રેલીઓ કરનારા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ કોરોના પોઝિટિવ, dy.CM નીતિન પટેલ પણ હતા સાથે

By | September 8, 2020

આખા ગુજરાતમાં રેલીઓ કરીને કોરોનાની ગાઇડલાઇનનો ભંગ કરનાર ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ પણ હવે કોરોના સંક્રમિત થયા છે.પાટીલને ગાંધીનગરની અપોલો હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.  કોરોના મહામારીમાં પણ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતનો પ્રવાસ ખેડી તેમણે પોતે જાણે કોરોનાને નોતરૂં આપ્યું હોય તેવું લાગી રહ્યું હતું. અત્યાર સુધીમાં સી.આર પાટીલની રેલીમાં ગયેલા મોટા ભાગના ધારાસભ્યો અને કાર્યકર્તાઓ કોરોના સંક્રમિત થઇ ચૂક્યા છે. સી.આર. પાટીલની રેલીનો આ પહેલા ઘણા લોકો વિરોધ કરી ચૂક્યા છે.

કોરોના મહામારી વચ્ચે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ પદે નિયુક્ત કરાયેલા C.R. પાટીલે પ્રદેશ કાર્યાલય કમલમ સહિત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં પ્રવાસો કરી કોરોનાની ગાઇડલાઇનનું સરેઆમ ઉલ્લંઘન કર્યું હતું. જેના કારણે ખૂદ પાટીલ સહિત ભાજપના ધારાસભ્યો, આગેવાનો અને કમલમમાં કામ કરતાં કર્મચારીઓ કોરોના પોઝિટિવ આવતા છેલ્લા કેટલાક દિવસથી સીઆરના સંપર્કમાં આવેલા કાર્યકરો અને નેતાઓમાં ભય ફેલાઈ ગયો છે. સોમવાર અને મંગળવારે કમલમમાં કાર્યકરોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. જેની અસર હવે થવા લાગી છે. કમલમના કાર્યાલય મંત્રી, પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા સહિત 7 લોકો કોરોના પોઝિટિવ આવતા અંતે કમલમ કાર્યકરો માટે બંધ કરી દેવામાં આવ્યું છે. હવે મંત્રીઓ કમલમ નહીં આવે અને વેબકેમ મારફતે કાર્યકરોને સાંભળશે.

ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યા ઉપરાંત પ્રદેશ કાર્યાલય કમલમના પ્રદેશ કાર્યલાયના મંત્રી પરેશ પટેલ, મહિલા મોરચાના કાર્યાલય મંત્રી મોના રાવલ, ટેલિફોન ઓપરેટર રાકેશ પંડ્યા, સફાઈકર્મીઓને લાવનાર ડ્રાઈવર, 2 સફાઈકર્મી કોરોના પોઝિટિવ આવ્યા છે. કમલમમાં કોરોનાના પોઝિટિવ કેસ આવતા કાર્યાલયની ઓફીસ બહાર રીબીનવાળા બેરિકેડ લગાવવામાં આવ્યા છે.

ગુજરાત ભાજપના કાર્યાલય કમલમ કોરોના કેન્દ્ર જેવું બની રહ્યું હોવાનો ગ્રાઉન્ડ રિપોર્ટ દિવ્યભાસ્કરે કર્યા બાદ કાર્યાલયમાં જ કોરોનાના કેસ આવવા લાગતા અંતે ભાજપ પ્રમુખ દ્વારા કાર્યકરોને કામ સિવાય કમલમ ન આવવાની સૂચના આપવામાં આવી છે, અને કમલમમાં આવતા મંત્રીઓ વેબકેમથી કાર્યકરોની રજુઆત અને ફરિયાદો સાંભળી રહ્યા છે. છેલ્લા ત્રણ સપ્તાહથી શરૂ થયેલા આ સીલસીલાને પરિણામે કમલમમાં ટોળેટોળા ઉમટી પડતા હતા. જેના લીધે કોવિડની ગાઈડલાઈનનું પાલન થતું ના હતું અને કમલમ કોરોના કેન્દ્ર જેવું બની ગયું હતું.

અંતે ઉલ્લેખનીય છે કે પાટીલ ગુજરાત ભાજપના અધ્યક્ષ બન્યા પછી કાર્યકર્તાઓ અને નેતાઓએ ઉપાડો લીધો હતો. હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ ભેગા થતા, રેલીઓ કરતા, ગરબે ઝુમતા. લોકડાઉનમાં મુસ્લિમોને જમાતી કહીને ટાર્ગેટ કરનાર ભાજપના કાર્યકર્તા અને નેતાઓને શું કેસરી જમાતી કહી શકાય?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *