હાર્દિકે પણ તોડ-જોડની રાજનીતિ શરુ કરી, ભાજપના કોર્પોરેટર સહીતના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

By | September 3, 2020

ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ બાદ હવે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ આજે રાજકોટ આવી પહોંચ્યા છે. ત્યારે હાર્દિક પટેલે ભાજપ જેવી તોડ-જોડની નીતિ શરૂ કરી દીધી છે. હાર્દિક પટેલની અધ્યક્ષતામાં ભાજપના મહિલા કોર્પોરેટર કોંગ્રેસમાં જોડાયા છે. જેથી ભાજપમાં ભૂકંપ આવ્યો છે. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે આગામી 15 દિવસમાં વધુ 5 કોર્પોરેટર ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાશે. જો કે આ કાર્યક્રમમાં હાર્દિક પટેલ સહિત કોંગી કાર્યકરો સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક પહેરવા સહિતનાં નિયમોનો ભંગ કરતા જોવા મળ્યા હતા.

કોર્પોરેટર સહીત 30 જેટલા કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
આજે હાર્દિક પટેલની હાજરીમાં રાજકોટના વૉર્ડ નંબર 5નાં મહિલા કોર્પોરેટર દક્ષાબેન ભેસાણીયા સહીત સૌરાષ્ટ્ર APMCના વેપારી મંડળના પ્રમુખ અતુલ કમાણી, NOGના ચાંદનીબેન, ભાજપના પિયુષભાઈ, જીતેન્દ્ર રૈયાણી અને ABVPના 9 હોદ્દેદારો સહિત 30 જેટલા કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે. હાર્દિક પટેલે જણાવ્યું હતું કે, ઇન્દ્રનીલ રાજ્યગુરૂની વાતચીત પાર્ટી સાથે ચાલે છે. આવતા દિવસોમાં એ જરૂર કોંગ્રેસમાં જોડાશે. પ્રેસ કોન્ફરન્સમાં પ્રદેશ મહિલા પ્રમુખ અને રાજકોટ શહેર મહિલા પ્રમુખની બાદબાકી જોવા મળી હતી. મહિલા પ્રમુખને આમંત્રણ ન આપતા નારાજગી જોવા મળી છે. જો કે રાજકોટ શહેર મહિલા પ્રમુખે મીડિયા સમક્ષ આવવાનું ટાળ્યું હતું.

સી.આર. પાટીલની રેલીના કારણે રાજકોટમાં વધ્યો કોરોનાનો ખતરો : હાર્દિકનો આક્ષેપ
હાર્દિક પટેલે ભાજપ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, રાજકોટમાં કોરોના માત્ર ભાજપના કારણે જ વધ્યો છે. સી.આર.પાટીલે રેલી કરી એવી કોઈ જરૂરિયાત નહોતી. કોરોનાના કાળમાં પ્રજાનું ધ્યાન રાખવાનું હોય એ લોકો આવું કરશે તો બીજાનું શું? આ રેલી પછી ઘણો કોરોના વકર્યો છે. સી.આર.પાટીલ આજે પણ અનેક કાર્યક્રમો કરી રહ્યા છે. અન્ય ગામમાં કાર્યક્રમો અને રેલી કરી રહ્યા છે તેમાં કોરોના વધશે તો જવાબદારી કોની?

કોર્પોરેટરોએ અગાઉ પણ રાજીનામાનું નાટક કર્યુ હતું: કમલેશ મીરાણી
ભાજપના કોર્પોરેટરે રાજીનામા આપતા રાજકોટ ભાજપ શહેર પ્રમુખ કમલેશ મીરાણીએ નિવેદન આપતા કહ્યું કે ભાજપના કોર્પોરેટર દક્ષાબેન ભેસાણીયા કોંગ્રેસમાં જોડાશે તે અપેક્ષિત હતું. કોર્પોરેટર તેમજ તેમના પતિ 2 વર્ષથી પાર્ટી વિરોધી ગતિવિધિ કરતા હતા. ભૂતકાળમાં તેમને રાજીનામું આપવાનું નાટક કર્યુ હતું. ગત અઠવાડિયે પણ તેમને હવે ટિકિટ નહીં મળે તેવું કહેવામાં આવ્યું હતું. જેથી તેઓ ટિકિટની લાલચે કોંગ્રેસમાં જોડાયા છે.

કોરોના બેકાબૂ બન્યો છતાં સરકાર કેમ પગલા લેતી નથી- હાર્દિક
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં કોરોના બેકાબૂ બનતા હાર્દિક પટેલે નિવેદન આપ્યું હતું, કે કોરોના મુદ્દે સરકાર કેમ કોઈ પગલાં લેતી નથી તે સમજાતું નથી. કેમ ખાનગી હોસ્પિટલોને કડક શબ્દોમાં સૂચના આપવામાં આવતી નથી.

કોંગ્રેસની ટીમ સૌરાષ્ટ્રમાં પાકને થયેલા નુકસાનને લઈને સર્વે કરશે
સૌરાષ્ટ્રમાં જે શહેર, જિલ્લા અને તાલુકામાં અતિવૃષ્ટિ થઈ છે તે મામલે સરકાર માત્ર જાહેરાત કરે છે. ગયા વર્ષે પણ સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી. પણ કોઈને પૈસા મળ્યા નથી. જેથી આ વખતે કોંગ્રેસની ટીમ અલગ અલગ તાલુકા અને જિલ્લામાં સર્વેની કામગીરી શરૂ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *