કોરોના વાયરસની દવાનું કાળાબજાર, 5 હજાર ની દવા 38 હજારમાં વેચાઈ રહી છે

By | July 8, 2020

બીબીસીએ આ બજારમાં કામ કરતા લોકોનો સંપર્ક કર્યો. જેમણે કહ્યું કે તેઓ દવા તો અપાવી દેશે, પરંતુ તેમને પૈસા વધુ આપવા પડશે.

દવાના વ્યવસાયમાં કામ કરવાનો દાવો કરતી એક વ્યક્તિએ કહ્યું – હું દવાની ત્રણ શીશી અપાવી શકું છું, પરંતુ એક શીશી માટે તમારે 30 હજાર રૂપિયા આપવા પડશે અને તમારે તરત આવવું પડશે.

સત્તાવાર રીતે રેમડેસિવિરની એક શીશીની કિંમત 5400 રૂપિયા છે. સામાન્ય રીતે આ દર્દીને તેના પાંચ કે છ ડોઝ આપવાના હોય છે. એક અન્ય વ્યક્તિએ તો એક શીશીના 38 હજાર રૂપિયાની વાત કરી.

દુનિયાના ઘણા દેશોની હૉસ્પિટલોમાં ક્લિનિકલ ટ્રાયલ દરમિયાન આ તથ્ય સામે આવ્યું હતું કે રેમડેસિવિર કોરોનાનાં લક્ષણની અવધિને 15 દિવસથી ઘટાડીને 11 દિવસ કરી શકે છે. તેના કારણે રેમડેસિવિરની માગ વધી ગઈ છે.

જોકે વિશેષજ્ઞોએ ચેતવણી આપી છે કે આ કોઈ પ્રભાવી ઉપચાર નથી, પરંતુ કોઈ પણ દવા ઉપલબ્ધ ન હોય ત્યારે ભારતમાં ડૉક્ટરો કોરોના દર્દીઓને આ દવા લખી આપે છે. આ કારણે દિલ્હી અને ભારતનાં અન્ય શહેરોમાં તેની માગ વધી છે.

બીબીસીને એ માહિતી મળી છે કે દિલ્હી અને ઘણા પડોશી જિલ્લાઓમાં દર્દીઓના પરિવારોને આવી જ સ્થિતિનો સામનો કરવો પડ્યો અને રેમડેસિવિર માટે વધુ કિંમત આપવી પડી. ઘણા લોકોનું એ કહેવું છે કે તેઓને આ દવા ખરીદવા માટે પોતાના જીવનભરની બચત આપવી પડી, એ આશાએ કે તેમના સ્વજનો કોરોના સામે જંગ જીતી જાય.

આ રીતની નફાખોરીનું મુખ્ય કારણ સપ્લાય અને માગમાં મોટું અંતર છે.

અમેરિકાસ્થિત ગિલિએડ સાયન્સે મૂળ રૂપે ઈબોલાની સારવાર માટે રેમડેસિવિર બનાવી હતી. હવે તેણે ભારતની ચાર કંપનીઓ- સિપ્લા, જુબિલિઍન્ટ લાઇફ, હિટેરો ડ્રગ્સ અને માઇલૉનને ભારતમાં આ દવા બનાવવા માટે મંજૂરી આપી છે.

જોકે અત્યાર સુધી હિટેરોએ આ દવા બનાવી છે. કંપનીએ અત્યાર સુધીમાં રેમડેસિવિરના 20 હજાર ડોઝ પાંચ રાજ્યોમાં મોકલ્યા છે. જોકે કંપનીએ બીબીસીને જણાવ્યું નથી કે કિંમતોને લઈને આવું કેમ થઈ રહ્યું છે.

કંપનીના વાઇસ પ્રૅસિડેન્ટ સેલ્સ સંદીપ શાસ્ત્રીનું કહેવું છે કે અમે આ દવા અમારા વિતરકોને આપી નથી. દિશાનિર્દેશો અનુસાર અમે સીધા હૉસ્પિટલને આ દવા આપી રહ્યા છીએ.

તેઓએ કહ્યું કે કંપની માગ પૂરી કરવા માટે ઘણી મહેનત કરી રહી છે અને આ રીતની કાળાબજારી હતોત્સાહિત કરનારી છે.

સંદીપ શાસ્ત્રીએ કહ્યું, “અમે પરિવારોની પીડા સમજીએ છીએ. તેમને દવા શોધવાનું ન કહેવું જોઈએ. અમે આગામી દિવસોમાં પોતાનું પ્રોડક્શન વધારવા માટે ઘણા આશાવાદી છીએ અને પરિસ્થિતિઓ સારી થવી જોઈએ.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *