કોરોના મહામારીમાંના વધતા જતા સંક્રમણને રોકવા ગુજરાત સરકારે આજથી માસ્ક વગર ફરનારા લોકો પાસેથી 1,000/- રૂપિયાનો દંડ વસુલવાનો નિર્ણય કર્યો છે. ત્યારે સરકારનાં જ એક અધિકારી માસ્ક વિના માસ્ક વગર ફરનારા લોકો પાસેથી દંડ ઉઘરાવતા નજરે ચડ્યા હતા.
ઘટના જાણે એમ છે કે ભાવનગર નારી ચોકડી પાસે વરતેજ પોલીસ સ્ટેશનના ASI જીપમાં બેઠા-બેઠા માસ્ક વગર નીકળતા નાગરિકો પાસેથી દંડ વસુલતા હતાં. ત્યારે એક જાગૃત નાગરિકે પોલીસને પૂછ્યું કે, “શું સાહેબ તમને કોઇ નીતિ નિયમો લાગુ નથી પડતા? શું પ્રજાને જ નિયમો લાગુ પડે?” તેનાં જવાબમાં ASIએ કહ્યું કે, “આ અંગે કલેકટર પાસેથી જવાબ મેળવી લેવો.”
જો કે અધિકારીની દાદાગીરીનો આ વીડિયો વાયરલ થતા ઉચ્ચ પોલીસ અધિકારીઓ હરકતમાં આવી ગયા હતાં. માસ્ક વગરના ASI વરતેજ પોલીસ મથકનાં નિરુભા બી. જાડેજા છે. આ ઘટના બાદ તેમના પર કાર્યવાહી કરતા તેમની પાસેથી પણ 500 રૂપીયા દંડ વસુલ્યો હોવાની વિગતો પ્રાપ્ત થઈ છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોમવારનાં રોજ જણાવ્યું હતું કે, “રાજ્યની હાઈકોર્ટે આપેલા ચુકાદાનો રાજ્યમાં 11 ઓગસ્ટથી અમલ કરવામાં આવશે. 11 ઓગસ્ટ મંગળવારથી જાહેરમાં માસ્ક ના પહેરનારા વ્યક્તિઓને 1000 રૂપિયાનો દંડ કરવામાં આવશે.” જાહેરમાં માસ્ક નહીં પહેરનાર માટે પ્રથમ 200 રૂપિયા, બાદમાં 500 રૂપિયા અને હવે 1 હજાર રૂપિયા દંડ વસુલ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.