દેશના નાગરિકો માટે આનંદના સમાચાર: કોરોના કેસોની સંખ્યામાં તીવ્ર ઘટાડો, દિવાળી પછી કેસની સંખ્યા નહિવત થઇ જશે

By | October 8, 2020

ગુજરાત સહિત વિશ્વભરમાં અત્યારે સૌના મોઢે એક જ સવાલ છે કે આ કોરોના જશે ક્યારે. આ સૌથી જટિલ પ્રશ્નનો જવાબ સરદાર પટેલ યુનિવર્સિટીના પૂર્વ ઉપ-કુલપતિ ડૉ. હરીશ પાઢે આપ્યો છે. એપિડેમિઓલોજી(રોગશાસ્ત્ર) અને સ્ટેટિસ્ટિક્સ(આંકડાશાસ્ત્ર)ની અત્યાધુનિક ટેક્નિકનો ઉપયોગ કરી ડૉ. પાઢે કરેલા રિસર્ચ મુજબ દિવાળી પછી ગુજરાતમાં કોરોનાનો પ્રભાવ ઘટવા માંડશે અને ક્રિસમસ સુધીમાં તો નવા કેસની સંખ્યા નગણ્ય થઈ જશે. ડૉ. પાઢ તથા તેમનાં સહયોગી ડૉ. શ્વેતા એ. પટેલે 01 જૂનથી 03 ઓક્ટોબર સુધીના કોરોના મહામારીના ડેટાના આધારે ચલિત 7-દિવસની સરેરાશના આધારે વિશ્લેષણ કરીને આ તારણ પર પહોંચ્યાં છે.

15 નવેમ્બરે ગુજરાતમાં કોરોના કેસ 1.75 લાખની પિક પર પહોંચશે
કોરોના મહામારીને કારણે છેલ્લા આઠ મહિનાથી આખા વિશ્વની સિકલ બદલાઈ ચૂકી છે અને મૃત્યુઆંક 10 લાખને પાર કરી ચૂક્યો છે. ભારતની વાત કરીએ તો દેશમાં 1 લાખથી વધુનાં મૃત્યુ થઈ ચૂક્યાં છે અને ગુજરાતમાં 3500નાં મોત થયાં છે. કોરોના મહામારીના સરકારી ડેટાના આધારે ચાર્ટ બનાવીને ડૉ. પાઢ તથા ડૉ. શ્વેતાનાં વિશ્લેષણમાં જણાવાયું છે કે 03 ઓક્ટોબર સુધીમાં ગુજરાતમાં કોરોના કેસની સંખ્યા 1.45 લાખે પહોંચી છે જે આંક 15 નવેમ્બરે 1.75 લાખની પિક પર પહોંચશે અને ત્યાંથી ઘટવા માંડશે. યોગાનુયોગે 15 નવેમ્બરે વિક્રમ સંવત મુજબ બેસતું વર્ષ છે. આમ, દિવાળી પછીથી કોરોનાના કેસ ગુજરાતમાં ઘટવા લાગશે એવું આ વિશ્લેષણ મુજબ કહી શકાય.

ક્રિસમસ સુધીમાં તો કોરોનાના નવા કેસની સંખ્યા શૂન્યની નજીક થઈ જશે
અહીં પ્રસ્તુત કરેલો ચાર્ટ દર્શાવે છે કે ગુજરાતમાં જે પેટર્નથી કેસની સંખ્યા વધી છે એમાં 60 દિવસના અંતરે અપર સાઈડ કર્વ જોવા મળે છે. ગુલાબી લાઈનો વડે ગુજરાતમાં જે ગતિ અને દિવસોમાં ગુજરાતમાં કોરોના કેસ વધ્યા એ દર્શાવાયું છે. આ ગતિ મુજબ જોઈએ તો ગુજરાતમાં 22 ઓક્ટોબરની આસપાસના દિવસોમાં કોરોના કેસનો આંક 1.60 લાખને પાર કરી જશે, જે સંખ્યાને વાદળી ટપકાંવાળી રેખા દ્વારા દર્શાવાયું છે. આ ગતિ મુજબ 15 નવેમ્બરથી ગુજરાતમાં કેસની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળશે અને ક્રિસમસ સુધીમાં તો નવા કેસનો આંક અસામાન્ય રીતે તળિયે પહોંચી જશે અને શૂન્ય પણ થઈ શકે. ગત 4 મહિનાના વાસ્તવિક ડેટાના આધારે આ વૈજ્ઞાનિક ઢબે કરાયેલું આકલન છે. અહીં ચાર્ટમાં R2 મૂલ્ય 0.999 દર્શાવાયું છે જે ખૂબ સારું અને વાસ્તવિકતા એટલે કે 1.0ની ખૂબ નજીક કહેવાય, એમ ડૉ. પાઢે DivyaBhaskar સાથેની વાતચીતમાં કહ્યું હતું.

દેશમાં ફરી એક વખત નવા સંક્રમિતોમાંથી સાજા થનારાનો આંકડો વધુ રહ્યો હતો. બુધવારે 78 હજાર 809 કેસ નોંધાયા હતા, જ્યારે 83 હજાર 209 દર્દી સાજા થઈ ગયા છે. 963 લોકોનાં મોત થયાં છે. એક્ટિવ કેસ ઘટીને 9 લાખ 1 હજાર 924 થઈ ગયા છે. આ લગભગ એક મહિના પહેલાંની સ્થિતિમાં પહોંચી ગયા છે. 7 સપ્ટેમ્બરે દેશમાં 8 લાખ 82 હજાર 749 એક્ટિવ કેસ હતા.

નવા કેસમાં દર દિવસે ઘટાડો થઈ રહ્યો છે. સપ્ટેમ્બરના મધ્યમાં જ્યાં 90 હજારથી વધુ કેસ આવી રહ્યા હતા, એ હવે 70થી 80 હજાર વચ્ચે થઈ ગયા છે. છેલ્લા એક મહિનામાં એક લાખ એક્ટિવ કેસ ઓછા થઈ ગયા છે. જો નવા કેસ ઓછા થવા અને સાજા થતા દર્દીઓની ગતિ આવી રહેશે તો જાન્યુઆરીની શરૂઆતમાં એકથી દોઢ લાખ એક્ટિવ કેસ રહી જશે.

દેશમાં અત્યારસુધીમાં કોરોના સંક્રમણના કેસ 68.32 લાખ કેસ આવી ચૂક્યા છે, જેમાંથી 58.24 લાખ દર્દી સાજા થઈ ચૂક્યા છે, આ આંકડા covid19india.org વેબસાઈટ પરથી લેવામાં આવ્યા છે.

કોરોનાં અપડેટ્સ

  • કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશી કોરોના પોઝિટિવ મળી આવ્યા છે. તેમણે ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી છે. તેમનામાં મહામારીના લક્ષણ જોવા મળ્યા નથી. જોકે તેઓ હોમ ક્વોરન્ટીન થઈ ગયા છે. તો આ તરફ કેરળના શિક્ષણમંત્રી કેટી જલીલ પણ સંક્રમિત નોંધાયા છે.
  • દિલ્હી સરકારે 15 ઓક્ટોબરથી સિનેમાઘરો અને થિયેટર્સને 50% સીટિંગ કેપેસિટી સાથે ફરી ખોલવાની મંજૂરી આપી દીધી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે હવે દિલ્હીનાં તમામ વીકલી માર્કેટ પણ ખૂલી શકશે, અત્યારસુધીમાં માત્ર 2 બજાર દર દિવસે ઝોનમાં ખોલવાની મંજૂરી હતી. ગરીબ લોકોને આનાથી ઘણી રાહત મળી છે.

પાંચ રાજ્યની સ્થિતિ
1. મધ્યપ્રદેશ

બુધવારે 1639 કેસ નોંધાયા, 2228 દર્દી સાજા થયા, જ્યારે 30 સંક્રમિતોનાં મોત થયાં છે. રાજ્યમાં અત્યારસુધીમાં 1 લાખ 40 હજાર 307 કેસ નોંધાયા છે, 1 લાખ 20 હજાર 267 લોકો સાજા થઈ ચૂક્યા છે, 17 હજાર 522 સંક્રમિતની સારવાર ચાલી રહી છે, જ્યારે 2518 દર્દીઓનાં મોત થયાં છે.

2. રાજસ્થાન
બુધવારે 2151 કેસ નોંધાયા હતા, 2078 દર્દી સાજા થયા, જ્યારે 16 દર્દીનાં મોત થયાં છે. રાજ્યમાં અત્યારસુધીમાં 1 લાખ 50 હજાર 467 કેસ નોંધાયા છે. 1 લાખ 27 હજાર 526 દર્દી સાજા થઈ ચૂક્યા છે, 21351ની સારવાર ચાલી રહી છે, જ્યારે 1590 દર્દીનાં મોત થયાં છે. રાજ્યમાં અત્યારસુધીમાં 32.67 લાખથી વધુ ટેસ્ટિંગ થયા છે.

3. બિહાર
બુધવારે 1304 કેસ નોંધાયા, 1422 લોકો સાજા થયા છે અને 2 લોકોનાં મોત થયાં છે. રાજ્યમાં અત્યારસુધીમાં 1 લાખ 91 હજાર 427 કેસ નોંધાયા છે, જેમાંથી 1 લાખ 79 હજાર 351 દર્દી સાજા થઈ ચૂક્યા છે, જ્યારે 927 સંક્રમિતોનાં મોત થયાં છે. 11 હજાર 148 દર્દીની સારવાર ચાલી રહી છે.

4. મહારાષ્ટ્ર
બુધવારે 14 હજાર 578 કેસ નોંધાયા, 16 હજાર 715 દર્દી સાજા થયા છે અને 355 લોકોનાં મોત થયાં છે. રાજ્યમાં અત્યારસુધીમાં 14 લાખ 80 હજાર 489 કેસ નોંધાયા છે, જેમાંથી 11 લાખ 96 હજાર 441 સાજા થઈ ચૂક્યા છે, 2 લાખ 44 હજાર 527 દર્દીની હાલ સારવાર ચાલી રહી છે, જ્યારે 39 હજાર 72 દર્દીનાં મોત થયાં છે.

5. ઉત્તરપ્રદેશ
બુધવારે 3389 કેસ નોંધાયા, 4219 દર્દી સાજા થયા, 47 લોકોનાં મોત થયાં છે. રાજ્યમાં અત્યારસુધીમાં 4 લાખ 24 હજાર 326 કેસ નોંધાયા છે, 3 લાખ 74 હજાર 972 દર્દી સાજા થઈ ચૂક્યા છે, 43 હજાર 154ની સારવાર ચાલી રહી છે, જ્યારે 6200 લોકોનાં મોત થયાં છે. રાજ્યમાં 17 સપ્ટેમ્બર પછી 23 હજાર 235 એક્ટિવ કેસ(લગભગ 38%)ઓછા થયા છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *