CM રૂપાણીની મોટી જાહેરાત : હવે ગ્રામીણ નાગરિકોને રોજ-બરોજની સેવાઓ કે સર્ટિફિકેટ, દાખલાઓ માટે તાલુકા-જિલ્લા મથકે ધક્કા નહીં ખાવા પડે

By | October 6, 2020

કોરોના કાળમાં રાજ્યના સીએમ વિજય રૂપાણી દ્વારા આજે એક મોટી જાહેરાત કરાઈ છે. સીએમ વિજય રૂપાણીએ આજે લોકોને તકલીફ ન પડે તેના માટે ડિજીટલ સેવા સેતુની જાહેરાત કરી છે. રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં ડિજિટલ  સેવા સેતુની વધારે જરૂરિયાત હોવાના કારણે સીએમે ત્યાં આ જાહેરાત કરી છે. ડિજિટલ સેવા સેતુ અંતર્ગત તલાટીઓને એફિડેવિટ કરવાની સત્તા અપાઈ છે.

સીએમ વિજય રૂપાણીએ ડિજિટલ સેવા સેતુ અંતર્ગત રાજ્યના 2700 ગામમાં 8 ઓક્ટોબરથી ડિજિટલ સેવાસેતુ ચાલુ કરવાનો નિર્ણય કર્યો છે. આ વિશે રાજ્યના સીએમે જણાવ્યું કે, આજથી રાજ્યના 3500 ગામડાંઓ ડિજિટલ સેવા સેતુમાં જોડાયા છે. ડિસેમ્બર સુધીમાં 8000 ગામોને આવરી લેવાશે. ડિજિટલ સેવા સેતુમાં રેશનકાર્ડ સહિત 22 જેટલી સેવાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. નાનામાં નાના માણસનું કામ પણ સરળ બનાવવાનો સીએમે નિર્ધાર કર્યો છે. સરકારી કામમાં લોકોને પડી રહેલી મુશ્કેલીઓ ન ખાવા પડે તેવી વ્યવસ્થા કરી છે. હાલ 7692 ગ્રામ પંચાયતોમાં ઓપ્ટિકલ ફાયબરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના છેવાડાના અંતરિયાળ ગામોમાં વસતા માનવી, ગરીબ, વંચિત લોકોને વધુ સુવિધાસભર જીવન આપવા ‘જ્યાં માનવી ત્યાં સુવિધા’નો મંત્ર સાકાર કરવાનો અનોખો સેવાયજ્ઞ ગ્રામીણ વિસ્તારોમાં ડિઝીટલ યુગના ક્રાંતિકારી મંડાણથી શરૂ કર્યો છે. મુખ્યમંત્રીએ રાજ્યના દૂર-દરાજના ગ્રામીણ વિસ્તારોમાં સરકારના વિવિધ વિભાગોની જનહિતલક્ષી સેવાઓ ગ્રામ્ય સ્તરેથી ગ્રામ પંચાયતમાં જ મળી રહે તે માટે આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી ડિઝીટલ સેવા સેતુનો અભિનવ પ્રયોગ રાજ્યમાં શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.

હવે ગ્રામીણ નાગરિકોને રોજ-બરોજની સેવાઓ કે સર્ટિફિકેટ, દાખલાઓ માટે તાલુકા-જિલ્લા મથકે ધક્કા ન ખાવા પડે, સમય અને આવવા-જવાના વાહન ભાડાના ખર્ચનો બચાવ થાય તેમજ ખોટો લઇ ન જાય સાચો રહી ન જાય તેવા ભાવ સાથે પ્રાથમિક તબક્કે વિવિધ 20 જેટલી સેવાઓ આ ડિઝીટલ સેવાસેતુમાં આવરી લઇ બે હજાર ગ્રામ પંચાયતમાં આગામી 8 ઓકટોબરથી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. ડિસેમ્બર-2020 સુધીમાં વધુ 8 હજાર ગ્રામ પંચાયતોને આ ડિઝીટલ સેવાસેતુમાં આવરી લેવાનો નિર્ધાર છે.

વિજય રૂપાણીએ રાજ્યશાસનનું દાયિત્વ સંભાળ્યુ, ત્યારથી જ તેઓ કોમનમેન –સામાન્ય માનવી તરીકે નાગરિકો, લોકો-પ્રજાજનોને સરકારની સેવાઓ સરળતાએ સહજતાએ અને કોઇ જ વિલંબ વિના મળી રહે તે માટે સંકલ્પબદ્ધ રહેલા છે. પ્રજાલક્ષી અભિગમ અને સામાન્ય માનવીને કેન્દ્રમાં રાખીને સુશાસનના ચાર સ્થંભ પારદર્શીતા, નિર્ણાયકતા સંવેદનશીલતા અને પ્રગતિશીલતાના આધાર ઉપર લોકોને યોજનાકિય લાભો આપવા અને પ્રજાના પ્રશ્નો-સમસ્યાઓનું ઘર આંગણે સુચારૂ નિવારણ લાવવા 2016માં ઐતિહાસિક નિર્ણય કરીને ‘સેવા સેતુ’ કાર્યક્રમનો પ્રારંભ કરાવ્યો હતો. આ સેવા સેતુ કાર્યક્રમમાં 8 થી 10 ગામોનું કલસ્ટર બનાવી નિશ્ચિત દિવસે અધિકારીઓની ટીમ ત્યાં જાય અને ગ્રામીણ લોકોની રજૂઆતો, પ્રશ્નો, સમસ્યાઓ સૂલઝાવે એટલું જ નહિ, તાલુકા-જિલ્લા જનસેવા કેન્દ્રોની સેવાઓ સ્થળ પર જ આપવાનો પ્રજાહીતકારી ઉદેશ્ય આ સેવાસેતુમાં દર્શાવ્યો હતો.

રાજ્યભરમાં આવા 12800થી વધુ સેવાસેતુના તબકકાઓ યોજીને 2 કરોડ લોકો-નાગરિકોને ઘર આંગણે સેવાઓ મુખ્યમંત્રીના દિશાદર્શનમાં પૂરી પાડવામાં આવેલી છે. આ વન ડે ગર્વનન્સનો ગુજરાત પ્રયોગ સમગ્ર દેશમાં જનહિત સેવા પ્રકલ્પમાં ઉત્કૃષ્ટ અને ઉદાહરણ રૂપ બની રહ્યો છે. મુખ્યમંત્રીએ હવે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના ડિઝીટલ ઇન્ડીયાના સપનાને સાકાર કરવામાં પણ ગુજરાતને અગ્રીમ-લીડ લેવા સજ્જ કર્યુ છે.

તેમણે રાજ્યના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા ડિઝીટલ ટ્રાન્સફોર્મેશનની નવી પહેલ કરતાં ગ્રામ પંચાયતોને ફાઇબર નેટવર્કથી જોડીને ભારત નેટ પ્રોજેકટ અન્વયે ડિઝીટલ સેવા સેતુનો નવતર અભિગમ શરૂ કરીને તાલુકા-જિલ્લા સેવા કેન્દ્રોમાં મળતી સેવાઓ ગ્રામ્યસ્તરે સામાન્ય માનવીને તેની અનુકૂળતાએ અને નજીવી ફી દ્વારા ગ્રામ પંચાયતમાંથી જ મળી રહે તેવી વ્યવસ્થા વિકસાવી છે.

ગુજરાત સમગ્ર દેશમાં આ વ્યવસ્થા વિકસાવી ભારત નેટ ફેઇસ-2 માં દેશભરમાં અગ્રેસર રહ્યું છે. ડિઝીટલ સેવા સેતુમાં સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે, રાજ્યના ગામડાંઓમાં 100 MBPSના હાઇસ્પીડ ઇન્ટરનેટ સરળતાએ મળી રહે એ માટે ઓપ્ટિકલ ફાયબર નેટવર્કથી જોડાણો આપવામાં આવશે.

અત્યાર સુધીમાં 32961 કિ.મીટર અન્ડર ગ્રાઉન્ડ ઓપ્ટીકલ ફાયબર નેટવર્ક દ્વારા 23 જિલ્લાની 7692 ગ્રામ પંચાયતોને આવરી લેવાઇ છે. એટલું જ નહિ, દરેક ગ્રામ પંચાયત સ્ટેટ ડેટા સેન્ટર સાથે જોડાયેલી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગામડાને જ મિની સચિવાલય બનાવવાનો નવિન કોન્સેપ્ટ આ ડિઝીટલ સેવાસેતુમાં અપનાવ્યો છે. આ અંતર્ગત ગ્રામ પંચાયતના સેવા કેન્દ્ર-ગ્રામ પંચાયત કચેરીએથી જ હવે, રેશનકાર્ડની સેવાઓમાં નામ દાખલ કરવું, નામ કઢાવવું કે સુધારો કરવો અથવા ડુપ્લીકેટ રેશનકાર્ડ મેળવવું જેવી સેવાઓ, આવકનો દાખલો, સિનીયર સિટીઝનનો દાખલો, ક્રિમીલીયર સિર્ટિફિકેટ, જાતિના પ્રમાણપત્રો જેવી સેવાઓ ડિઝીટલ સેવા સેતુ માધ્યમથી માત્ર 20 રૂપિયાની નજીવી ફીથી મળશે.

મુખ્યમંત્રીએ આ ડિઝીટલ સેવાસેતુનો વ્યાપ વધુ વિસ્તરે તેમજ ગ્રામીણ નાગરિકો લોકોને આવા દાખલાઓ માટે કરવાની થતી એફિડેવિટ-સોગંદનામા માટે તાલુકા કક્ષાએ કે નગરમાં જિલ્લામાં નોટરી પાસે જવું જ ન પડે તેવો પણ ક્રાંતિકારી નિર્ણય કર્યો છે.

તદઅનુસાર, Oaths Act 1969ની કલમ-3ની જોગવાઇઓ મુજબ કરવાના સોગંદનામા એફિડેવિટ કરવા માટે ગ્રામ્યકક્ષાએ ગ્રામ પંચાયત તલાટી કમ મંત્રીને સત્તાઓ આપવામાં આવશે. જેથી ગ્રામીણ નાગરિકોને ગામમાંથી જ એફિડેવીટ ગ્રામ પંચાયતમાં ઉપલબ્ધ થઇ શકશે.

વિજયરૂપાણીએ ગામડાનો સામાન્ય માનવી પણ પોતાને જરૂરી એવી સેવાઓના સર્ટિફિકેટ પોતાના મોબાઇલ ફોનમાં કોઇપણ સમયે કોઇપણ જગ્યાએ મેળવી શકે અથવા કયાંય આધાર-પૂરાવા તરીકે રજૂ કરી શકે તે માટે ભવિષ્યમાં ફિઝીકલ સાઇનને બદલે ઇ-સાઇન – E Sign દ્વારા સેવાઓ મંજૂર કરવાનો પણ અભિગમ અપનાવ્યો છે. આના પરિણામે સેવાઓ મંજૂર થાય એટલે સીધી જ જે-તે વ્યકિતના ડિજી લોકરમાં ઉપલબ્ધ થઇ જશે.

ભવિષ્યમાં આ સમગ્ર સેવાઓને અન્ય વિભાગો સાથે ઇન્ટીગ્રેટ કરીને ડીજી લોકરને વધુ સક્ષમ પ્લેટફોર્મ આ ડિઝીટલ સેવા સેતુ અન્વયે બનાવી શકાશે. આવનારા દિવસોમાં ડિઝીટલ ટેકનોલોજીને એક સક્ષમ પ્લેટફોર્મ બનાવીને ડિઝીટલ સેવા સેતુમાં રાજ્યના તમામ ગામોને તથા બહુધા સેવાઓને આવરી લેવાશે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના મિનીમમ ગર્વમેન્ટ મેકસીમમ ગર્વનન્સના મંત્રને આના પરિણામે વધુ બળ મળશે તેમજ સરકારી કચેરીઓમાં હ્યુમન ઇન્ટરફેસ ઓછુ થઇ જશે અને કચેરીમાં ગયા વિના જ ઘરેબેઠા સુવિધા સેવા મળવાથી 100 ટકા ફેઇસ લેશ અને પેપર લેશ વર્કીંગ સિસ્ટમ ગુજરાતમાં અમલી થશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીના ટેકનોલોજી આધારિત આ જનહિતકારી પ્રકલ્પ ડિઝીટલ સેવા સેતુથી રાજ્યના 18 હજારથી વધુ ગામોને મોર્ડન વિલેજ સાથે ગ્લોબલ વિલેજ બનાવવાનો માર્ગ મોકળો થશે.

આ ડિઝીટલ સેવાસેતુ ગુડ ગર્વનન્સ-સુશાસનની દિશામાં ગુજરાતની એક નવતર પહેલ તરીકે સમગ્ર દેશમાં પ્રસ્થાપિત થશે અને ગુજરાત ફરી એકવાર મુખ્યમંત્રીશ્રીના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ડિઝીટલ ક્રાંતિ દ્વારા દેશનું પથદર્શક બનશે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *