આગની 3 ઘટના છતાં તંત્ર ઊંઘમાં, અમદાવાદ બાદ જામનગરની જી.જી. હોસ્પિટલમાં લાગી ભીંસણ આગ

By | August 25, 2020

ગણતરીના દિવસો પહેલા જ અમદાવાદના નવરંગપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમા આવેલી શ્રેય હોસ્પીટલના ICU વોર્ડમાં મધરાત્રીએ આગ લાગી હતી. જેમાં કોરોનાની સારવાર લઈ રહેલ 8 દર્દીના કરુણ મોત થયા હતા. રાજ્યમાં સતત બની રહેલી આગની ઘટનાથી પણ તંત્રએ કંઇ સીખ્યુ ન હોય તેવું લાગી રહ્યું છે. આજે જામનગરની જી.જી હોસ્પિટલમાં અચાનક આગ લાગી હતી અને આ ઘટનાથી લોકોમાં દોડધામ મચી ગઈ છે. આ આગ જી.જી.હોસ્પિટલના ICU વિભાગમાં લાગી હતી. આ વોર્ડમાં 10થી વધુ દર્દીઓ સારવાર લઈ રહ્યાં હતાં. હાલ તો લોકો દર્દીઓને બારીમાંથી રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવી રહ્યાં છે.

જામનગરની એકમાત્ર સૌથી મોટી ગુરૂ ગોવિંદસિંહ હોસ્પિટલના જૂના બિલ્ડીંગમાં આજે બપોરે એકાએક આગ ફાટી નીકળી હતી. આગને પગલે સારવાર હેઠળ રહેલા દર્દીઓને તાબડતોબ બહાર કાઢવા દોડધામ મચી હતી.

તંત્ર દ્વારા 1 મહિના પહેલા જી.જી.હોસ્પિટલની જૂની બિલ્ડિંગમાં તપાસ કરવામાં આવી હતી. આ તપાસમાં જાણવા મળ્યું કે ફાયર સેફટીની તમામ બોટલો 3 મહિના પહેલા જ એકસપાયર થઈ ગઈ હતી. આ સમગ્ર મામલે હોસ્પિટલના સિનિયર સ્ટાફને પૂછવામાં આવતા તેને જણાવ્યું હતું કે સમગ્ર મામલે ફાયર વિભાગમાં જાણ કરવામાં આવી હતી. તેઓએ કહ્યું હતું કે જ્યારે એકસપાયરી ડેટ પૂરી થશે અને અમારી પાસે બોટલો આવી જશે ત્યારે અમે બદલાવી જઈશું. અમે 15-20 દિવસ પહેલા અરજી કરી હતી. આ સાથે જ કહ્યું કે 3 મહિના પહેલા પણ અમે અરજી આપી હતી અને અમે આ બીજી વખત અરજી કરી છે.

આગની ઘટનાની જાણકારી મળતાની સાથે જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ફાયર વિભાગ દ્વારા આગને કાબૂમાં લેવા માટેના પ્રયત્નો હાથ ધરાયા છે. તો સ્થાનિક સ્ટાફ દ્વારા પણ આગને કાબૂમાં લેવાના પ્રયત્નો ચાલુ હતા. આગ લાગવાથી જાનહાની થયાના કોઇ સમાચાર નથી, હાલમાં આગ લાગવા પાછળનું કારણ પણ સામે આવ્યું નથી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *