ગુજરાત-મહારાષ્ટ્ર સરહદ પાસે ફેલાયેલો કોરોનાથી પણ જીવલેણ રોગ, બીજા જ અઠવાડિયે થાય છે 40% દર્દીઓનું મૃત્યુ

By | October 1, 2020

કોરોના વાઇરસના સંક્રમણની સ્થિતિ વણસી રહી છે એ વચ્ચે ગુજરાતના પડોશી રાજ્ય મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં કોંગો ફીવરને કારણે ઍલર્ટ જાહેર કરાઈ છે.

આ રોગને કોરોના વાઇરસના સંક્રમણ કરતાં જીવલેણ માનવામાં આવે છે, કારણકે અહેવાલો અનુસાર આનો મૃત્યુદર કોરોનાના સંક્રમણ કરતાં વધારે છે.

સરકારે જાહેર કરેલા પરિપત્રમાં લખ્યું છે, “જો તેની સમયસર તેની સારવાર કરવામાં ન આવે તો એક તૃત્યાંશ જેટલા દર્દીનાં મૃત્યુ થઈ શકે છે, વિશ્વ આરોગ્ય સંગઠનના અહેવાલ અનુસાર 10થી 40 ટકા લોકો મૃત્યુ પામે છે. તેની વૅક્સિન હાલ સુધી શોધાઈ નથી.”

વેધર ડૉટ કૉમના અહેવાલ અનુસાર પાલઘરના ક્લેક્ટર ડૉ. માણેક ગુરસાલેએ કહ્યું, “અમે તમામ મીટના વેચાણકર્તાઓને સફાઈ અને આરોગ્યનાં જરૂરી પગલાં લેવાની સૂચના આપી છે. ગ્લવ્સ પહેરવા, બૂટ પહેરવા, જંતુનાશક સ્પ્રેનો ઉપયોગ કરવો, માસ્ક, અને ગુજરાતની સરહદેથી મહારાષ્ટ્રમાં લાવવામાં આવતા જાનવરોની તપાસ કરવી જોઈએ.”

જિલ્લાના સિવિલ સર્જન કંચન વનારેએ કહ્યું, “પાલઘરમાં હાલ કોંગો વાઇરસ ફેલાયો નથી પરંતુ પડોશી રાજ્ય ગુજરાતના સરહદી જિલ્લાના તલસારી તાલુકામાં ચેપીરોગ ફેલાયો હોવાના કારણે આ જાહેરાત કરવામાં આવી છે.”

‘કૉંગો ફીવર’ શું છે?

‘ક્રિમિયન- કૉંગો હેમરેજિક ફીવર’ જેને સામાન્ય બોલચાલની ભાષામાં ‘કૉંગો ફીવર’ તરીકે પણ ઓળખાય છે.

આ રોગ સામાન્યપણે પ્રાણીઓથી ફેલાય છે. મોટાભાગે આ રોગ ઘેટાં-બકરાં જેવાં પ્રાણીઓમાં હોય છે જેમના સંપર્કમાં મનુષ્ય આવતા કૉંગો ફીવર ફેલાય છે.

આજ કારણે પાલઘરના ક્લેક્ટર ડૉ. માણેક ગુરસાલેએ કહ્યું, “અમે તમામ મીટના વેચાણકર્તાઓને સફાઈ અને આરોગ્યનાં જરૂરી પગલાં લેવાની સૂચના આપી છે. ગ્લવ્સ પહેરવા, બૂટ પહેરવા, જંતુનાશક સ્પ્રેનો ઉપયોગ કરવો, માસ્ક, અને ગુજરાતની સરહદેથી મહારાષ્ટ્રમાં લાવવામાં આવતા જાનવરોની તપાસ કરવી જોઈએ.”

કૉંગો ફીવરના સંપર્કમાં આવેલા 10-40% લોકોનાં મૃત્યુની શક્યતા રહે છે.

આ એક દુર્લભ રોગ છે પરંતુ છેલ્લા એક દાયકામાં કૉંગો ફીવરના કેસમાં વધારો જોવા મળ્યો છે.

આ રોગ યુરેશિયા અને આફ્રિકા સહિત ઉત્તર-પશ્ચિમ ચીન, મધ્ય એશિયા, દક્ષિણ અને પૂર્વ યૂરોપ, આફ્રિકા તેમજ મધ્ય પૂર્વ જેવા 30 દેશોમાં ફેલાયેલો છે.

કૉંગો ફીવરનો સૌપ્રથમ કેસ 1944માં ક્રિમિયામાં નોંધાયો હતો, જ્યારે કૉંગોમાં 1956માં એક વ્યક્તિની બીમારી પાછળ કૉંગો ફીવરને જવાબદાર ગણવામાં આવ્યો હતો.

કૉંગો ફીવરનાં લક્ષણો શું છે?

સામાન્યપણે કૉંગો ફીવરને કારણે માથામાં દુખાવો થાય છે. તેની સાથે તાવ આવવો, કમરમાં દુખાવો થવો, પેટમાં દુખાવો થવો અને ઉલટી થવી કૉંગો ફીવરનાં લક્ષણો છે.

WHO પ્રમાણે બે કે ચાર દિવસ બાદ વધુ ઊંઘ આવવા લાગે છે, તણાવ થાય છે અને સુસ્તી આવી જાય છે.

અન્ય લક્ષણોમાં હૃદયના ધબકારા વધી જવા, લોહી નીકળવાના કારણે ડાઘ પડી જવાનો સમાવેશ થાય છે.

દર્દીઓને પાંચ દિવસ બાદ કિડની પર સોજો આવી શકે છે અથવા તો લીવર પણ ફેલ થઈ શકે છે.

સામાન્યપણે કૉંગો ફીવરથી પીડિત દર્દીનું બીમારીના બીજા અઠવાડિયા દરમિયાન મૃત્યુ થાય છે.

જે દર્દીઓનો બચાવ થઈ જાય છે તેમની હાલત નવમાં અથવા તો દસમાં દિવસે સુધરી શકે છે.

કૉંગો ફીવરના ઇલાજ માટે કોઈ સુરક્ષિત રસી નથી.

કૉંગો ફીવરથી બચવા શું કરવું?

WHO પ્રમાણે આ રોગથી બચવાની કોઈ રસી નથી એટલે આ બીમારીથી બચવાનો મુખ્ય રસ્તો છે, લોકોમાં જાગૃતતા ફેલાવવી.

લોકોને કૉંગો ફીવરના ખતરા અંગે માહિતી આપવાની જરૂર છે અને એ જણાવવાની જરૂર છે કે કેવી રીતે આ વાઇરસના સંપર્કમાં આવવાથી બચવું.

જ્યારે પ્રાણીઓ પાસે કામ કરતા હોય ત્યારે રક્ષાત્મક વસ્ત્રો પહેરીને કામ કરવું જરૂરી છે અને હાથમાં ગ્લવ્ઝ પહેરવા અનિવાર્ય છે.

લોકોને તાવ આવે તો તેઓ સામાન્ય તાવ સમજીને તેની અવગણના કરી લે છે, તેવું ન કરવું જોઈએ અને તુરંત ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે.

2011માં પણ ગુજરાતમાં નોંધાયા હતા કૉંગો ફીવરના કેસ

ભારતમાં સૌથી પહેલાં ગુજરાતમાં જ કૉંગો ફીવરના કેસ નોંધાયા હતા.

કૉંગો ફીવરને કારણે વર્ષ 2011માં પણ ત્રણ લોકોનાં મૃત્યુ થયાં હતાં, જેમાં એક મહિલા અને તેમની સારવાર કરનાર ડૉક્ટર તેમજ નર્સનું પણ મૃત્યુ થયું હતું.

જે મહિલાની સારવાર ચાલી રહી હતી તેઓ મૂળ સાણંદ તાલુકાના કોલાટ ગામનાં હતાં.

આ ઘટના બાદ કોલાટ ગામની નજીકના 5 કિલોમિટર જેટલા વિસ્તારમાં સ્વાસ્થ્ય અધિકારીઓની 20 ટીમોને તપાસ મોકલવામાં આવી હતી.

જોકે, તેમની તપાસમાં બીજો કોઈ કેસ સામે આવ્યો ન હતો.

WHOના રિપોર્ટ પ્રમાણે, વર્ષ 2013માં પણ અમરેલી જિલ્લામાં કૉંગો ફીવરના કેસ સામે આવ્યા હતા.

ત્યારબાદ સમગ્ર રાજ્યમાંથી પશુઓ અને મનુષ્યોના લોહીના નમૂના લેવામાં આવ્યા હતા.

WHOના રિપોર્ટમાં તો એવી વાત પણ સામે આવી હતી કે 2011માં જ્યારે ત્રણ લોકોનાં મૃત્યુ થયાં, તે પહેલાં વર્ષ 2010થી જ કૉંગો ફીવરે ગુજરાતમાં પગ પેસારો કરી લીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *