યુવા નેતા હાર્દિક પટેલને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ બનાવતા કોંગ્રેસમાં નારાજગીનો માહોલ

By | July 12, 2020

ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટી સતત નબળી પડી રહી છે. કોંગ્રેસનું તૂટતું સંગઠન બચાવવા પાર્ટી હાઈ કમાન્ડે પરંપરાથી વિપરીત જઈ સાવ નવા નિશાળિયા એવા 26 વર્ષ, 355 દિવસની ઉંમરના હાર્દિક પટેલને પાર્ટીના ગુજરાત એકમના કાર્યકારી પ્રમુખ બનાવ્યા છે. જોકે આ નિર્ણયથી પક્ષના ઘણા નેતાઓ નારાજ થયા છે.

કોંગ્રેસ ચૂંટણીની જવાબદારી હાર્દિકના હાથમાં સોંપવા માગે છે

વર્ષના અંતમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને 2022ની વિધાનસભા ચૂંટણીની વૈતરણી કોંગ્રેસ હાર્દિક પટેલના ભરોસે તરવા માગે છે, પરંતુ હાઈકમાન્ડના આ નિર્ણયને કારણે પક્ષમાં ખૂબ નારાજગીનો દાવાનળ ફાટ્યો છે. એક ભૂતપૂર્વ ગુજરાત કોંગ્રેસ પ્રમુખે કહ્યું કે, ખૂબ ઉંમરલાયક નેતાઓ કોંગ્રેસમાં સાવ અશક્ત ન થાય ત્યાં સુધી વિવિધ જવાબદારીઓ પર નિયુક્ત હોય છે. કોંગ્રેસમાં પચાસ-પંચાવન વર્ષનો નેતા પણ સાવ નવયુવાનની ઉપમા પામે છે તો હાર્દિક પટેલને હજી દૂધના દાંત ફૂટવાના બાકી છે તેમ કહેવાય. હાલ હાઈ કમાન્ડે આ નિર્ણય કરીને ભૂલ કરી છે.

હાઇકમાન્ડે લીધા મહત્વના નિર્ણય

કોંગ્રેસના એક વરિષ્ઠ નેતાએ નામ ન દેવાની શરતે કહ્યું કે, વર્તમાન પ્રભારી રાજીવ સાતવ, પ્રમુખ અમિત ચાવડા અને વિપક્ષના નેતા પરેશ ધાનાણીના દેખાવથી અસંતુષ્ટ હાઈકમાન્ડે આ નિર્ણય લીધો છે. ટૂંક સમયમાં આ ત્રણેય કદ પ્રમાણે વેતરાશે. જોકે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ કહ્યું કે, જનહિત માટેની લડાઈ હવે ગુજરાતમાં અમે સાથે મળીને લડીશું. જ્યારે ગુજરાત ભાજપ પ્રવક્તા ભરત પંડ્યાએ કહ્યું કે, ગુજરાતમાં સામાજિક મતભેદ, તોફાનો, અશાંતિ અને અપપ્રચાર ફેલાવ્યો તે વ્યક્તિને કોંગ્રેસે આ પદ આપ્યું છે.

હજુ ત્રણ કાર્યકારી અધ્યક્ષની નિમણૂક થાય તેવી શક્યતા

ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ તરીકે હાર્દિક પટેલની નિમણૂક થતાં કોંગ્રેસના સિનિયર આગેવાનોમાં ખળભળાટ મચી ગયો છે. કારણ કે ગુજરાતમાં કાયમી પ્રમુખ તરીકે હાર્દિક પટેલ એક મજબૂત દાવેદાર તરીકે પ્રસ્થાપિત થાય તો કોંગ્રેસના જૂના નેતાઓની બાદબાકી થઇ શકે છે. જો કે, કોંગ્રેસના કેટલાક નેતાઓનું કહેવું છે કે, કાર્યકારી પ્રમુખ તરીકે અગાઉ પણ ચાર આગેવાનોની નિમણૂક કરવામાં આવી હતી. તેથી એવું બની શકે કે હજુ બીજા ત્રણ કાર્યકારી પ્રમુખ અલગ-અલગ ઝોન પ્રમાણેની કામગીરી સાથે બનાવવામાં આવી શકે છે, જેમાં હાર્દિક પટેલને સૌરાષ્ટ્ર ઝોનના કાર્યકારી પ્રમુખ તરીકેની જવાબદારી સોંપવામાં આવી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *