વાલીઓ માટે આવ્યા રાહતના સમાચાર, ગુજરાત સરકારે કરી ફી ઘટાડાની જાહેરાત

By | September 30, 2020

આખરે વાલીઓ માટે આજે રાહતના સમાચાર આવ્યા છે. ખાનગી સ્કૂલોના સંચાલકોના ખોળે પહેલે થી જ બેસેલી રાજ્ય સરકારે આખરે વાલીઓની 50 ટકા ફી ઘટાડાની આજીજીઓને ધરાર ફગાવી દઈ સ્કૂલ ફીમાં માત્ર 25 ટકા જ ઘટાડાનો સંચાલકોને આદેશ આપવાનું નક્કી કરી લીધું છે. આમ પણ સંચાલકોએ તો 25 ટકાથી તસુ ભાર ઘટાડો ન કરવાની અડોડાઈ રાખેલી જ હતી અને છેવટે તેમનું જ ધાર્યું આ સરકાર પાસે કરાવ્યું છે.

ખાનગી સ્કૂલોમાં માત્ર 25 ટકા જ ફી માફી આપવાનો રાજ્યની કેબિનેટ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાતના સ્કૂલ-સંચાલકો માત્ર 25 ટકા ફી માફ કરવા માટે તૈયાર થયા છે તેમજ ઈતર પ્રવૃત્તિની ફી નહીં લેવાય તેવું જણાવાયું છે. આ નિર્ણય ગુજરાત સહિત તમામ બોર્ડને, એટલે કે CBSEને પણ લાગુ થશે. ખાનગી સ્કૂલોના સંચાલકોએ જણાવ્યું કે શાળાઓમાં ઉત્તર પ્રવૃત્તિ કોમ્પ્યુટર, સ્પોર્ટ્સ, મનોરંજનની એક પણ પ્રવૃત્તિને ફી પણ શાળામાં આપવાની રહેતી નથી. સીબીએસસીથી માંડીને તમામને આ નિર્ણય લાગુ પડશે.

બીજી બાજુ રાજ્ય સરકારે સ્કૂલ ફીમાં આપેલી રાહતથી વાલીઓમાં નારાજગી જોવા મળી રહી છે. 25 ટકા રાહત આપવાના રાજ્ય સરકારે કરેલા નિર્ણયથી વાલીઓ નિરાશ થયા છે. લોકડાઉને કારણે વાલીઓને 50 ટકા ફીમાં રાહત મળે તેવી અપેક્ષા હતી. ગુજરાત સરકારે આપેલી 25 ટકા રાહતને વાલીઓએ લોલીપોપ ગણાવીને જણાવ્યું કે, સરકારે 75 ટકા ફિ વસૂલવા માટે ખાનગી શાળાને લાયસન્સ આપી દીધું. અમારી વાત સરકારે સાંભળી નથી, અમે 50 ટકા ફીમાં રાહતની અપેક્ષા કરી રહ્યા હતા.

આ વિશે શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું કે, શાળા સંચાલકોને જણાવી દીધું છે કે, આ નિર્ણય પછી કોઈપણ શિક્ષકને છુટા નહીં કરી શકાય. શાળાઓ માટે 25 ટકા ફી માફીનો નિર્ણય લેવાયો છે. જે શાળાઓએ અગાઉથી ફી લઇ લીધી છે તે 25 ટકા માફીના ધોરણે સરભર કરી આપશે. તેમજ શાળાઓ ઈત્તર પ્રવૃત્તિઓના નામે કોઈ પણ ફીને ઉઘરાવી નહિ શકે.

કોંગ્રેસના ફી મુદ્દે વિરોધ પર શિક્ષણ મંત્રીએ નિવેદન આપ્યું કે, કોંગ્રેસ શાસિત કયા રાજ્યમાં આ પ્રકારે ફી માફીની વાત કરવામાં આવી છે તે કોંગ્રેસ પહેલા બતાવે. આ નિવેદન બાદ 25 ટકા ફી માફી પર કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનું નિવેદન હાલ સામે આવી રહ્યું છે. જેમાં મનીષ દોશીએ જણાવ્યું છે કે, કોંગ્રેસે એક સત્રની ફી માફીની માંગ કરી હતી. સરકાર ખાનગી શાળાઓને ફાયદો થાય એમ વર્તી છે. કોર્ટે ફટકાર લગાવ્યા બાદ પણ સરકારે દિવસો બગાડ્યા હતા. સરકારે 25 ટકા ફી જ માફ કરી એ યોગ્ય નથી. ત્રણ વર્ષમાં દક્ષિણ ગુજરાતની શાળાઓમાં 88 ટકા ફી વધારો થયો છે. મધ્યગુજરાતની શાળાઓમાં 3 વર્ષમાં 77 ટકા ફી વધારો થયો છે. સરકાર 25 ટકાને બદલે સમગ્ર એક સત્રની ફી માફી આપે. શાળા સંચાલકોને હાલ ઓનલાઇન ખર્ચ સિવાય કોઈ ખર્ચ નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા ત્રણેક મહિનાથી સ્કૂલોની ફી માફી અંગેનો વિવાદ ચાલી રહ્યો હતો. આ મામલે 24 સપ્ટેમ્બરે ખાનગી સ્કૂલ સંચાલકો અને મુખ્યમંત્રી વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં 25 ટકા ફી માફી આપવા અંગે સ્કૂલ સંચાલકો સંમત થયા હતા. આ પહેલા ફી મામલે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણી દરમિયાન હાઇકોર્ટે કહ્યું હતું કે ફી અંગે રાજ્ય સરકાર નિર્ણય કરે, સરકાર પાસે સત્તા છે.હાઈકોર્ટે અરજીનો નિકાલ કરતા સરકારને કહ્યું કે તમે પોતાની રીતે નિષ્પક્ષ નિર્ણય લઈને ફી બાબતે પરિપત્ર જાહેર કરો.

મંગળવારે વાલી મંડળ સાથે બેઠક કરી તેમને સહાનુભૂતિપૂર્વક સાંભળવાનું નાટક કર્યા બાદ હવે સરકાર બુધવારે મળનારી કેબિનેટમાં ‘તમામ પક્ષકારોના વ્યાપક હિતમાં’ સ્કૂલોને અત્યારે 25 ટકા ફી ઘટાડો કરવાનો આદેશ આપતો ‘સંવેદનશીલ’ નિર્ણય લીધો હોવાની જાહેરાત કરે તેવી શક્યતા સૂત્રોએ વ્યક્ત કરી રહ્યા હતા અને બન્યું પણ કંઈક એવું જ..

હાઈકોર્ટમાં આખો મામલો પહોંચ્યો ત્યારથી જ વાલીઓ 50 ટકા ફી માફીની જ વાત કરતા રહ્યા છે. વાલીઓની વાત સંચાલકોને સ્વીકાર્ય નહોતી. પહેલા તો સંચાલકોએ ધરાર ફી ઘટાડાની વાતનો જ છેદ ઉડાડેલો. પછી કહ્યું, જરૂરિયાતમંદ વાલીઓની ઘટાડીશું. પછી 25 ટકાની વાત કરી અને સતત એને જ વળગી રહેલા. છેવટે તેમના ખોળે બેઠેલી સરકારે ‘સંચાલકો અમારૃં માનતા નથી, તમે જ નક્કી કરો’ના રોદણાં સાથે હાઈકોર્ટમાં આવેલી. પણ કોર્ટે સ્પષ્ટ કહી દીધેલું કે, તમે સરકાર છો, નિર્ણય તમારે જ કરવાનો છે. એટલે ના છૂટકે ફી માફીનો નિર્ણય તો લેવો જ પડે એમ હતું.

સંચાલકોને નારાજ કરવું પોસાય તેમ નહોતું આ સરકારને. નવાઈની વાત તો એ છે કે, લોકડાઉન અમલી હતું ત્યારે આ જ સરકારે સ્કૂલો બંધ રહે ત્યાં સુધી ખાનગી સ્કૂલોએ ફી વસૂલવી જ નહીં તેવો નિર્ણય કર્યો હતો. અને સંચાલકોએ આને હાઈકોર્ટમાં પડકારતા આખો મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. દેખીતી રીતે જ સંચાલકો નારાજ થાય તેવો કોઈ નિર્ણય આ સરકાર કરવા નહોતી માગતી એ પહેલેથી જ સ્પષ્ટ હતું.

સરકાર અને વાલી મંડળ વચ્ચે મંગળવારે બેઠક યોજાવાની હોવાની સમાચાર વહેતાં થતાં સાતથી આઠ મંડળના પ્રતિનિધિઓ ગાંધીનગર પહોચી ગયા હતા. પરંતુ તેમાંથી માત્ર 4 મંડળના જ પ્રતિનિધિઓને એન્ટ્રી મળતાં વિવાદ થયો હતો. જેમાં આક્ષેપો થયા હતા કે, સરકાર મનફાવે તેવો નિર્ણય લેવામાં સફળ રહે અને કોઈ વધુ વિરોધ ના કરે તેના માટે પસંદગીના મંડળો સાથે જ ચર્ચા કરી હતી. નિષ્ણાંતોનું માનવુ છે કે, બેઠકમાં હાજર રહેવા માટે આવેલા તમામ વાલી મંડળના પ્રતિનિધિઓને સરકારે સાંભળવા જોઈતા હતાં.

અમદાવાદ સહિત રાજ્યની ખાનગી સ્કૂલોના સંચાલકો તેમનો સૌથી મોટો ખર્ચ શિક્ષકો સહિતના સ્ટાફના ખર્ચમાં દર્શાવે છે. ચાલુ વર્ષે સંપૂર્ણ ફી વસૂલવા માટે પણ શિક્ષકોના પગારનો મુદ્દો સંચાલકોએ રજૂ કર્યો હતો. પરંતુ વાસ્તવિક્તા એ છે કે, શિક્ષકોને કાગળ પર અપાતો પગાર અને વાસ્તવિક પગાર વચ્ચે મોટું અંતર હોય છે. આ સિવાય લોકડાઉનમાં અનેક શિક્ષકોના પગાર કાપવા ઉપરાંત નોકરીમાંથી છુટા પણ કરી દેવામાં આવ્યાં છે, જેની રાજ્યભરમાં ફરિયાદો ઉઠી હતી

એટલુ જ નહી આ મુદ્દે વિચારણા કરવામાં આવશે તેવી સરકારે પણ ખાતરી આપી હતી. પરંતુ અત્યાર સુધી ખાનગી સ્કૂલોના શિક્ષકોના પગાર અને નોકરીમાંથી છૂટા કરેલા શિક્ષકોના રક્ષણ અંગે સરકારે મગનું નામ મરી પાડયું નથી. જેથી હવે કેબિનેટની બેઠકમાં ખાનગી સ્કૂલના શિક્ષકોના રક્ષણ અંગે સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવાશે કે પછી આ મુદ્દાનો હંમેશની માફક છેદ ઉડાડી દેવાશે ? તેવા સવાલો ઊઠયાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *