કોરોના મહામારી વચ્ચે સરઘસ કાઢવા બદલ BJP MLA અને ગાયિકા કિંજલ દવે સામે પગલા લેવાની ઉઠી માંગ

By | October 10, 2020

ભાજપની કેન્દ્ર સરકાર દ્વારા જાહેરમાં માસ્ક પહેરવા તેમ જ સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવા માટે વારંવાર ગાઇડલાઇન  (Covid Guidelines) બહાર પાડવામાં આવી રહી છે, ત્યારે ભાજપના ડીસા બેઠક પરથી ધારાસભ્ય (BJP MLA) શશિકાન્ત પંડયા (Shashikant Pandya) તથા ગાયક કલાકાર કિંજલ દવેએ (Kinjal Dave) ઘોડે સવારી કરીને જાહેરમાં સરઘસ કાઢયું હતું. જેના કારણે સોશિયલ ડિસ્ટન્સીંગના લીરેલીરા ઉડયા હતા.

આ સાથે તેમણે કોરોના સંક્રમણ ફેલાવીને પ્રજાના આરોગ્યને ગંભીર નુકસાન પહોંચાડવા તથા માનવ અધિકારનું હનન કરવા બદલ (Covid Guidelines) કાર્યવાહી કરવામાં આવે તેવી ફરિયાદ માનવ અધિકાર પંચ સમક્ષ થઇ છે.

સામાજિક કાર્યકર ચંદ્રવદન ધ્રુવે ગાંધીનગર સ્થિત ગુજરાત માનવ અધિકાર આયોગને ઇ-મેઇલ મારફતે મોકલેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, ભારત સરકારે એપેડેમિક ડિસીઝ એક્ટ-1993 અંતર્ગત રોગને ફેલાતો અટકાવવા અને નિયંત્રિત કરવા માટે તમામ રાજય સરકારો દ્વારા જરૂરી પગલાં ભરવામાં આવી રહ્યાં છે.

જેના ભાગરૂપે જ પ્રજાને માસ્ક પહેરવા તથા સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવા માટે સલાહ આપે છે, ત્યારે ડેડોલ ગામે ખાત મુર્હુતનો જાહેર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને વધારે પ્રસિદ્ધી મળે તેના માટે ભાજપના ડીસાના ધારાસભ્ય શશિકાન્ત પંડયાએ ઘોડા પર સવારી કરીને સરઘસ કાઢયું હતું. આટલું જ નહીં, તેમની સાથે ગાયક કલાકાર કિંજલ દવેને પણ ઘોડા પર સવારી કરાવીને સ્થાનિક વિસ્તારમાં ફેરવવામાં આવી હતી.

આ બંનેની હાજરીના કારણે ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જેના કારણેસોશિયલ ડિસ્ટન્સિંગના સરકારના આદેશોનો (Covid Guidelines) ખુલ્લેઆંમ ભંગ થયો હતો. જ્યારે કેટલાક લોકો માસ્ક પહેર્યા વિના આવ્યા હતા.

સમગ્ર ભારત તથા રાજયમાં જયારે કોરોનાના કેસો (Corona Case) વધી રહ્યા છે, ત્યારે કોરોના ફેલાવનારાને કોઇપણ સંજોગોમાં માફ કરી શકાય નહીં તેવી રાજય સરકાર તરફથી જાહેરાતો કરવામાં આવી રહી છે. બીજી તરફ એક જવાબદાર ધારાસભ્ય હોવાના નાતે કેન્દ્ર અને રાજય સરકારના તમામ કાયદા, નીતિ નિયમોનું ચુસ્તપણે પાલન કરવાની જેમની નૈતિક જવાબદારી છે. જો તેઓ પોતે જ આ રીતે સરકારના નિયમોનો ભંગ કરે, તો આ બાબત ખૂબ જ ગંભીર છે. કાયદો દરેક માટે સમાન છે અને તેનું ઉલ્લંઘન થાય તો તેનો ગુનો અન દંડ પણ તમામને સમાન રીતે લાગુ પડે છે. કાયદાથી કોઇ પર નથી.

હાઇકોર્ટે પણ એક ચુકાદામાં ટકોર કરી હતી કે, રાજકીય નેતાઓએ પણ કોરોનાના સંદર્ભમાં તમામ નિયમોનું પાલન કરવું જોઇએ. આમ આ કેસમાં કેન્દ્ર તથા રાજય સરકાર દ્વારા ઘડવામાં આવેલા નિયમોનું (Covid Guidelines) તથા ગુજરાત હાઇકોર્ટની કડક સૂચનાઓનું ખુલ્લેઆંમ ઉલ્લંઘન થયું છે.

માત્ર પ્રસિદ્ધી મેળવવા માટે મોટી સંખ્યામાં ભીડ ભેગી કરીને જાહેર આરોગ્યને ગંભીર નુકસાન કર્યું છે. અને નાગરિકોને મળેલા માનવ અધિકારનું પણ હનન કર્યું છે. જેથી ધારાસભ્ય પંડયા તેમ જ ગાયક કલાકાર કિંજલ દવે ઉપરાંત કાર્યક્રમના આયોજક સહિત જવાબદારો સામે માનવ અધિકાર સંરક્ષણ અધિનિયમ 1993ની જોગવાઇ હેઠળ શિક્ષાત્મક અને દંડનાત્મક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગણી કરી છે.

શું છે સમગ્ર મામલો?

ડીસાના ડંડોલ ગામે સોશિયલ ડિસ્ટન્સિંગનો તો કોઈ નિયમ પાળવામાં આવ્યો જ ન હતો. ઉપરાંત સરઘસમાં જાડાયેલા લોકોના માથે માસ્ક જોવા મળ્યા ન હતા. તમામ સરઘસમાં બિન્દાસ્તપણે કોરોનાના ડર વગર ચાલતા જતા દેખાતા હતા. જ્યારે તાલુકાના ધારાસભ્યને પણ વૈશ્વિક મહામારીમાં જ કંઈ ખોટું થતું હોય તેવું લાગતું ન હતું અને તેઓ ઘોડેસવારીની મજા ઉઠાવતા દેખાયા હતા.

કોરોનાના કપરાં કાળમાં દિવસેને દિવસે કોરોનાના કેસો વધી રહ્યા છે ત્યારે બનાસકાંઠાના ડીસા તાલુકામાં ડેડોલ ગામે જાણીતી ગાયિકા કિંજલ દવેએ સરઘસમાં ઘોડે બેસીને ધારાસભ્ય સાથે સેલ્ફી લીધી હતી. કોરોનાના ડર વગર ઘોડે બેસીને સેલ્ફીની તસવીરો લીધી હતી તેને પણ શેર કરી છે. કોરોનામાં તેમની વિરૂધ્ધ કાર્યવાહી ન કરાતી હોવાની પણ લોકોએ હૈયાવરાળ કાઢી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *