબ્દ હવે આપણી રોજિંદી જિંદગીમાં વણાઈ ગયો છે. શરૂઆતમાં ગણ્યા-ગાંઠ્યા કેસ સાથે ગુજરાત આગળ વધી રહ્યું હતું ત્યારે લોકોએ ઉત્સાહભેર સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કર્યુ, પરંતુ આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે.

લોકોની માનસિકતા જાણવા જેવી છે. આપણને મનના કોઈક એક ખૂણે સતત એવું થયા રાખે છે કે, ભલે ને એક વખત થઈ જતો કોરોના! એ બહાને માસ્ક અને સેનિટાઇઝરથી તો છુટકારો મેળવી શકાશે! આપણે સૌ એવું વિચારવા માંડ્યા છીએ કે એક વખત કોરોના થઈ ગયા બાદ જિંદગી પહેલા જેવી થઈ જશે. રાત-દિવસ કોરોનાના ભય હેઠળ નહીં જીવવું પડે.

આ જ ચક્કરમાં અત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગના ધજિયા ઉડી રહ્યા છે. મોટી મોટી કંપની અને કોર્પોરેટ જાયન્ટ્સના એમ્પ્લોય તથા જાગૃત નાગરિકો સિવાય હાલ સોશિયલ ડિસ્ટન્સિંગનું ક્યાંય પાલન થતું હોય એવું મારા ધ્યાનમાં નથી. સોશિયલ ડિસ્ટન્સિંગ વાસ્તવમાં જેમની પ્રાથમિક જવાબદારી છે, એવા નેતાઓ જ અત્યારે તેનું સૌથી વધારે ઉલ્લંઘન કરી રહ્યા છે. તબલિઘી જમાતને દોષ આપ્યો, બરાબર. ઠીક છે. તબલિગી જમાતના 1500 લોકો દિલ્હી જઈને ગુજરાત આવ્યા હતાં. આને કારણે કોરોનાને મોકળું મેદાન મળ્યું એ હકીકત સ્વીકારી. પરંતુ છેલ્લા બે મહિનાઓમાં થયેલી પોલિટિકલ રેલીને કારણે સંક્રમિત થયેલા દર્દીઓનું શું? નેતાઓને ગુનેગાર નહીં ઠેરવીએ?

વિશ્વ આરોગ્ય સંસ્થા કહી કહીને થાકી કે કોરોનાનું સંક્રમણ બીજી વખત પણ લાગુ પડી શકે છે. આમ છતાં મોટાભાગના ગુજરાતી શહેરોમાં નાગરિકો પોતાના સ્વાસ્થ્યને સતત ‘ટેકન ફોર ગ્રાન્ટેડ’ લઈ રહ્યા છે. આ છ મહિના દરમિયાન જે સૌથી મોટો હકારાત્મક ફેરફાર જોવા મળ્યો હોય તો તે હાઇજિન છે. લોકો શરીરની સ્વચ્છતા અને સેનિટાઇઝેશનનું મહત્વ બરાબર સમજવા લાગ્યા છે.

(3) વ્યાવસાયિક જીવનમાં આવેલા ફેરફારો

કોવિડકાળની શરૂઆતમાં સૌથી વધુ પીડા ભોગવનાર પ્રજા હતી, ગુજરાતના મજૂરો! રાજકોટ સહિત અન્ય તમામ જિલ્લાઓની કલેક્ટર કચેરી બહાર ઉભરાતી લાંબી લાંબી કતારો જોઈને ખરેખર દયા આવી જતી. અચાનક આવી પડેલા લોકડાઉનને કારણે એમની રોજગારી છીનવાઈ, ઘર-પરિવારથી દૂર રખાયા અને માથા પરથી છત પણ છીનવાઈ ગઈ. મધ્યમવર્ગીય પરિવાર પણ પીડાતો હતો, પરંતુ ગમે એમ કરકસર કરીને જીવ્યો. લાખો લોકોની નોકરી ગઈ. ભારતના સત્તાવાર આંકડા મુજબ, અત્યાર સુધીમાં કુલ દોઢ કરોડથી વધારે લોકોએ નોકરી ગુમાવવી પડી છે. ગુજરાત એક ગ્લોબલ સ્ટેટ છે, માટે અહીં પણ લાખો નોકરીઓ છીનવાઈ ગઈ છે. અર્થશાસ્ત્રના નિષ્ણાંતો કહે છે કે, ભારતે અગર અત્યારથી યોગ્ય પ્લાનિંગ શરૂ ન કર્યુ તો પાંચ વર્ષ પછી પણ આર્થિક મંદીમાંથી બેઠું નહીં થઈ શકે!

જેમની નોકરી બચી ગઈ, એમણે પગાર-કાપનો સામનો કરવો પડ્યો. મોટાભાગની ફર્મ્સ પોતાના એમ્પ્લોયને સાચવવા માંગતી હોવાથી 20 અથવા 30 ટકાના પગારકાપ સાથે ગાડું ગબડતું રાખ્યું. ગુજરાતમાં કોરોનાના વધુ ફેલાવા પાછળનું કારણ પણ ગ્લોબલાઇઝેશન જ ગણી શકાય. ભારતના સૌથી વિકસિત રાજ્યોની યાદીમાં ગુજરાત આગળ પડતું છે. ફેબ્રુઆરી-માર્ચ દરમિયાન ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમ માટે ઘણા લોકોએ અમદાવાદથી આવક-જાવક કરી. અમદાવાદ વિદેશીઓનું હબ રહ્યું છે. આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર જ્યાં સુધી પ્રતિબંધો ન લાગ્યા ત્યાં સુધી અમદાવાદ સહિતના તમામ એરપોર્ટ્સ લોકલ અને વિદેશી નાગરિકોથી ધમધમતાં રહ્યા.

આગામી સમયમાં પણ નોકરિયાતોનું ભવિષ્ય તલવાર પર લટકે છે. 2021ની સાલ ચાલુ વર્ષ કરતા પણ ભયાનક પૂરવાર થાય તો કંઈ કહેવાય નહીં. એક ખાસ વાત આપણે સૌ ભૂલી રહ્યા છીએ કે આજે નહીં તો કાલે કોવિડ-19ની રસી આવી જ જશે. અત્યારસુધી આપણું ધ્યાન ફક્ત વાયરસ સામે લડવામાં છે. હજુ સુધી તેની આફ્ટર-ઇફેક્ટ વિશે આપણે વિચારી જ નથી રહ્યા. વાવાઝોડાંને ધ્યાનથી જોયું છે? એક વખત જે વિસ્તારમાં આવીને ભરડો લે ત્યાંનુ બધુ જ તહસનહસ કરીને જતું રહે છે. લોકો તેનાથી પોતાના પ્રાણ બચાવવાનો પ્રયત્ન કરે તો ઘરવખરીનો ત્યાગ કરવો પડે અને ઘરવખરી બચાવવા જાય તો જીવ ગુમાવવાનો વખત આવી શકે! કોરોના પણ આવું જ એક વાવાઝોડું છે. અત્યારે આપણે જીવ બચાવવામાં પડ્યા છીએ. પરંતુ જેવું આ વાવાઝોડું શમશે એ પછી એણે કરેલી તારાજી વેઠવાનો વખત પણ આવશે જ! તમારી આજુબાજુ નજર કરશો તો સમજાશે કે, પરિવારો બરબાદ થઈ ગયા છે. લોકોએ પર્સનલ અને પ્રોફેશનલ લાઇફના ભોગ આપ્યા છે. હવે એમને કઈ દિશામાં આગળ વધવું એનો કોઈ અંદાજ નથી. દેશનો જીડીપી માઇનસમાં ઉતરી ગયો છે. ગુજરાત પણ આ બરબાદીમાંથી બાકાત નહીં રહે.

જો ફક્ત છ મહિનાની અંદર આપણો આ હાલ થઈ શકતો હોય, હવેનું એક વર્ષ કેવું વીતશે એની તમે કલ્પના કરી શકો છો? અત્યારે સ્વાસ્થ્ય સાચવવાનો સમય છે. તબિયત સારી હશે તો ગયેલું રાજપાટ પણ પાછું કમાઈ શકાશે. પરંતુ સાથોસાથ મનના એક ખૂણે ભવિષ્યની યોજનાઓ ઘડવાનું શરૂ કરી દો, જેથી વાસ્તવિક દુનિયામાં પગ મૂકવાનો વખત આવે ત્યારે વિચારવા ન બેસવું પડે!

સરકાર માટે ભવિષ્યની બ્લ્યુ-પ્રિન્ટ

(1) દર વર્ષે રાજ્ય સરકાર સ્વાસ્થ્ય સંબંધી સેવા પર બજેટમાંથી ફક્ત 1 ટકા મૂડી ખર્ચ કરે છે. જેનો અર્થ એમ કે, ગુજરાતીઓના માથાદીઠ દર વર્ષે ફક્ત 2329 રૂપિયા ખર્ચ થઈ રહ્યા છે! એક દિવસ લેખે કેટલા થયા, જાણો છો? ફક્ત 6.38 રૂપિયા. આટલામાં તો સાહેબ આજકાલ બિસ્કીટનું એક પેકેટ પણ નથી મળતું! આગામી વર્ષથી આ પ્રકારની સેવામાં 3 ટકા મૂડી ખર્ચવામાં આવે તો રાજ્યનો ઉદ્ધાર થવાની શરૂઆત થઈ શકે એમ છે.

(2) કોરોના પોઝિટિવ કેસના આંકડા છુપાવવાનું બંધ કરો. છડેચોક સાચા આંકડા જાહેર કરો, જેથી લોકો સાવચેત બનીને પોતાનો ધંધો-રોજગાર ચલાવે. આંકડા છુપાવીને તમે એમને બિન્દાસ રહેવાનો પરવાનો આપી દીધો છે. ગુજરાતના ગામડે-ગામ તથા શહેરોમાં ઘર-ઘર જઈને એન્ટિજન ટેસ્ટ થવા જોઈએ.

(3) લોકડાઉન દરમિયાન સૌથી મોટી સમસ્યા ભોજન અંગેની ઉભી થઈ હતી. આવનારા સમયમાં આંગણવાડીના બાળકો, શાળાના વિદ્યાર્થીઓ અને ગર્ભવતી મહિલાઓ માટે મફત ભોજનની વ્યવસ્થા કરો. ઘણા સમય પહેલાં સરકાર દ્વારા ‘પબ્લિક કિચન’ની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં ગરીબ અને ભૂખ્યા લોકોને તૈયાર ભાણું આપવામાં આવે. પબ્લિક કિચનને શક્ય એટલી ત્વરાથી દરેક શહેરોમાં ઉભા કરો.

(4) શહેરીકરણનું એક એવું નવું મોડેલ તૈયાર કરો, જેમાં મેડિકલ સુવિધાઓને પ્રાથમિકતા આપવામાં આવે. સરકારે હોસ્પિટલોમાં ધૂળ ખાતાં મશીનો અને તોછડા ડોક્ટર્સને બદલે કાર્યક્ષમ સંસાધનો તથા માનવીય અભિગમ ધરાવતાં તબીબોનો સમાવેશ કરો. ગુજરાતને ફરી બેઠું કરવા માટે, વાઇબ્રન્ટ બનાવવા માટે પ્રત્યેક ગુજરાતીના મનમાં પૂર્વવત વિશ્વાસ તેમજ હિંમત પેદા કરવી એ સરકારની પ્રાથમિક ફરજ હોવી જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *