વધુ વરસાદના કારણે ખેડૂતને થયેલા નુકસાન માટે ગુજરાત સરકારે 3700 કરોડનું પેકેજ જાહેર કર્યું

By | September 22, 2020

ખરીફ મોસમમાં પડેલા અતિશય વરસાદને પરિણામે 37 લાખ હેક્ટર વિસ્તારમાં ખેડૂતોના પાકને થયેલું  નુકસાન ભરપાઈ કરી આપવા માટે ગુજરાત સરકારે રૂપિયા 3700 કરોડનું રાહત પૅકેજ આજે જાહેર કર્યું છે. મગફળી, કપાસ, ડાંગર, તલ, બાજરી, કઠોળ, શાકભાજી  વગેરે પાકમાં થયેલા નુકસાન માટે સરકાર તરફથી વળતર આપવામાં આવશે.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિધાનસભા ગૃહના નેતા તરીકે ચૌદમી વિધાનસભાના સાતમા સત્રના પ્રથમ દિવસે નિયમ-44 અન્વયે નિવેદનમાં રાજ્યના ધરતીપુત્રોને આ વર્ષે ખરીફ ઋતુમાં ભારે વરસાદથી થયેલ પાક નુકશાન સામે ઉદાર પેકેજની જાહેરાત કરી હતી.

મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યની આ ખેડૂત હિતલક્ષી સરકાર હંમેશા ખેડૂતોની વિપદામાં તેમની મુશ્કેલીના સમયમાં પડખે ઉભી રહેનારી સંવેદનશીલ સરકાર છે. આ સંદર્ભમાં સીએમ રૂપાણી ઉમેર્યુ કે, ઓગસ્ટ-2020માં મહિનામાં રાજ્યના કેટલાક તાલુકાઓમાં ભારે વરસાદને પરિણામે ખેતરોમાં પાણી ભરાવાના પરિણામે ખેતી પાકોને નુકસાન થયેલું છે. આ નુકસાની સામે સહાય આપવા અંગે રાજ્યના ખેડૂત, ખેડૂત સંગઠનો અને પ્રજાના જનપ્રતિનિધિઓએ રાજ્ય સરકારને કરેલી રજૂઆતનો સંવેદનાત્મક પ્રતિસાદ આપતા આ સહાય પેકેજ આપ્યું છે.

મુખ્યમંત્રીએ વિધાનસભાગૃહમાં નિયમ-44 અન્વયે કરેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, ‘‘રાજ્યમાં ચાલુ સાલે ચોમાસાની શરુઆત સારી રીતે અને સમયસર થયેલ હતી. શરુઆતના તબક્કામાં ખેતીને અનુકુળ માફક સરનો વરસાદ થયેલ હતો અને રાજ્યના તમામ જિલ્લાઓમાં ખુબ સારા ઉત્પાદનના સંજોગો હતા. પરંતુ ઓગષ્ટ માસ દરમિયાન રાજ્યના કેટલાક તાલુકાઓમાં ભારે વરસાદ થયો અને તેથી ખેતરોમાં પાણી ભરાવાના કારણે ખેતી પાકોને નુકશાનના અહેવાલ છે’’.

ઉપરાંત આ અંગે ખેડુતો, ખેડુત સંગઠનો, પ્રજાના પ્રતિનીધીઓ દ્વારા પણ રજુઆતો કરવામાં આવેલ છે. જેમાં મુખ્યત્વે મગફળી, કપાસ, ડાંગર, તલ, બાજરી, કઠોળ, શાકભાજી વગેરે પાકોમાં નુકશાન થવા પામેલ છે. રાજ્ય સરકારે અવાનરવાર જાહેરાત કરેલી છે કે, રાજ્યના ખેડૂતોને 33 ટકા અને તેથી વધારે પાક નુકશાન થયેલ હોય તો સહાય આપવાની બાબત રાજ્ય સરકારની વિચારણા હેઠળ હતી.
રાજ્યના 20 જિલ્લાઓના 123 તાલુકાના ખેડૂતોનો મળશે લાભ
હવે, ચાલુ વર્ષે પણ ખરીફ ઋતુમાં કેટલાક તાલુકાઓમાં તારીખ 19-9-2020ની સ્થિતિએ થયેલ નુકશાન અંગે કૃષિ વિભાગ દ્વારા થયેલ સર્વેના આકલન સંદર્ભે રાજ્ય સરકાર દ્વારા વિચારણાને અંતે રાજ્યના 20 જિલ્લાઓના 123 તાલુકાના અંદાજીત 51 લાખ હેક્ટરથી વધુ વાવેતર વિસ્તાર પૈકી સહાયના ધોરણો મુજબ અંદાજીત 37 લાખ હેક્ટર વિસ્તાર સહાયને પાત્ર થશે.

આ માટે રૂપિયા 3700 કરોડનુ સહાય પેકેજ રાજ્યના ખેડુતોને નુકસાનીમાં મદદરૂપ થવા જાહેર કર્યુ છે.જેમાં 33% અને તેથી વધુ પાક નુકશાનીના કિસ્સામાં વધુમાં વધુ 2 હેક્ટર માટે રૂપિયા 10,000 પ્રતિ હેક્ટર સહાય ચુકવવામાં આવશે. વધુમાં ખેડુત ખાતેદાર ગમે તેટલી ઓછી જમીન ધરાવતા હોય તો પણ તેઓને ઓછામાં ઓછા રૂપિયા 5,000 ચુકવવાનો નિર્ણય રાજ્ય સરકારે કર્યો છે. આ સહાય પેકેજથી રાજ્યના અંદાજીત 27 લાખ જેટલા ખેડુત ખાતેદારોને ખાતા દીઠ સહાયનો લાભ મળશે. એટલું જ નહીં, રાજ્યના અન્ય તાલુકાઓમાં પાક નુકશાનીના આકલન આવશે તો રાજ્ય સરકાર તે અંગે પણ વિચારણા કરશે.

અરજી કેવી રીતે કરશો

આ સહાય માટે ઓનલાઇન અરજી કરવા માટે તારીખ 1-10-2020 થી પોર્ટલ ખુલ્લુ મુકવામાં આવશે. જેમાં ઓનલાઇન અરજી કરવા માટેનો ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે. ખેડુતોએ નજીકના ઇ-ગ્રામ કેન્દ્ર ખાતેથી અરજી કરવાની રહેશે. અરજી અન્વયે મંજુરી પ્રક્રિયાને અંતે સહાયની રકમ સીધી જ ખેડુતના બેંક ખાતામાં ઓનલાઇનથી જમા કરવામાં આવશે તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતુ.

કૉંગ્રેસે પેકેજને છેતરપિંડી ગણાવી

કૉંગ્રેસ પ્રવકતા મનીષ દોશીએ જણાવ્યુ કે ‘સરકારે ખેડૂતો સાથે છેતરપિંડી કરી છે. જ્યા 150 ટકાથી વધુ વરસાદ પડ્યો હોય ત્યાં વિશિષ્ પ્રકારની સહાયતા કરવાનો નિયમ છે. સરકારે સર્વેમાં આટલા દિવસો વીતાવ્યા અને છેલ્લે 24 કલાકમાં સહાયતાના બદલે ઓનલાઇન અરજીની વ્યવસ્થઆ કરી અને છેલ્લે સરકાર છેતરપિંડી કરવામાં આવી છે.

સરકાર ચોવીસ કલાક 3700 કરોડ જાહેર કરવા કોંગ્રેસની માંગ – દોશી

ભાજપ સરકાર ખેડૂત વિરોધીની નિતી, કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીનું નિવેદન ખેડૂત સાથે સરકારે સર્વેના નામે નાટક કર્યું. ઉદ્યોગપતિઓ માટે કલાકોમાં હજારો કરોડ રૂપિયા માફ. ખેડૂતોને માત્ર 3700 કરોડ જાહેર તે મજાક સમાન  છે. સરકારે સ્વિકાર કર્યા કે 51 લાખ હેક્ટરમા નુકશાન થયું છે. હેક્ટર દિઠ ખેડૂતને માત્ર ૫ હજાર રૂપિયા મળશે.ભાજપ સરકારે બિયારણ , સાધનો મોંઘા થયા છે. ત્યારે સરકારે સંપૂર્ણ દેવું માફ કરવું જોઈએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *