હાલ ગુજરાતના અમદાવાદ શહેરમાં કોરોનાના પોઝિટિવ કેસોની સંખ્યા ઘટી રહી છે, આમ છતાં કોવિડ કેર સેન્ટર તરીકે જાહેર કરવામાં આવેલી ખાનગી હોસ્પિટલોમાં સામાન્ય રોગ કે હૃદયરોગની સારવાર માટે દાખલ થયેલા દર્દીનો જો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવે તો તેને તત્કાળ હોસ્પિટલમાંથી તગેડી મૂકવામાં આવે છે. અથવા જો એ જ હોસ્પિટલમાં કોરોનાની સારવાર લેવી હોય તો હોસ્પિટલના જ વોર્ડમાં દાખલ કરી તોતિંગ ફી વસુલવામાં આવે છે.
દર્દીઓને હોસ્પિટલ દ્વારા મ્યુનિ. કોર્પોરેશનના બેડમાં મફત સારવાર આપવાનો ધરાર ઇનકાર કરવામાં આવે છે. એક માસમાં આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં કોવિડ કેર તરીકે જાહેર કરાયેલી ખાનગી હોસ્પિટલો રીતસર લૂંટ ચલાવી રહી છે. આ હોસ્પિટલની લૂંટના કિસ્સાઓ જાણવા જેવા છે.
જો કોઈ દર્દી હાથપગમાં ઈજા થતાં કે પછી પેટમાં દુખાવો કે, શરીરના કોઈ ભાગ કે પેશાબમાં ઇન્ફેક્શન થયું હોય કે પથરીનો દુઃખાવો ઊપડયો હોય અથવા તે હૃદયરોગ પૈકી છાતીમાં દુખાવો થયો હોય અથવા હાર્ટએટેક આવ્યો હોય તો નજીકની હોસ્પિટલ કે, પછી તેઓ જે ડોક્ટર પાસે સારવાર કરાવતા હોય તે ડોક્ટર જ્યાં સંલગ્ન હોય તેવી ખાનગી હોસ્પિટલમાં દાખલ થાય છે.
દર્દી દાખલ થતાં જ બીજા બધા રોગના ટેસ્ટ બાજુએ રાખીને સૌ પ્રથમ તેનો કોરોના ટેસ્ટ કરવામાં આવે છે. જો આ ટેસ્ટ પોઝિટિવ આવે તો તેને તુરંત હોસ્ટિપલ છોડી જવાનું કહેવામાં આવે છે અને જો ખમતીધર હોય તો હોસ્પિટલની મ્યુનિ. વોર્ડની પથારીમાં દાખલ થવાની ફરજ પાડી સારવારનું પેકેજ કેટલા લાખ રૂપિયાનું છે તેની જાણ કરવામાં આવે છે. મ્યુનિ. કોર્પોરેટરો તંત્ર સમક્ષ રજૂઆતો કરીને થાકી ગયા છે છતાંયે કોઈ ઉકેલ આવતો નથી.
આવા કેટલાક કિસ્સામાં લાગવગના સૂત્રો મળી જાય તો દર્દી લાખ રૂ.થી તોબા થઈ ડિસ્ચાર્જ મેળવી મ્યુનિ. હોસ્પિટલમાં દાખલ થવામાં સફળતા મેળવે છે. પરંતુ મૂળ વાત સમજવા જેવી છે કે, પૈસાના જોરે સારવાર મેળવીને પછી હવે વધુ બોજ ઉઠાવી શકીએ તેમ નથી તેવું રટણ કરનારા દર્દીઓએ સમજી લેવું પડશે કે, કોરોનાની સારવાર માટે મ્યુનિ. હોસ્પિટલો શ્રેષ્ઠ છે.
ગરીબ દર્દીને મ્યુ.કમિશનર પાસે જવાની સુફિયાણી સલાહ
જો દર્દી ખમતીધર ન હોય અને તે આ જ હોસ્પિટલમાંના કોવિડ કેર સેન્ટરમાં મફત સારવાર માટે દાખલ કરવાનું કહે તો અમે આ રીતે સારવાર આપી ના શકીએ, જાવ મ્યુનિ.ની હોસ્પિટલમાં તેમ કહી ના પાડે છે. કોઈ ડોક્ટર મ્યુનિ. કમિશનર કે કોઈ રાજકારણીનો ફોન કરાવો તો તમને આ હોસ્પિટલમાંના કોવિડ કેર સેન્ટરમાં દાખલ કરી મફત સારવાર મળી શકશે તેવી સલાહ આપે છે. બિચારા ગરીબ દર્દીઓ કમિશનર પાસે કેવી રીતે અને કોની લાગવગથી જાય. અંતે તે તગડી ફીની લૂંટનો શિકાર બને છે અથવા ડિસ્ચાર્જ લઈ એસવીપી હોસ્પિટલમાંથી જ્યાં મોકલાય ત્યાં દાખલ થાય છે.
હોટેલમાં દાખલ થયા પછી છૂટવા દર્દીના ધમપછાડા
પૈસે ટકે સુખી સમૃદ્ધ એવા પરિવારના સભ્યનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવે તો તે થ્રી સ્ટાર, ફાઇવ સ્ટાર જેવી ખાનગી હોસ્પિટલમાં દાખલ થાય છે. પરંતુ લાખો રૂપિયાની ફી નહીં પોષાતા દર્દી તગડી ફીમાંથી મુક્તિ મેળવવા ખાનગી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ લઈ મ્યુનિ. હોસ્પિટલમાં દાખલ થવા કાં લાગવગ શોધે છે કાં ધમપછાડા કરે છે.
પરંતુ પેલી ખાનગી હોસ્પિટલ ડિસ્ચાર્જ આપવા જાતજાતના બહાના કાઢી ના પાડે છે. એમાંયે દર્દી વેન્ટિલેટર ઉપર હોય તો સ્પષ્ટ ના પાડે છે કેમ કે, હોસ્પિટલને લાખો રૂપિયાની કમાણી જતી કરવી પડે છે. આ સ્થિતિમાં દર્દી માટે જાયે તો કહાં જાયે જેવી સ્થિતિ સર્જાય છે.