ગુજરાત વિધાનસભાની 8 બેઠકો પર પેટાચૂંટણીનો જંગ જામશે : કોણ મારશે બાજી?

By | September 29, 2020

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીની જાહેરાત કરી દેવામાં આવી છે. ત્રીજી નવેમ્બરે મતદાન યોજાશે અને દસમી નવેમ્બરે મતગણતરી હાથ ધરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે રાજ્યની આઠ બેઠકો માટે પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે.

જાહેરનામાની જાહેરાત – 9 ઑક્ટોબર, 2020
ઉમેદવારીની છેલ્લી તારીખ – 16 ઑક્ટોબર, 2020
ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ -19 ઑક્ટોબર, 2020
મતદાનની તારીખ -3 નવેમ્બર, 2020
પરિણામની તારીખ – 10 નવેમ્બર, 2020

જૂન 2020માં યોજાયેલી રાજ્યસભાની ચૂંટણી દરમિયાન કૉંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં હતાં, જેના પર પેટાચૂંટણી યોજાશે.

આ આઠ બેઠકો માટે સપ્ટેમ્બર-ઑક્ટોબરમાં પેટાચૂંટણીની શક્યતા જોવાઈ રહી હતી ત્યારે રાજ્યના બંને મુખ્ય પક્ષો કૉંગ્રેસ અને ભાજપે પેટાચૂંટણીનો આવનારો જંગ જીતવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે.

આ ચૂંટણીને ધ્યાનમાં રાખીને ગુજરાત ભાજપના પ્રદેશાધ્યક્ષ તરીકે સી. આર. પાટીલની નિમણૂક કરવામાં આવી છે, જ્યારે બીજી તરફ કૉંગ્રેસે યુવા પાટીદાર નેતા હાર્દિક પટેલને પ્રદેશ કૉંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ નિયુક્ત કર્યા છે.

એ પહેલા ભાજપે પણ પેટાચૂંટણીનો આ જંગ જીતવાના ઇરાદાથી જૂનના અંતમાં આ આઠ બેઠકો માટે 16 ઇન્ચાર્જનાં નામ જાહેર કર્યાં હતાં.

જોઈએ કે આ આઠ બેઠકો પર પેટાચૂંટણીમાં શું રાજકીય સમીકરણો બની રહ્યાં છે અને પેટાચૂંટણીમાં કેવા રાજકીય રંગ આ બેઠકો પર જોવા મળી શકે છે.

અબડાસા

કચ્છ જિલ્લાની અબડાસા બેઠક પરથી કૉંગ્રેસના ધારાસભ્ય પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ રાજીનામું આપ્યું હતું. 2017ની વિધાનસભા ચૂંટણીમાં પ્રદ્યુમ્નસિંહ જાડેજાની ભાજપના છબીલભાઈ પટેલ સામે 9746 મતોથી જીત થઈ હતી.

મહત્ત્વનું છે કે કચ્છ જિલ્લાની આ બેઠક પરથી ભાજપના છબીલભાઈ પટેલને 2014ની પેટાચૂંટણીમાં પ્રદેશ કૉંગ્રેસના દિગ્ગજ નેતા શક્તિસિંહ ગોહિલે નજીવા માર્જિનથી હાર આપી હતી.

કૉંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ જૂનના અંતમાં પ્રદ્યુમ્નસિંહ જાડેજા ઔપચારિક રીતે ભાજપમાં જોડાઈ ગયા છે, ત્યારે હવે ભાજપ પેટાચૂંટણીમાં અહીંથી કોને ઉમેદવાર બનાવે છે, તે જોવું રસપ્રદ રહેશે.

તો કૉંગ્રેસે પણ વિસ્તારમાંથી કોઈ મજબૂત ચહેરાને ચૂંટણી જીતવા શોધવો પડશે.

લીમડી

સુરેન્દ્રનગર જિલ્લાની લીમડી બેઠક પરથી કૉંગ્રેસના વિસ્તારના અગ્રણી નેતા સોમા ગાંડા પટેલે રાજ્યસભાની ચૂંટણી પહેલાં રાજીનામું આપી દીધું હતું.

2017ની વિધાનસભા ચૂંટણીમાં સોમા ગાંડા પટેલે ભાજપના કિરીટસિંહ રાણાને 14,000થી વધુ મતોથી હાર આપી હતી.

2012માં પણ આ બેઠક પર આ જ બે ઉમેદવારો વચ્ચે સીધો જંગ થયો હતો અને પરિણામ પણ આ જ આવ્યું હતું. સોમા ગાંડા પટેલે કિરીટસિંહ રાણાને હાર આપી હતી.

મોરબી

મોરબી બેઠક પરથી રાજીનામું આપી રાજ્યસભાની ચૂંટણી બાદ ભાજપમાં જોડાનાર બ્રિજેશ મેરજાએ 2017ની વિધાનસભા ચૂંટણીમાં આ બેઠક પરથી ભાજપના કાંતિભાઈ અમૃતિયા સામે લગભગ 3500 જેટલા માર્જિનથી જીત મેળવી હતી.

આ પહેલાં 2012ની ચૂંટણીમાં પણ આ જ બે ઉમેદવારો વચ્ચે મોરબીની બેઠક માટે ચૂંટણીજંગ ખેલાયો હતો. જોકે ત્યારે મેરજાની હાર થઈ હતી.

ધારી

અમરેલી જિલ્લાની ધારીની બેઠક પરથી 2017માં વિજેતા થનાર કૉંગ્રેસના ધારાસભ્ય જે. વી. કાકડિયાએ રાજ્યસભાની ચૂંટણી પહેલાં કૉંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું અને ચૂંટણી બાદ ભાજપમાં જોડાઈ ગયા હતા.

2017ની વિધાનસભા ચૂંટણીમાં જે. વી. કાકડિયાએ આ બેઠક પરથી ભાજપના દિગ્ગજ ઉમેદવાર દિલીપ સંઘાણીને 15,000થી વધુ મતોથી હાર આપી હતી.

સામાન્ય વર્ગમાં આવતી ધારી બેઠક પર પાટીદાર મતો મહત્ત્વના ગણાય છે.

ગઢડા

બોટાદ જિલ્લાની ગઢડા બેઠક અનુસૂચિત જાતિ માટેની અનામત બેઠક છે. આ બેઠક પરથી કૉંગ્રેસના ધારાસભ્ય પ્રવીણ મારુએ રાજીનામું આપી દીધું હતું.

2017ની વિધાનસભા ચૂંટણીમાં વિસ્તારમાં કૉંગ્રેસના મજબૂત નેતા ગણાતા પ્રવીણ મારુએ ભાજપના ઉમેદવાર અને એક સમયના કૅબિનેટમંત્રી આત્મારામ પરમારને 9400થી વધુ મતે હાર આપીને 2012ની તેમની હારનો બદલો લીધો હતો.

આ બેઠક પરથી આત્મારામ પરમાર 1995થી ચાર વાર જ્યારે પ્રવીણ મારુ બે વાર ધારાસભ્ય રહી ચૂક્યા છે.

ડાંગ

ડાંગ જિલ્લાની એસટી માટે અનામત બેઠક પરથી કૉંગ્રેસના ધારાસભ્ય મંગળભાઈ ગાવિતે રાજ્યસભાની ચૂંટણી પહેલાં પદેથી રાજીનામું આપી દઈ કૉંગ્રેસને આંચકો આપ્યો હતો.

2017ની વિધાનસભા ચૂંટણીમાં મંગળભાઈ ગાવિતે ભાજપના વિજયભાઈ પટેલ સામે 800થી પણ ઓછા માર્જિનથી જીત મેળવી હતી અને 2012ની જીતનું પુનરાવર્તન કરતા આ બેઠક પરથી ફરી વિજય પટેલને હરાવવામાં સફળ રહ્યા હતા.

કપરાડા

વલસાડ જિલ્લાની કપરાડા બેઠક પણ એસટી માટેની અનામત બેઠક છે. આ બેઠક પરથી કૉંગ્રેસના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરીએ રાજ્યસભાની ચૂંટણીના દાવપેચમાં કૉંગ્રેસમાંથી રાજીનામું આપી દેતાં કૉંગ્રેસને મોટો ઝટકો આપ્યો હતો.

2017ની ચૂંટણીમાં જીતુભાઈ ચૌધરીનો ભાજપના મધુભાઈ રાઉત સામે 170 મતના નજીવા માર્જિનથી વિજય થયો હતો.

2012માં જોકે આ બેઠક પરથી જીતુભાઈ ચૌધરી મોટા માર્જિનથી ભાજપના ઉમેદવાર સામે જીત્યા હતા.

કરજણ

વડોદરા જિલ્લાની કરજણ વિધાનસભા બેઠક પરથી કૉંગ્રેસના ધારાસભ્ય અક્ષય પટેલે રાજીનામું આપી દઈ રાજ્યસભાની ચૂંટણી પછી ભાજપનો ખેસ પહેરી લીધો હતો.

2017ની વિધાનસભા ચૂંટણીમાં અક્ષય પટેલે ભાજપના સતીશ પટેલ સામે લગભગ 3500 મતોના માર્જિનથી જીત મેળવી હતી. અને એ રીતે 2012ની ચૂંટણીમાં સતીશભાઈ પટેલ સામેની હારનો બદલો લીધો હતો.

જોકે હવે વિસ્તારમાં કૉંગ્રેસના અગ્રણી ગણાતા અક્ષય પટેલ ભાજપમાં જોડાઈ ગયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *