ગુજરાતમાં ભાજપ સરકારે કેન્દ્ર સરકારના સર્વ શિક્ષા અભિયાનના નાણામાંથી મેડ ઈન ચાઇના ટેબ્લેટ ની ખરીદી કરી છે એવો આક્ષેપ કરતાં કોંગ્રેસ પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીએ જણાવ્યું કે, રાજ્યની શાળાઓમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ ની ઓનલાઇન હાજરી પુરવા માટે મેડ ઈન ચાઈના મોડેલના લીનોવો કંપનીના ટેબલેટ ખરીદવામાં આવ્યા છે. આ એક ટેબલેટની કિંમત રૂપિયા 14,500 છે.રાજ્ય સરકાર દ્વારા 40000 ટેબલેટ ખરીદવામાં આવ્યા છે. તાજેતરમાં ચાઈનીઝ ટેબલેટનું રાજ્યભરની શાળાઓમાં વિતરણ કરાયું છે.
રાજ્ય સરકારની આકરી ટીકા કરતાં તેમણે જણાવ્યું કે, દેશભરમાં ચીનની નફ્ફટાઈ સામે રોષ ભભૂકયો છે ત્યારે ગુજરાતમાં ભાજપ સરકારને જાણે ચીન પ્રત્યે પ્રેમ ઉભરાયો છે. પ્રજાને રાષ્ટ્રવાદ અને ચાઇના પ્રોડક્ટના બહિષ્કારની સુફિયાણી વાતો કરનારા ભાજપ કેમ મોટા પાયે ચાઇના પ્રોડક્ટની ખરીદી કરે છે તે સમજાતું નથી. દેશવાસીઓને સ્વદેશી અને આત્મનિર્ભર ની શીખ આપનાર ભાજપની કરણી અને કથની પ્રજા સમક્ષ ખુલ્લી પડી ગઇ છે.
કોંગ્રેસે એવી માંગ કરી છેકે, ચાઇના ટેબ્લેટ ની ખરીદી ની જવાબદારી સ્વીકારી શિક્ષણ મંત્રીએ રાજીનામું આપવું જોઈએ.