શ્રેય હોસ્પિટલના સંચાલક ભરત મહંત છે ભાજપના નેતા, પિતા હતા કોંગ્રેસ સરકારમાં મંત્રી

By | August 6, 2020

અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલમાં મોડી રાત્રે આગકાંડમાં 8 કોરોના દર્દીના મોત બાદ સંપૂર્ણ ખાલી કરી સીલ મારી દેવાયું છે. સાથે જ શ્રેય હોસ્પિટલના સંચાલક અને મેનેજરની પણ અટકાયત કરવામા આવી હતી. હોસ્પિટલના 4 સંચાલકો પૈકી એક ભરત મહંતને પૂછપરછ માટે લઈ જવાયા છે. હોસ્પિટલના મેનેજરની પણ પૂછપરછ કરાઈ છે. ત્યારે હોસ્પિટલના સંચાલક ભરત વિશે મોટી માહિતી સામે આવી છે, કે તેઓ ભાજપના નેતા છે. તેમજ કોંગ્રેસ સાથે પણ તેમના પરિવારનો જૂનો સબંધ રહ્યો છે.

ગયા વર્ષે જ ભાજપના સદસ્ય બન્યા

આગના સમગ્ર પ્રકરણમાં હોસ્પિટલની બેદરકારી હોવાનું સામે આવ્યું છે. ત્યારે 4 ટ્રસ્ટીઓ પૈકીના એક ભરત મહંતને પોલીસે પૂછપરછ માટે લઈ ગઈ છે. આગકાંડ બાદ શ્રેય હોસ્પિટલ પર અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. હોસ્પિટલ પાસે ફાયરનું NOC પણ ન હતું. મૃત્યુ પામેલા દર્દીઓના સ્વજનો ફાયર સેફ્ટી વિશે સવાલો કરી રહ્યાં છે. ત્યારે સૌથી મોટી બાબત એ છે કે, હોસ્પિટલના સંચાલક ભરત મહંત એક સમયે કોંગ્રેસના વિધાનસભાના ઉમેદવાર હતા અને કુતિયાણામાં 2002માં કોંગ્રેસે ટિકિટ આપી હતી. પરંતુ ગત વર્ષે 2019માં જુનાગઢમાં 40 લોકો એકસાથે ભાજપમાં જોડાયા હતા, જેમાં ભરત મહંત પણ સામેલ હતા. મૂળ જામનગરના ભરત મહંત હાલ ગાંધીનગરમાં રહે છે. 

પિતા રહી ચુક્યા છે કોંગ્રેસમાં મંત્રી

ભરત મહંતનો પરિવાર રાજકીય ઈતિહાસ ધરાવે છે. તેમના પિતા વિજય દાસ મહંત કોંગ્રેસમાં કેબિનેટ કક્ષાના મંત્રી રહી ચૂક્યા હતા. એટલુ જ નહિ, તેમના પિતા ચાર વર્ષ માટે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ પણ રહ્યા હતા. તેમજ માધવસિંહ સોલંકીની સરકારમાં વિજયદાસ મહંત શિક્ષણ મંત્રી પણ રહી ચૂક્યા છે. તેમનો પુત્ર ભરત મહંત એપ્રિલ 2019 માં ભાજપમાં જોડાયો હતો.

ગાંધીનગરમાં પિતાને મળેલા પ્લોટ પર બંગલો બાંધીને વસે છે

શ્રેય હોસ્પિટલના સંચાલક ભરત મહંત ગાંધીનગરમાં સેક્ટર 8 માં રહે છે. તેમનો પરિવાર અત્યારે ઘરમાં હાજર નથી. તેમના પિતા શિક્ષણ મંત્રી હતા, ત્યારે તેઓને ગાંધીનગરમાં પ્લોટ મળ્યો હતો. હાલ મહંત પરિવારનું અહી નિવાસ સ્થાન છે. 330 મીટર પ્લોટ ઉપર આલિશાન મકાન ઊભું કરવામાં આવ્યું છે. ભરત મહંતના પિતા વિજયદાસ મહંત રાજ્ય સરકારમાં મંત્રી હતા, ત્યારે તેમને આ પ્લોટ મળ્યો હતો. શ્રેય હોસ્પિટલના સંચાલક ભરત મહંત વિજયદાસ મહંતનો દીકરો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *