મેદસ્વી લોકો માટે કોરોના છે ખુબ જ જોખમી, 3 પ્રકારે દર્દીઓને જકડે છે કોરોના વાયરસ

By | September 8, 2020

વિશ્વના ઘણા દેશોના કોરોના દર્દીઓ પર કરવામાં આવેલા પ્રયોગમાં જણાવ્યા મુજબ, મેદસ્વી લોકોને કોરોના 3 પ્રકારે હેરાન કરે છે. પ્રથમ, તેઓને સંક્રમણનું જોખમ વધારે રહે છે. બીજું, તેઓને સંક્રમણ થવા પર મોટાભાગના કિસ્સાઓમાં સ્થિતિ નાજુક થઈ જાય છે. ત્રીજું, જો તેઓ મેદસ્વી ઉપરાંત ડાયાબિટીસ અથવા હાર્ટ ડિસીઝની સમસ્યાનો સામનો કરી રહ્યા છે તો કેસ વધુ ગંભીર બની જાય છે.

આનું ઉદાહરણ આપીયે તો અમેરિકાના જ્હોન પ્લેસની ઉંમર 43 વર્ષ છે અને તેનું વજન 112 કિલો છે. જૂનમાં જ્હોનને કોરોના ચેપ લાગ્યો અને ICUમાં દાખલ કરવામાં આવ્યો. મેદસ્વિતાના કારણે ડોકટરોએ તેમના બચવાની શક્યતા 20 ટકા વ્યક્ત કરી હતી. ઘણી સારવાર બાદ જ્હોન સ્વસ્થ થયો પરંતુ શરીરમાં હજી પણ દુખાવો થઈ રહ્યો છે.

વધુ વજનવાળા લોકોમાં કોરોનાનું સંક્રમણ વધારે કેમ થાય છે? બીજા દર્દીઓની સરખામણીએ સ્થિતિ કેમ વધુ નાજુક થઈ જાય છે? કેમ તેમનામાં કોવિડ-19નો સામનો કરવાની ક્ષમતા ઘટી જાય છે? સંશોધકો દ્વારા તેને સમજો અને વાંચો રિપોર્ટ….

ઈમ્યુન સિસ્ટમ અનિયંત્રિત થઈ જાય છે
ઈન્ટરનેશનલ મેડિકલ ઓર્ગેનાઈઝેશન એન્ડોક્રાઇન સોસાયટીના જર્નલમાં પ્રકાશિત રિસર્ચના જણાવ્યા પ્રમાણે, મેદસ્વિતા કોરોના સામે લડવાનું મુશ્કેલ બનાવે છે. આવા લોકોમાં સંક્રમણ બાદ ઈમ્યુન સિસ્ટમ અનિયંત્રિત થઈ જાય છે. એટલે કે, શરીરને રક્ષણ આપતી સિસ્ટમ જ શરીરને નુકસાન પહોંચાડવાનું શરૂ કરે છે.

વિજ્ઞાનની ભાષામાં તેને સાઈટોકાઈન સ્ટોર્મ કહેવામાં આવે છે. મેદસ્વિતાના કારણે ડાયાબિટીસ, હાર્ટ અને કિડની ડિસીઝનું જોખમ વધી જાય છે, જેની અસર શરીરમાં બીમારી સામે લડતી ઈમ્યુન સિસ્ટમ પર પડે છે. જો મેદસ્વિતા ઉપરાંત કોઈ અન્ય પણ બીમારીનો સામનો કરી રહ્યા છો તો સંક્રમણ બાદ સમસ્યા વધી જાય છે.

BMI વધારે હોવાથી જોખમ વધી જાય છે
આ વર્ષે 1થી 4 સપ્ટેમ્બરની વચ્ચે વર્ચ્યુઅલ ઈન્ટરનેશનલ ઓબેસિટી કોન્ફરન્સ યોજાઈ હતી. આ દરમિયાન મેદસ્વિતા અને કોવિડ-19ની વચ્ચે શું કનેક્શન છે, તેનાથી સંબંધિત ડેટા રજૂ કરવામાં આવ્યા હતો. ડેટાના જણાવ્યા પ્રમાણે, રિસર્ચ દરમિયાન કોવિડ-19ના 124 દર્દી ICUમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમાંથી માત્ર 10 ટકા એવા દર્દી હતા જેમનું વજન સામાન્ય હતું. મોટાભાગના દર્દીઓ એવા હતા, જેમનું BMI 30થી 40 રેન્જમાં હતું. એટલે કે, સામાન્યથી વધારે વજનવાળી વ્યક્તિ.

BMI એટલે કે, બોડી માસ ઈન્ડેક્સ, આ એક એવું સ્કેલ છે જે વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી જણાવે છે કે, તમારું વજન વધારે છે કે ઓછું. BMI 25થી હોય તેને સારું માનવામાં આવે છે. આંકડો જેવો ઉપર જાય છે, જોખમ વધી જાય છે.

મેદસ્વિતા દરેક રોગમાં જોખમી
અમેરિકાની સ્વાસ્થ્ય એજન્સી સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના જણાવ્યા પ્રમાણે, મેદસ્વી લોકો કોવિડ-19ના રિસ્ક ઝોનમાં છે, પરંતુ આ પહેલીવાર નથી. 2009માં H1N1 ઈન્ફલ્યુએન્ઝા મહામારીના સમયે પણ વધારે વજનવાળા લોકોમાં સંક્રમણનું જોખમ વધ્યું હતું અને મૃત્યુ પામ્યા હતા. 1950 અને 1960ના દાયકામાં ફ્લુ મહામારીમાં પણ વધારે વજન ધરાવતા લોકો માટે વધુ જોખમ હતું અને તેમના મૃત્યુની સંખ્યા પણ વધારે હતી.​​​​​​​

મેદસ્વિતાથી સંબંધિત 5 વાતો જાણવી જોઈએ
1. માત્ર વજન વધવું જ મેદસ્વિતા નથી

મુંબઈની જસલોક હોસ્પિટલના કન્સલ્ટન્ટ બેરિયાટ્રિક સર્જન ડો. સંજય બોરુડેના જણાવ્યા પ્રમાણે, મેદસ્વિતા કેટલી છે તેની તપાસ ત્રણ પ્રકારે કરવામાં આવે છે. પ્રથમ પદ્ધતિમાં, શરીરની ચરબી, સ્નાયુઓ, હાડકાં અને શરીરના વજનની તપાસ કરવામાં આવે છે. બીજી પદ્ધતિમાં બોડી માસ ઈન્ડેક્સ. ત્રીજી તપાસમાં હિપ્સ અને કમરની સાઈઝ જોવામાં આવે છે. તે દર્શાવે છે કે તમે ખરેખર મેદસ્વી છો કે નહીં.

2. મેદસ્વિતા ઘણા રોગોનું કારણ
સામાન્ય રીતે, મેદસ્વિતા જ મોટાભાગની બીમારીઓનું કારણ હોય છે. ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, સાંધાનો દુખાવો અને કેન્સર સુધીનું કારણ પણ મેદસ્વિતા છે. ફેટ જ્યારે વધે છે તો શરીરના દરેક ભાગમાં વધે છે. ચરબીમાંથી રિલીઝ થતા હોર્મોનને નુકસાન પહોંચાડે છે તેથી શરીરનો દરેક ભાગ તેનાથી પ્રભાવિત થાય છે. ઉદાહરણ તરીકે, પેન્ક્રીયાઝનો ફેટ ડાયાબિટીસ, કિડનીનો ફેટ બ્લડ પ્રેશર, હાર્ટની આસપાસ જમા ચરબી હૃદય રોગનું કારણ બને છે.​​​​​​​

3. બે રીતે મેદસ્વિતા વધે છે
મેદસ્વિતા બે કારણોથી વધે છે. પ્રથમ આનુવંશિક એટલે કે ફેમિલિ હિસ્ટ્રીથી મેદસ્વિતા વધે છે. બીજું બાહ્ય કારણોને લીધે મેદસ્વિતા વધે છે. જેમ કે, એવી વસ્તુ વધારે ખાવી જે તળેલી હોય અથવા વધારે કેલરીવાળી હોય. જેમ કે, ફાસ્ટ અને જંક ફૂડ. સિટિંગ જોબવાળા લોકોમાં મેદસ્વિતાના કારણે કેલરી બર્ન નથી થઈ શકતી.

4. તેને ઘટાડવાની સરળ રીત સમજો
દરરોજ 30 મિનિટ ચાલવું, સીડી ચડ ઊતર કરવી, રાતે હળવો ખોરાક લેવો અને ઘરનું કામ કરવાથી મેદસ્વિતાને સરળતાથી નિયંત્રણ કરી શકાય છે. તે એટલા માટે પણ જરૂરી છે કેમ કે, તે શરીરની સાથે મગજ માટે પણ નુકસાનકારક છે.

5. ખાવા-પીવામાં થોડો ફેરફાર કરવો
નાસ્તમાં ફણગાવેલા મગ, ચણા અને સોયાબીન ખાવા. આવું કરવાથી તેમાં રહેલા પોષક તત્ત્વોની માત્રા વધે છે. ખોરાકમાં મોસમી લીલી શાકભાજીને સામેલ કરો. વધારે ફેટવાળું દૂધ, બટર તેમજ પનીર ખાવાનું ટાળવું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *