ખેડાની 5 નગરપાલિકામાં ભાજપનો કારમો પરાજય, કોંગ્રેસ અને અપક્ષે બાજી મારી

By | September 3, 2020

ખેડા જીલ્લાની પાંચ નગરપાલિકાઓમાં આજે યોજાયેલી ચૂંટણીઓમાં ભાજપનો કારમો પરાજય થયો છે. પાંચેય નગરપાલિકાઓમાં અગાઉ ભાજપની સત્તા હતી. તેમાંથી ત્રણ પાલિકાઓમાં ભાજપની સત્તા ઝૂંટવાઈ ગઈ છે અને ખુદ ભાજપના જ સભ્યોએ પોતાના પક્ષને હરાવીને વિપક્ષ અને અપક્ષને સત્તા અપાવવામાં બળવાખોર ભૂમિકા ભજવી છે. જીલ્લાની ડાકોર, ખેડા અને મહુધા નગરપાલિકામાં ભાજપને બદલે કોંગ્રેસ અને અપક્ષના પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટાઈ આવ્યા છે. જ્યારે મહેમદાવાદ અને ચકલાસીમાં ભાજપે સત્તા જાળવી રાખીને પોતાના પ્રમુખ-ઉપપ્રમુખને વિજયી બનાવ્યાં છે.જિલ્લાની આ પાંચેય નગરપાલિકાઓમાં નારીશક્તિનો વિજય થયો છે.

ખેડા જીલ્લામાં આજે ચકલાસી, ખેડા, મહેમદાવાદ, ડાકોર અને મહુધા નગરપાલિકાઓમાં  પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીઓ યોજાઈ હતી. આ પાંચેય નગરપાલિકાઓમાં પ્રમુખ અને ઉપપ્રમુખની અઢી વર્ષની ટર્મ પુરી થતાં નવેસરથી પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. પાંચેય નગરપાલિકાઓમાં અત્યારે ભાજપની સત્તા હતી જે ઝૂંટવાઈને મહુધામાં કોંગ્રેસ જ્યારે ખેડા અને ડાકોરમાં અપક્ષે બાજી મારી લીધી છે.

ડાકોર નગરપાલિકાની ચૂંટણી પાલિકાના હોલમાં ઠાસરના પ્રાંત અધિકારીની ઉપસ્થિતીમાં યોજાઈ હતી. ડાકોર નગરપાલિકાના ભાજપના મેન્ડેટ પર ચૂંટાયેલા છ સભ્યોએ ભાજપના ઉમેદવારને મત ન આપતાં અપક્ષ ઉમેદવારને મત આપ્યો છે. નવાઈની વાત એ છે કે ભાજપ મોવડી મંડળનો સ્પષ્ટ આદેશ લેખીત વ્હીપને પણ ઘોળીને પી જનાર આ છએ સભ્યોએ સતત બીજી વખત આ રીતે પક્ષ વિરુધ્ધ બળવો કર્યો છે. જેમાં પીઠ પાછળ જુના કોંગી નેતા રામસિંહ પરમારનું તેમને પીઠબળ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

આ સમગ્ર મામલે ભાજપના પ્રદેશ મહામંત્રી શબ્દશરણ બ્રહ્મભટ્ટનું પણ નાક કપાયું હોવાની ચર્ચા ચાલી રહી છે. ગત ૨૦૧૮ની ચૂંટણીમાં ભાજપના આ છ બળવાખોરોને પક્ષે નોટીસ આપી સસ્પેન્ડ કર્યાં હતાં. અને તેમના વિરૂધ્ધ પક્ષાંતર ધારાનો કોર્ટ કેસ પણ ચાલે છે. આમ છતાં તેમણે ફરીથી ડાકોર પાલિકામાં ભાજપ વિરૂધ્ધ જ બળવાખોરી કરી અપક્ષને વિજય અપાવ્યો છે.

એજ રીતે ખેડા નગર પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. જેમાં ભાજપના બળવાખોર સભ્યો અપક્ષ જુથને સત્તા અપાવવામાં સફળ થયા હતા.

અપક્ષના પ્રમુખ તરીકે પ્રિયંકા વિપુલભાઈ સોલંકી અને ઉપપ્રમુખ તરીકે ભાનુમતી રામસિંહ વાઘેલાએ પંદર મત મેળવ્યા હતા. જ્યારે ભાજપના પ્રમુખ તરીકે રમેશ અંબાલાલ વાઘેલા અને ઉપપ્રમુખ તરીકે યુનુસ શેખને તેર મત મળતા તેમનો કારમો પરાજય થયો છે.

ખેડા શહેરમાં અગાઉ ભાજપની સત્તા હતી પરંતુ આ વખતે તોડજોડ કરીને અપક્ષોએ મેદાન માર્યું છે.

મહુધા નગર પાલિકા કોગ્રેસ પક્ષે સત્તાધારી પક્ષ ભાજપ પાસેથી આંચકી લીધી છે.

નગર પાલિકામાં પ્રમુખ માટે મીનાઝબાનુ મહંમદફિરોઝ  મલેકને કોંગ્રેસ પક્ષે મેન્ડેટ આપ્યું હતું. જ્યારે ભાજપે વિધિબેન મેહુલકુમાર પટેલને મેન્ટેડ આપ્યું હતું.  જેમાં મીનાઝબાનુને ૧૩ વોટ મળ્યા હતા. જ્યારે ભાજપ પક્ષના વિધિ બેનને ૧૦ વોટ મળ્યા હતા. એજ રીતે  ઉપપ્રમુખ તરીકે કોગ્રસના શાહિદખાન મીંયાખાન પઠાણ, અપક્ષના સોઢા પરમાર દિપકભાઈએ સામે વિજયી થયા છે.

મહુધા નગરપાલિકામાં વીસ વર્ષ પછી કોંગ્રેસે ભાજપ પાસેથી સત્તા ઝૂંટવી છે. કારણ કે ગત પાલિકા પ્રમુખે થોડા દિવસો અગાઉ ધાર્મિક લાગણી દુભાય તેવી ટ્વિટ કરતા લઘુમતી સમાજમાં બધા સભ્યો ભેગા થઈ ગયા હતા. જે પૈકી ત્રણ સભ્યો નામે નાસીરહુસેન મલેક, ઉમરાનહુસેન મલેક અને સૈયદસોહેબે ગત ચૂંટણીમાં ભાજપ પક્ષને ટેકો આપ્યો હતો. તેમણે આ વખતે પાટલી બદલીને કોંગ્રેસ સાથે હાથ મીલાવ્યો છે. આથી મહુધા નગરપાલિકામાં ભાજપનો કારમો પરાજય થયો છે.

ચકલાસીમાં ભાજપના સંગીતાબેન એસ. વાઘેલા પ્રમુખ તરીકે ચૂટાયા હતા. અહીં ગીતાબેન જાદવનો બે મતથી પરાજય થયો છે. જ્યારે ઉપપ્રમુખ તરીકે રાજેશભાઈ આર. વાઘેલા બીનહરીફ ચૂંટાઈ આવ્યા હતા.

મહેમદાવાદ નગર પાલિકામાં આજે પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી ૧૧.૩૦ કલાકે યોજાઈ હતી.  આ ચૂંટણી પ્રાંત અધિકારી, મામલતદાર, ચીફ ઓફિસરની અધ્યક્ષતામાં યોજાઈ હતી.જેમાં પ્રમુખ તરીકે શિલાબેન આઈ. વ્યાસ અને ઉપપ્રમુખ તરીકે સંગીતાબેન બી. વાઘેલા  બીનહરીફ ચૂંટાઈ આવ્યા હતા.

ખેડા નગરપાલિકાની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપના પ્રતીક ઉપર ચૂંટાયેલા ત્રણ સભ્યોએ બળવો કરતા અપક્ષ જૂથે સત્તા મેળવી હતી. ચૂંટણી પૂર્વે જીલ્લા ભાજપના મંત્રી દશરથભાઈ પટેલ દરેક ભાજપના સભ્યોને વ્હીપ આપતા ત્રણ સભ્યો ઘનશ્યામભાઈ છોટાભાઈ ગાંધી, ભાનુમતીબેન રામસીંગ વાઘેલા અને અશોકભાઈ ઉદાભાઈ ગોહેલે વ્હીપ સ્વીકાર્યો નહતો અને પાર્ટીના મેન્ડેટ વિરૂધ્ધ મતદાન કર્યું હતું. આ બાબતે ખેડા શહેર ભાજપ પ્રમુખ રોહિત પટેલ દ્વારા ત્રણેય સભ્યોની બળવાખોરી બાબતે જીલ્લા ભાજપમાં લેખિત જાણ કરી છે.

આજ રોજ ખેડા જીલ્લાની પાંચ નગરપાલિકાઓમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીઓ યોજાઈ હતી. આ પાંચેય નગરપાલિકાઓમાં મહિલા ઉમેદવારો પ્રમુખ તરીકે ચૂંટાઈ આવી હતી. રસાકસીભર્યા ચૂંટણીજંગમાં મહિલાઓ મેદાન મારતા નારી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે.  આ ઉપરાંત ઉપપ્રમુખ તરીકે પણ બે મહિલાઓ ચૂંટાઈ આવી છે. આમ પાંચેય નગરપાલિકાઓમાં મહિલાઓ પુરૂષ સમોવડી બની દબદબો જાળવ્યો  છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *