સુરતમાં કોરોનાની દવાની કાળાબજારી વિરુદ્ધ તંત્રની કાર્યવાહી, વેપારીઓ વિરુદ્ધ લેશે કડક પગલાં

By | July 9, 2020

સુરત શહેરમાં બીલ વગર ગેરકાયદેસર રીતે કોરોનાની દવાના કરાતા કાળા બજારનો તંત્ર દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે. વિભાગીય કમિશનર ડૉ. એચ.જી.કોશિયાએ આ અંગે માહિતી આપી. વધી રહેલા કોરોનામાં ICMRની માર્ગદર્શીકા મુજબ Moderate Conditionમાં ઓક્સિજનની જરૂરીયાત વધતી હોય તેમજ સ્ટિરોઇડ આપવા છતાં દર્દીની સ્થિતીમાં સુધારો જણાતો ન હોય તેવા કેસમાં દર્દીઓની સારવાર માટે Tocilizumab Injection (Actemra) વાપરવામાં આવે છે. કોરોનાની સારવાર માટે વપરાતી આ અત્યંત જરૂરી દવાની કાળાબજારી થતી હોવાની મળેલી ફરિયાદના આધારે ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ આવા વેપારીઓ પર લાલ આંખ કરી દરોડા શરૂ કર્યા છે.

ખોરાક અને ઔષધ નિયમન તંત્રને માહીતી મળી હતી કે સુરત ખાતે મે. સાર્થક ફાર્માના માલિક ઉમા સાકેત કેજરીવાલ દ્વારા Actemra 400 mg નામની દવાનું વેચાણ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન પર બિલ વિના તથા છુટક દવાના પરવાના વગર મુળ કિંમત કરતાં વધારે કિંમતથી એટલે કે રૂ.57,000 વસુલીને દર્દીને વેચાણ કરી રહ્યા છે. જેને આધારે દરોડો પાડી તેમને પકડી પાડવામાં આવ્યા છે. તેમની પાસેથી કુલ Actemra 400 mg નો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ દવાની મહત્તમ વેચાણ કિંમત 40,545/- પ્રતિ નંગ છે.

મે. સાર્થક ફાર્માના માલીક ઉમાબેનની પ્રાથમિક પૂછપરછમાં બહાર આવ્યું છે કે, આ દવાની ખરીદી તેમણે મે.ન્યુ શાંતી મેડિસીન્સ, અડાજણ, સુરતના માલીક મિતુલ મહેન્દ્રભાઇ શાહ પાસેથી રૂ.50,000/- પ્રતિ નંગ ચુકવીને વગર બિલે કરી હતી. મિતુલ મહેન્દ્રભાઇ શાહે આ દવા અમદાવાદના અમિત મંછારામાની પાસેથી ખરીદી કરી હતી અને તેના રૂ. 45,000/- પ્રતિ નંગ લેખે ઘનશ્યામભાઇ વ્યાસ કે જેઓ અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે ફરજ બજાવે છે અને તેમના એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા.

અમિત મંછારામાની કે જેઓ મે. કે.બી.વી. ફાર્મા એજન્સી, અસારવા, અમદાવાદ પેઢીના જવાબદાર વ્યકિત છે તથા તેઓ મેડિકલ રિપ્રેઝન્ટેટીવ તરીકે આ અગાઉ નોકરી કરતાં હતા. અમિતભાઈ દ્વારા દવાની ખરીદી દર્દીઓના ખોટા પ્રિસ્ક્રિપ્શન બનાવી તેમજ એક જ પ્રિસ્ક્રિપ્શનનો વારંવાર ઉપયોગ કરીને ખરીદી કરવામાં આવી હોવાનું પણ બહાર આવ્યું છે.

આવા ઉપજાવી કાઢેલા પ્રિસ્ક્રિપ્શનનો વારંવાર એક જ દવા માટે દુરૂપયોગ કરી અગાઉ કેટલી ગેરરીતી કરવામાં આવી છે તે સહિતની તપાસ માટે આ દવાના મુળ સપ્લાયરની ઉંડાણપુર્વક તપાસ ચાલી રહી છે. આવી દવાના કાળા બજાર કરતાં તત્વો સામે ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ લાલ આંખ કરી તેમને પકડી પાડવાના પ્રયત્નો શરૂ કરી દેવામાં આવ્યા છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા કરવામાં આવેલી આ કડક કાર્યવાહીથી આવા કાળા બજાર કરનાર તત્વોમાં ખોફ પ્રવર્તી ગયો છે.

Actemra 400 mg દવાની મુળ કિંમત કરતાં વધારે ભાવ લઈ ગેરકાયદેસર વેચાણમાં સંડોવાયેલા જવાબદાર ઈસમો સામે આવશ્યક ચીજવસ્તુઓનો ધારો-1955 અંતર્ગત ઔષધ ભાવ નિયમન આદેશ-2013 તથા સને 1940નો ઔષધ અને સૌંદર્ય પ્રસાધન ધારો અને તે અન્‍વયેના નિયમોના ભંગ બદલ સધન તપાસ કરવામાં આવી રહી છે. આ તપાસમાં કસુરવાર વેપારીઓ સામે આકરા પગલા લેવાશે તેમ, ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશ્નર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *