મધ્યપ્રદેશના રતલામ માં ઝાડ-ફુંક કરવાવાળો એક બાબા કોરોના થી મૃત્યુ પામ્યો છે. હાથ ચૂમી ને ઈલાજ કરવા વાળો બાબા પોતે તો મર્યો સાથે 23 લોકોને સંક્રમિત કરતો ગયો. ત્યારબાદ રતલામમાં હંગામો મચી ગયો છે. બાબાની ખ્યાતિ માત્ર રતલામ શહેર માં જ ન હતી, પરંતુ આસપાસના લોકો પણ અંધશ્રદ્ધામાં ડૂબીને બાબા પાસે સારવાર કરાવવા આવતા. બાબા હાથ ચુંબન કરીને મોટા રોગો મટાડવા નો દાવો કરતો હતો.
તે પોતાના વિસ્તારમાં અસલમ બાબા તરીકે ઓળખાતો હતો. અસલમ નુ અસલી નામ અનવર શાહ છે. તે રતલામ માં પોતાના પરિવાર સાથે લગભગ ૧૫ વર્ષથી રહેતો હતો. અસલમ અહી રહીને ઝાડફુંક કરતો હતો. અનેક લોકો અંધશ્રદ્ધામાં તેની પાસે સારવાર કરાવવા આવતા હતા. અસલમ બીમારી દૂર કરવાના નામે લોકો પાસેથી મોટી રકમ વસૂલતો હતો. કોરોના મહામારીમાં પણ બાબાએ બીમારી દૂર કરવાનો દાવો કર્યો હતો.
સ્થાનિક લોકો કહે છે કે બાબા તેના ભક્તોને હાથ પર ચુંબન કરીને સારવાર આપતો. સાથે જ પાણીમાં ફૂંક મારીને ભક્તોને પીવડાવતો. બાબા પાસે દરેક રોગની સારવાર હતી. લોકો અંધશ્રદ્ધા ના ચક્કરમાં અનવર શાહ પાસે આવતા હતા. જોકે બાબાને કોરોના નો કઈ રીતે ચેપ લાગ્યો તેની કોઈને ખબર નથી. તબિયત લથડતાં તેને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.
અસલમ બાબાનું 4 જૂનના રોજ અવસાન થયું હતું. જે બાદ જિલ્લાના અધિકારીઓ માં હંગામો થઈ ગયો. મૃત્યુ બાદ આરોગ્ય વિભાગના ખબર પડી કે તે ઝાડફુંક ચલાવતો હતો. તે પછી બાબાના સંપર્કમાં આવતા લોકોની શોધ શરૂ કરવામાં આવી. અત્યાર સુધી બાબાના 23 ભક્તો ને કોરોના નો ચેપ લાગ્યો છે. જેમાં સાત તેના પરિવારના સભ્યો છે. મોટાભાગના લોકો ભયથી બહાર આવી રહ્યા નથી.