કોંગી ધારાસભ્યોની બળવાખોરીથી ગુજરાત વિધાનસભામાં ખાલી પડેલી બેઠકો પર આગામી સમયમાં પેટાચૂંટણી યોજાઈ શકે છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ દ્વારા અત્યારથી જ આ બેઠકો પર જીત મેળવવા માટે તૈયારીઓ શરુ થઇ ગઈ છે. કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે અચાનક મોરબીની મુલાકાત લેતા રાજકારણ ગરમાયું હતું. કોંગ્રેસમાં હાર્દિકને ચૂંટણી લડાવવા અંગે અવારનવાર અટકળો લગાવવામાં આવે છે. જો કે હાર્દિકે સ્પષ્ટ કર્યું કે, તે પેટાચૂંટણી નહિ લડે.
મોરબી-માળીયાના કોંગ્રેસી ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજયસભા ચૂંટણી સમયે રાજીનામું આપીને ભાજપમાં જોડાતા આ બેઠક ખાલી થઈ ગઈ છે. હવે આ બેઠક ઉપર પેટા ચુંટણીમાં જીત મેળવવા માટે ‘પાસ’ના આગેવાનો સક્રિય થયા છે.
આજે મોરબીની મુલાકાતે આવેલા હાર્દિક પટેલે બ્રિજેશ મેરજા પર આકરા પ્રહારો કર્યા હતા. તેઓ રાજ્યસભા ચૂંટણીમાં કરોડો રૂપિયામાં વેચાઈ ગયા હોવાનો આરોપ લગાવ્યો હતો. આ સાથે જ હાર્દિકે મોરબી બેઠક 15 હજાર મતોથી જીતવા માટેનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય કે, ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો પર ગત મહિને યોજાયેલી ચૂંટણી પહેલા કોંગ્રેસના 8 ધારાસભ્યોએ પાર્ટી વિધાનસભામાં પોતાના સભ્યપદ ઉપરથી રાજીનામું આપી દીધુ હતું. જેને પગલે આગામી સપ્ટેમ્બર 2020 સુધી આ 8 બેઠકો પર પેટાચૂંટણી યોજાઈ શકે છે. જેમાં કચ્છની અબડાસા, સૌરાષ્ટ્રથી ધારી, મોરબી, લીંમડી, મધ્ય ગુજરાતથી કરજણ અને દક્ષિણ ગુજરાતની કપરાડા અને ડાંગ બેઠક સામેલ છે.