‘આયાતીનું કંઈ કામ નથી’ કહેનારા સી.આર.પાટીલે કોંગ્રેસીઓને ટિકિટ આપી, હવે ખભે બેસાડીને જીતાડવા ય પડશે

By | October 13, 2020

ગુજરાતમાં વિધાનસભાની 8 બેઠકની પેટાચૂંટણી માત્ર કૉંગ્રેસ નહીં, ભાજપ માટે પણ પ્રતિષ્ઠાનો જંગ છે, કેમ કે કૉંગ્રેસે પોતાની આ તમામ 8 બેઠક સાચવવાની છે તો ભાજપના નવા પ્રમુખ સી.આર. પાટીલ માટે પણ આ જંગ એક લિટમસ ટેસ્ટ છે, ખાસ કરીને ભાજપપ્રમુખ પાટીલે તો કૉંગ્રેસમુક્ત ભાજપ અને કૉંગ્રેસના નેતાઓના ભાજપ પ્રવેશ સામે ખુલ્લો વિરોધ કર્યો હતો અને હાલ એ જ પેરાશૂટને જિતાડવા પાટીલની પ્રતિષ્ઠા દાવ પર લાગી છે.

ભાજપે કોંગ્રેસમાંથી પાંચ પક્ષપલટા ઉમેદવારને ટિકિટ પણ આપી
વિધાનસભાની આઠ બેઠકની પેટાચૂંટણીના પડઘમ વાગી ગયા છે. ભાજપ અને કોંગ્રેસ બંનેએ આઠેય બેઠક જીતવાનો દાવો કર્યો છે. ભાજપે પોતાનો દાવો સાચો પાડવાના પ્રયાસરૂપે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા પાંચ પક્ષપલટા ઉમેદવારને ટિકિટ પણ આપી છે. એની સામે કોંગ્રેસ માટે આઠેય બેઠક પર જીત મેળવવી એ તેની આબરૂ બચાવવા જેવું છે. એનું કારણ એ છે કે આ આઠેય બેઠક કોંગ્રેસના પ્રભુત્વવાળી છે અને એના પરથી કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામાં આપીને ભાજપમાં ગયા હતા. એમાંથી પાંચને ભાજપે ટિકિટ પણ આપી છે, જેથી આ બેઠક જાળવીને ભાજપ પોતાના વિધાનસભ્યોની સંખ્યા વધારી શકે. આમ, ભાજપ માટે અહીં વકરો એટલો નફો છે તો કોંગ્રેસ માટે આબરૂ જાળવવાનો પડકાર છે.

ભાજપને અલ્પેશ ઠાકોર-ધવલસિંહ ઝાલાને જિતાડવામાં નિષ્ફળતા મળી હતી
ખાસ કરીને આ ચૂંટણી જીતવી એ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને પ્રદેશપ્રમુખ સી.આર. પાટીલ બન્ને માટે વ્યક્તિગત પ્રતિષ્ઠાનો જંગ બની ગયો છે. છેલ્લે છ બેઠકની જે પેટાચૂંટણી પક્ષપલટાથી યોજાઈ હતી એમાં ભાજપને કોંગ્રેસના દિગ્ગજ અલ્પેશ ઠાકોર તથા તેના ખાસ સાથીદાર ધવલસિંહ ઝાલાને કમળના નિશાન પર ચૂંટણી જિતાડવામાં નિષ્ફળતા મળી હતી અને પક્ષનાં સૂત્રોના જણાવ્યા મુજબ, ભાજપમાં જે રીતે કોંગ્રેસના અગ્રણીઓને પક્ષપલટો કરાવીને રાતોરાત મંત્રીપદ આપી રહ્યું છે એની સામે પક્ષના કાર્યકર્તાઓ અને સ્થાનિક નેતાઓનો અસંતોષનું પ્રથમ ટ્રેલર હતું તેમ છતાં પણ રાજ્યસભામાં બહુમતી મેળવવા ભાજપે જે રીતે પક્ષપલટા કરાવ્યા એ પછી ગુજરાતમાં આ પ્રથમ પેટાચૂંટણી છે.

ચૂંટણીને કારણે કોંગ્રેસના આઠ ધારાસભ્યે રાજીનામાં આપી દીધાં હતાં
ચૂંટણીને કારણે કોંગ્રેસના આઠ ધારાસભ્યે રાજીનામાં આપી દીધાં હતાં. પક્ષના એક ટોચના નેતાએ કટાક્ષ કરી હતી કે પહેલાં આ ચહેરાઓને હરાવવાની જવાબદારી હતી. હવે તેમને જિતાડવાની જવાબદારી છે. કમળના નામે બધું ઓકે છે એવું મોવડીમંડળ કહે છે. ગુજરાતમાં વિધાનસભાની આઠ બેઠક પર 3જી નવેમ્બરે પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે. રાજ્યસભામાં ચૂંટણીને કારણે કોંગ્રેસના આઠ ધારાસભ્યે રાજીનામાં આપી દીધાં હતાં, જેને કારણે ફરીથી આ ખાલી બેઠકો પર ચૂંટણી ત્રીજી નવેમ્બરે યોજવામાં આવશે. 8 બેઠક માટે ભાજપ-કોંગ્રેસ બંને પક્ષોએ પોતાના તરફથી સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. એક તરફ કોંગ્રેસે તમામ બેઠકો પર વિજય મેળવવાનો દાવો કર્યો છે તો બીજી બાજુ ભાજપ પણ આઠ બેઠક પર જીતનો દાવો કરી રહ્યો છે.

ભાજપનું ચાર-ચાર બેઠક પર શક્તિપરીક્ષણ કરવા પર ધ્યાન કેન્દ્રિત
પેટાચૂંટણી અંગે પ્રચાર માટેની વ્યૂહરચના માટે બેઠકોનો દોર શરૂ થઇ ગયો છે. પ્રદેશ ભાજપની ચૂંટણીલક્ષી બેઠક શરૂ થઇ ગઇ છે. વિધાનસભા પેટાચૂંટણીને લઈને ભાજપ એક્શન મોડમાં આવી ગયો છે. આઠમાંથી પાંચ બેઠક ભાજપે ગુમાવવી પડે એવા ખાનગી સરવેને કારણે ભાજપ ચિંતિત થઈ ઊઠ્યો છે. એને પગલે ભાજપે ચાર-ચાર બેઠક પર શક્તિપરીક્ષણ કરવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે.

કોંગ્રેસના MLAના રાજીનામાથી બેઠકો ખાલી
કોંગ્રેસમાં મોટે પાયે તોડફોડ થતાં માર્ચમાં 5 અને એ પછી ત્રણ ધારાસભ્ય મળીને કોંગ્રેસના કુલ 8 ધારાસભ્યે રાજ્યસભાની ચૂંટણી પહેલાં રાજીનામાં આપ્યાં હતાં, જેને પગલે આ બેઠકો ખાલી પડી છે. કપરાડામાંથી જિતુ ચૌધરી, ડાંગમાંથી મંગળ ગાવિત, લીંબડીમાંથી સોમા પટેલ, ગઢડામાંથી પ્રવીણ મારૂ, ધારીમાંથી જે. વી. કાકડિયા, મોરબીમાંથી બ્રિજેશ મેરજા, કપરાડામાંથી અક્ષય પટેલ અને અબડાસામાંથી પ્રદ્યુમનસિંહ જાડેજાએ રાજીનામાં આપ્યાં હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *