એજન્ટે પરાણે આપેલી લોટરીની ટિકિટે આ વ્યક્તિને રાતોરાત બનાવ્યો કરોડપતિ

By | August 21, 2020

એક કહેવત ખુબ પ્રચલિત છે કે ‘ઉપર વાળો જયારે પણ આપે, છપ્પર ફાડીને આપે’. હરિયાણાના સિરસા જિલ્લાના કલાંવાલીમાં મિઠાઇની દુકાન ચલાવતા રહેતા ધર્મપાલ સાથે પણ કંઇક આવું જ થયું. ધર્મપાલ શુક્રવારે ઉઠ્યા તો ખબર પડી કે તેઓ રાતોરાત કરોડપતિ બની ગયા છે. એજન્ટે જે ટિકિટ પરાણે આપી હતી એ ટિકિટનો જ નંબર લાગી ગયો અને ધર્મપાલ દોઢ કરોડ જીતી ગયા. લોટરી ખુલવાનો ફોન આવ્યો તો ધર્મપાલને વિશ્વાસ ન થયો એટલે ફરી એક વાર ટિકિટ નંબર ચેક કર્યો, ત્યારે વિશ્વાસ બેસ્યો.

ધર્મપાલે કહ્યું, “પંજાબ સ્ટેટ રાખી બંપર લોટરી આવી હતી. સિરસા જિલ્લો પંજાબની બોર્ડર પર હોવાના કારણે એજન્ટ અહીં લોટરી વેચવા માટે આવતા હોય છે. અઠવાડિયા પહેલા એક એજન્ટ પાસેથી અમે 250-250 રૂપિયાની પાંચ ટિકિટ ખરીદી હતી. એજન્ટ અમુક કલાક બાદ ફરી આવ્યો અને કહ્યું કે એક ટિકિટ બચી છે તે પણ ખરીદી લો.”

“પહેલા તો મેં આ ટિકિટ ખરીદવાની ના પાડી કારણ કે પહેલેથી જ પાંચ ટિકિટ ખરીદી હતી. પરંતુ તે માન્યો નહીં અને ટિકિટ ખરીદવા માટે વિનંતિ કરવા લાગ્યો. તેથી અમે ખરીદી લીધી. શુક્રવારે તે એજન્ટનો જ ફોન આવ્યો અને લોટરી જીતવાના સમાચાર આપ્યા. આ મારા નસીબ જ હતા કે મને ઇચ્છા ન હોવા છતા છેલ્લી ટિકિટ મારા હાથે લાગી અને હું દોઢ કરોડની લોટરી જીતી ગયો.”

ધર્મપાલના કહેવા મુજબ તેઓ દરરોજ ટિકિટ નથી ખરીદતા, પરંતુ તહેવાર પર જ્યારે બમ્પર લોટરી આવે ત્યારે જરૂર ખરીદી લે છે. દર વખતે દિવાળી પર બંપર લોટરી ખરીદે છે. છેલ્લા લગભગ 15 વર્ષથી આ જ પ્રમાણે લોટરીની ટિકિટો ખરીદવાનો સિલસિલો ચાલી રહ્યો હતો અને હવે નસીબ ખુલ્યા. તેમના ત્રણ દીકરા છે. તેઓ કહે છે કે લોટરીના પૈસાથી બાળકોને સારો અભ્યાસ કરાવશે તેમજ સામાજિક કાર્યમાં પણ વાપરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *