તંત્ર ક્યારે જાગશે? ગુજરાતની 96 ટકા હોસ્પિટલો હજી પણ ફાયર સેફ્ટી વગર ધમધમે છે

By | August 10, 2020

આજથી એક વર્ષ પહેલા સુરતમાં તક્ષશિલા વાળી ઘટના બની ત્યારે તેમાં 24 બાળકો હોમાઈ ગયેલા. ત્યારે સરકારે દરેક જાહેર સ્થળ પર ફાયર સેફટી તેમજ NOC ફરજીયાત પણે હોવાનો આદેશ કર્યો હતો. તેના એક વર્ષ બાદ હવે અમદાવાદની શ્રેય હોસ્પિટલમાં આગની ઘટના બની છે. શ્રેય હોસ્પિટલ પાસે ફાયર સેફટી ન હોવાનો પોલીસ તપાસમાં ખુલાશો થયો છે. આ ઘટનામાં પણ 8 દર્દીઓ મૃત્યુ પામ્યા અને 41 ઘાયલ થયાં છે. આમ છતાં, હજી પણ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ફક્ત આદેશો આપવામાં જ વ્યસ્ત છે.

આ સમગ્ર ઘટનામાં એક ચોંકાવનારી વાત સામે આવી છે કે રાજ્યમાં આગની 2-2 ઘટના ઘટી હોવા છતાં 96 ટકા હોસ્પિટલોમાં ફાયર સેફ્ટિના સાધનો નથી, સેફ્ટિનું એનઓસી નથી અથવા તો ફાયર સેફ્ટિના નિયમોનું પાલન નથી.

અમદાવાદમાં એવી કેટલીક પ્રાઇવેટ હોસ્પિટલો છે કે જ્યાં નિયમિત ફાયર સેફ્ટિનું ચેકીંગ થતું હોય છે, કારણ કે દર્દીઓ સાથે ડોક્ટરો અને પેરા મેડીકલ સ્ટાફના જીવને જોખમ હોય છે. સચિવાલયને પ્રાપ્ત થયેલા ડેટા પ્રમાણે ગુજરાતની 11554 હોસ્પિટલોમાંથી 96.98 ટકા હોસ્પિટલો પાસે ફાયરનું એનઓસી નથી. એકલા અમદાવાદમાં 2000 હોસ્પિટલો એનઓસી વિના ચાલે છે, જ્યારે સુરતની 92 હોસ્પિટલો પાસે ફાયર એનઓસી નથી.

વડોદરાનો ડેટા હજી ગાંધીનગરને પ્રાપ્ત થયો નથી, કારણ કે હજી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટીસ મોકલવાની કાર્યવાહી ચાલી રહી છે.

ગુજરાતના મેગાસિટીની જેમ નાના શહેરોમાં તો સ્થિતિ વધારે ગંભીર છે. આખા રાજ્યની માહિતીને ધ્યાનમાં લેતા સામે આવ્યું છે કે રાજ્યની ફક્ત 3.02 ટકા એટલે કે 349 હોસ્પિટલોમાં જ ફાયર સેફ્ટિના નોર્મ્સ હયાત છે. કોરોના દર્દીઓની સારવાર કરતી કુલ 127 હોસ્પિટલો પૈકી 55 હોસ્પિટલોમાં ફાયરની એનઓસી નથી.

ગુજરાતમાં આવેલી કુલ હોસ્પિટલો પૈકી 1079 મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલો છે, જેમાં ફાયર સેફ્ટિના નોર્મ્સનું પાલન કરવા જે તે સત્તાતંત્ર તરફથી આદેશ કરવામાં આવ્યા પછી ફાયર એનઓસી લેવા માટે લાઈનો લાગવાની શરૂઆત થઇ ચુકી છે. રાજ્યમાં કુલ 475 જેટલી સરકારી હોસ્પિટલો છે. રાજ્યમાં 5500 એવી હોસ્પિટલો છે કે જ્યાં 50 કે તેથી ઓછા બેડ છે. આ ઉપરાંત 4500 જેટલા પ્રાઇવેટ ક્લિનિક છે. જ્યાં દર્દીને દાખલ કરવામાં આવતા હોય તે હોસ્પિટલમાં તો ફાયર સેફ્ટિ હોવી આવશ્યક છે.

જયારે પણ આવી ઘટના બને ત્યારે થોડાક દિવસો માટે તંત્ર કડક રહે છે, બાદમાં બધું પેલા જેવું જ થઇ જાય છે. આટલું જ નહીં પણ, ફાયર સેફ્ટિના કાયદા જ્યાં બને છે તે ગાંધીનગરમાં પણ ખાનગી હોસ્પિટલો પાસે ફાયરનું એનઓસી નથી. ખુદ ગાંધીનગર સિવિલ પાસે પણ એનઓસી નથી. આ હોસ્પિટલમાં ફાયરના સાધનો છે પરંતુ એનઓસી નહોતું, પરંતુ શ્રેય હોસ્પિટલની ઘટના પછી મેળવી લેવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *