ગુજરાત સરકાર દ્વારા લોકડાઉનમાં રાજ્યના લોકોને કોરોના સંક્રમણથી બચાવવા અને તેમની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે એક હોમિયોપેથી દવાનુ વિતરણ કરવામાં આવ્યું હતું. ન્યૂઝ એજન્સી પીટીઆઈના સમાચાર મુજબ ગુજરાતના આરોગ્ય વિભાગે રોગનિરોધક રૂપે આર્સેનિકમ એલ્બમ-30 નામની હોમિયોપેથી દવા માર્ચમાં કોરોનાના પ્રકોપ બાદથી જ રાજ્યની અડધી વસ્તીમાં વિનામૂલ્યે વિતરણ કરી છે. ગુજરાતે વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઈઝેશન(ડબ્લ્યુએચઓ) સામે રજૂ કરેલી રિપોર્ટમાં આ વિશે માહિતી આપી છે.
3.48 કરોડ ગુજરાતીઓને એલ્બમ-30 દવા આપવામાં આવી
ગુજરાત સરકારે ડબ્લ્યુએચઓને જણાવ્યુ છે કે રાજ્યના આરોગ્ય વિભાગે 3.48 કરોડ લોકોને એલ્બમ-30 દવા આપી છે કે જે રાજ્યની કુલ જનસંખ્યા 6.6 કરોડના અડધાથી વધુ છે. આ રિપોર્ટમાં સ્પષ્ટ રીતે જણાવવામાં આવ્યુ છે કે આ હોમિયોપેથી દવા કોરોના વાયરસ સામે લડવાનુ કામ કરે તેના કોઈ વૈજ્ઞાનિક પ્રમાણ નથી. જો કે રાજ્ય સરકારે એ દાવો જરૂર કર્યો કે આયુષનો લાભ ઉઠાવનાર 99.6 ટકા લોકો ક્વૉરંટાઈન સમયગાળા દરમિયાન આ દવાના ઉપયોગ બાદ સંક્રમણથી મુક્ત થયા છે.
દર્દીઓને થયો મોટો ફાયદો : આરોગ્ય વિભાગ
આરોગ્ય વિભાગે કહ્યુ કે આયુષ (આયુર્વેદ, યોગ, નેચરોપેથી, સિદ્ધ અને યુનાની) લોકોની ઈમ્યુનિટી વધારવા માટે લાભકારી રહ્યુ છે અને તેના કારણે આયુષ ટ્રીટમેન્ટનો પ્રોટોકૉલ બનાવવામાં આવ્યો. ક્વૉરંટાઈન દરમિયાન 33,268 લોકોને આયુષ સારવાર આપવામાં આવી અને આમાં અડધાથી વધુ હોમિયોપેથી દવાઓ આપવામાં આવી હતી. જેનાથી દર્દીઓને ફાયદો થયો છે.
દવા લેનારા 99.69 ટકા લોકોનો કોરોના નેગેટીવ આવ્યા
ગુજરાતના મુખ્ય સચિવ(આરોગ્ય વિભાગ) જયંતિ રવિએ રવિવારે કહ્યુ કે સરકારે આર્સેનિકમ એલ્બમ-30 દવાની ક્ષમતા વિશે વિશ્વાસ હતો કારણકે જે હજારો લોકોને આર્સેનિકમ એલ્બમ-30નો ડોઝ આપવામાં આવ્યો તેમાંથી 99.69 ટકા લોકોનો કોરોના રિપોર્ટ નેગેટીવ આવ્યો છે. જે 0.3 ટકા લોકોનો રિપોર્ટ પૉઝિટીવ આવ્યો તેમાં પણ કોરોનાના લક્ષણ ઘણા ઓછા હતા. પરંતુ આ દવા વિશે હજુ વધુ એનાલિસિસ કરવુ જરૂરી છે.
હજુ સંશોધન ચાલુ
રાજ્યના આયુષ વિભાગના નિર્દેશક ભાવના પટેલના જણાવ્યા અનુસાર ભાવનગરના એક ખાનગી ક્લિનિકમાં પ્રોફિલેક્સિસ તરીકે ચાલી રહેલા એલ્બમ-30ની ક્લિનિકલ ટ્રાયલનુ હજુ સુધી કોઈ સ્પષ્ટ પરિણામ દેખાયુ નથી. પટેલે કહ્યુ કે હોમિયોપેથી ડૉક્ટરો સહિત એક વિશેષજ્ઞ સમિતિની ભલામણ પર હોમિયોપેથી દવા માર્ચથી વિતરિત કરવામાં આવી છે અને રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા એક મહિના પહેલા આનો ઉપયોગ કરનાર લોકો માટે તેને પુનરાવર્તિત કરવાનો આદેશ પણ આપવામાં આવ્યો. આર્સેનિકમ એલ્બમ-30 રોગપ્રતિકારક ક્ષમતાને વધારે છે પરંતુ હજુ સુધી આના પર અમારુ સંશોધન પૂરુ થયુ નથી.