અમદાવાદ શહેરના જુહાપુરા વિસ્તારમાં રહેતા અને પોલીસ ચોપડે કુખ્યાત નઝિર વોરા ,કાળું ગરદન અને સુલતાનના ઘરે મોટા પ્રમાણમાં વીજ ચોરી થતી હોવાની ટોરેન્ટની પાવરની ફરિયાદને આધારે પોલીસ અને વીજ કંપનીએ સંયુક્ત રીતે દરોડા પડ્યા હતા. વીજ કંપની દ્વારા આપવામાં આવેલા વીજ કનેકશનમાં પંક્ચર કરી અન્ય કેબલ મારફતે મોટાપાયે વીજ ચોરી કરવાનું કૌભાંડ ઝડપાયું છે.
દરોડા દરમિયાન વીજચોરીના દ્રશ્યો જોઈને ખુદ પોલીસ અને વીજ કંપનીના અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા. નઝીર વોરાના ઘરે પોલીસે તપાસ કરતા જમીનમાં આપેલી મુખ્ય વીજ લાઈનમાંથી પંક્ચર પાડી અન્ય કેબલ મારફતે વીજ કનેકશન ખેંચ્યું હતું. જમીનમાંથી જ કેબલ ખેંચી આખા બંગલામાં વીજ વપરાશ કરતો હતો.
નાઝિરના ઘરે 8 AC અને બોરવેલ હોવા છતાં માત્ર 50 યુનિટ જ ખર્ચ બતાવતા હતા. બંગલામાં લાઈટ કનેકશન જોતા 3,000 યુનિટ વપરાશ થવો જોઈએ પણ તેની જગ્યાએ માત્ર 50 યુનિટનો વીજ વપરાશ થતો હતો. જમીનની અંદર વીજ વાયરો ખેંચીને ઉપર સિમેન્ટનું પ્લાસ્ટર કરી દીધું હતું. જેથી પોલીસને ખોદકામ કરીને વીજ ચોરીના કેબલ પકડવા પડ્યા હતા.
આ જ રીતે નઝીર વોરાના ફાર્મ હાઉસ પર પણ વીજ ચોરી થતી હોવાનું ધ્યાને આવતા ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા. ટોરેન્ટ પાવરના અધિકારી મેહુલકુમારે જણાવ્યું કે આ વીજ ચોરી લાંબા સમયથી કરવામાં આવતી હતી. આ વીજ ચોરીનું કૌભાંડ રચવામાં કોઈ ટેક્નિશિયનની મદદ લેવામાં આવી હશે. જે માટે એક ઘરમાં એક સ્વીચ રાખવામાં આવી હતી જે સ્વીચ ઓન કરતા મુખ્ય લાઈનનું મીટર બંધ થઈ જતું અને ચોરીના કેબલની લાઈન દ્વારા વીજ ચોરી થતી હતી. ભૂતકાળમાં પણ નઝીર વોરા વીજ ચોરીમાં પકડાઈ ચૂક્યો છે.