ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) અમલના પ્રથમ બે વર્ષમાં જીએસટી વળતરની 47,272 કરોડની રકમ રોકીને કેન્દ્ર સરકારે કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. કંટ્રોલર અને ઓડિટર જનરલ (સીએજી) ના અહેવાલમાં આ વાત સામે આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સરકારે જીએસટી વળતર સેસનો ઉપયોગ અન્ય હેતુઓ માટે કર્યો હતો, જે જીએસટી વળતર સેસ કાયદાનું ઉલ્લંઘન છે.
આ રકમનો ઉપયોગ ફક્ત રાજ્યોને થતી મહેસૂલની ખોટને ભરપાઈ કરવા માટે થવાનો હતો. સરકારી ખાતા પર બહાર પાડવામાં આવેલા તેના ઓડિટ રિપોર્ટમાં કેગે જણાવ્યું છે કે આ રકમ સતત જીએસટી વળતર સેસ કલેક્શન ફંડમાં નાખવાની હતી. વર્ષ 2017 થી જીએસટી લાગુ થયા પછી રાજ્યોને થતી મહેસૂલની ખોટને વળતર આપવા માટે આ પ્રયાસ કરવામાં આવ્યા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સરકારે આમ કર્યું નથી, જે જીએસટી કાયદાનું ઉલ્લંઘન છે.
કેગે જણાવ્યું હતું કે, “જીએસટીના અમલીકરણથી રાજ્યોને થતી આવકના નુકસાનની ભરપાઇ માટે જીએસટી વળતર સેસ એક્ટ, 2017 હેઠળ સેસ વસૂલવાની જોગવાઈ છે.” કાયદા અને હિસાબી કાર્યવાહી હેઠળ એક વર્ષ દરમિયાન સેસ ફોર્મમાં એકત્ર થયેલ રકમ જીએસટી વળતર સેસ ફંડમાં જમા કરાવવાની છે. તે જાહેર ખાતાનો ભાગ છે.
કેગે જણાવ્યું હતું કે 2017-18માં વળતર સેસ તરીકે 62,612 કરોડ રૂપિયાની રકમ ઉભી કરવામાં આવી હતી. તેમાંથી ફક્ત 56,146 કરોડ રૂપિયા સેસ ફંડમાં ટ્રાન્સફર થયા હતા. આ જ રીતે, 2018-19માં, સેસથી 95,081 કરોડની રકમ એકત્ર કરવામાં આવી હતી, જ્યારે ફક્ત 54,275 કરોડ રૂપિયા વળતર ભંડોળમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2017-18માં 6,466 કરોડ રૂપિયા વળતર સેસ ફંડમાં ઓછા ટ્રાન્સફર કરાયા હતા. આ સિવાય 2018-19માં 40,806 કરોડ રૂપિયાની રકમ ભંડોળમાં જમા કરાઈ ન હતી.
કેગે જણાવ્યું છે કે કેન્દ્ર દ્વારા આ રકમ ‘અન્ય હેતુઓ’ માટે વપરાણી છે, જેણે વર્ષ દરમિયાન મહેસૂલ આવક વધારી હતી, જ્યારે નાણાકીય ખાધને ઘટાડી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સેસની આખી રકમ ફંડમાં જમા ન કરવી એ જીએસટી વળતર અધિનિયમ, 2017 નું ઉલ્લંઘન છે.
જીએસટી કાઉન્સિલમાં, ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન રાજ્યોના જીએસટી વળતરનો મુદ્દો કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વિવાદનો વિષય છે. જીએસટીમાં એક્સાઈઝ અને વેલ્યુ-એડેડ ટેક્સ (વેટ) સહિત 17 જુદા જુદા કેન્દ્રીય અને રાજ્ય કરનો સમાવેશ થાય છે. કેન્દ્રનું કહેવું છે કે અર્થવ્યવસ્થાની મંદીના કારણે વળતર સેસ તરીકે વધુ રકમ એકઠી કરી શકી નથી. આ વળતર સેસ લક્ઝરી અને નાશવંત માલ પર વસૂલવામાં આવે છે.