ઓગસ્ટ મહિનામાં ભારત કોરોના સંક્રમિતઓના આંકડામાં પ્રથમ નંબરે છે. આ સંજોગોમાં લોકો હવે કોરોના વેક્સિનની ટ્રાયલના પરિણામની આશા રાખીને બેઠા છે. આ મામલે દુનિયાને ઓક્સફોર્ડ યુનિવર્સિટીની વેક્સિન પાસેથી સૌથી વધારે આશા છે, જે હ્યુમન ટ્રાયલ અંતિમ તબક્કામાં છે.
એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતમાં ગરીબો અને મધ્યમ વર્ગીય પરિવારોને આ વેક્સિન માત્ર 225 રૂપિયામાં જ મળશે. વિશ્વમાં કોરોના વેક્સિન વિકસિત કરવામાં અમેરિકાની મોડર્ના, રૂસ અને ઓક્સફોર્ડ યુનિવર્સિટી પ્રમુખ છે. વેક્સિનનું ઉત્પાદન કરતી વિશ્વની સૌથી મોટી કંપનીઓમાં સામેલ સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા પણ ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં વિકસિત થઈ રહેલી કોરોના વેક્સિનમાં ભાગીદાર છે.
ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં વિકસિત થઈ રહેલી કોરોના વેક્સિનના સફળ ટ્રાયલ બાદ સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયા ભારતમાં તેનું મોટા પાયે ઉત્પાદન કરશે. આ કંપનીના સીઈઓ અદર પૂનાવાલાએ થોડા દિવસો પહેલા જણાવ્યું હતું કે ભારતમાં આ વેક્સિન કોવિશીલ્ડ નામથી વેચાશે અને તેની કિંમત 1,000 રૂપિયા સુધીની હશે.
જો કે એક અહેવાલ પ્રમાણે સુરક્ષા મંજૂરી મળ્યા બાદ નિમ્ન અને મધ્યમ આવક ધરાવતા દેશોમાં ઓક્સફોર્ડ એસ્ટ્રાજેનેકા કોવિડ-19 વેક્સિન માત્ર 3 ડોલર એટલે કે આશરે 225 રૂપિયામાં વેચવામાં આવે તેવી શક્યતા છે.
સ્વાભાવિક છે કે વેક્સિનની ઓછી કિંમતને લઈને લોકોના મનમાં પ્રશ્નો ઉઠી રહ્યા છે. પરંતુ ગેટ્સ ફાઉન્ડેશન તેનો જવાબ આપતા જણાવે છે કે તે વેક્સિનનું ઉત્પાદન કરતી કંપનીઓને આશરે 150 મિલિયન ડોલરનું રિસ્ક ફંડ આપશે. આ પૈસા વડે સીરમ કંપનીને ઉત્પાદન ખર્ચ ઘટાડવામાં મદદ મળશે.
સીરમ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઈન્ડિયાના સીઈઓ અદર પૂનાવાલાએ જણાવ્યું કે, ‘વાયરસના વ્યાપક પ્રસારે સમગ્ર વિશ્વને અનિશ્ચિતતામાં મુકી દીધું છે. સમગ્ર વિશ્વમાં રસીકરણ અને મહામારીને રોકવા માટે વિશ્વના સૌથી આંતરિયાળ અને ગરીબ દેશોમાં પણ સસ્તી સારવાર અને નિવારણ માટેના ઉપાયો પહોંચે તે સુનિશ્ચિત કરવું મહત્વપૂર્ણ છે. આ અસોશિએશનના માધ્યમથી અમે લાખો લોકોના જીવનને આ ભયાનક બીમારીથી બચાવવા નિરંતર પ્રયત્નો કરવા ઈચ્છીએ છીએ.’