માનવતા : દુબઈની હોસ્પિટલે ભારતીય દર્દીનું 1.5 કરોડનું બિલ માફ કરી, 10 હજાર આપી ઘરે મોકલ્યો

By | July 17, 2020

આખી દુનિયા કોરોના મહામારી સામે ઝઝૂમી રહી છે અને નવા દર્દીઓનો આંકડો રોજ રેકોર્ડ તોડી રહ્યો છે. આવી કટોકટીના સમયમાં પણ દુબઇની એક હોસ્પિટલે સમગ્ર વિશ્વ માટે ઉદાહરણરૂપ પગલું ભર્યું છે. બન્યું એવું કે દુબઇની એક હોસ્પિટલે કોરોનાપીડિત એક ભારતીય યુવકની સારવાર કરી. 80 દિવસની સારવારના અંતે તે સાજો થયા બાદ તેનું બિલ 1.52 કરોડ રૂ. બન્યું. જોકે, તેની આર્થિક સ્થિતિ નબળી હોવાથી હોસ્પિટલે તેનું પૂરેપૂરું બિલ માફ કરી દીધું.

તેલંગાણાના જગતિયાલ જિલ્લાના રહેવાસી 42 વર્ષીય ઓડનાલા રાજેશની દુબઇમાં ગત 23 એપ્રિલે તબિયત બગડી હતી. તેણે કોરોના ટેસ્ટ કરાવતાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો, જેથી તેને સ્થાનિક હોસ્પિટલમાં દાખલ કરાયો. 80 દિવસની સારવારનું બિલ 7,62,555 દિરહામ (અંદાજે 1.52 કરોડ રૂ.)નું બન્યું.

રાજેશને ગલ્ફ વર્કર પ્રોટેક્શન સોસાયટીના અધ્યક્ષ ગુંડેલ્લી નરસિમ્હાએ હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો. તેની મદદ માટે તેમણે દુબઇ સ્થિત ભારતીય દૂતાવાસના વોલન્ટિયર સુમનાથ રેડ્ડીને જાણ કરી, જેમણે દુબઇમાં શ્રમિક બાબતોના ભારતીય રાજદૂત હરજિત સિંહને જાણ કરી અને તેમને વિનંતી કરી કે રાજેશ આટલું બિલ ચૂકવવા સમર્થ નથી, તેની મદદ કરો. 

ત્યાર બાદ હરજિત સિંહે હોસ્પિટલ મેનેજમેન્ટને પત્ર લખી માનવતાના ધોરણે બિલ માફ કરવા માગ કરી. હોસ્પિટલ મેનેજમેન્ટે પણ હકારાત્મક જવાબ આપતાં રાજેશનું બિલ માફ કરી તેને રજા આપી તેમ જ તેના માટે દુબઇથી ભારતની ફ્રી ટિકિટની વ્યવસ્થા કરી. રાજેશને અને તેના એક સાથીને 10 હજાર રૂ.ની મદદ પણ કરી. રાજેશ 14 જુલાઇએ એર ઇન્ડિયાની ફ્લાઇટ દ્વારા દુબઇથી હૈદરાબાદ પહોંચ્યો. ત્યાંના એરપોર્ટ પર અધિકારીએ તેને 14 દિવસ હોમ ક્વોરન્ટીન થવાની મંજૂરી આપીને ઘરે મોકલ્યો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *