પોલીસ ખોટી રીતે હેરાન કરે તો કરો એક કામ, અધિકારીઓ થશે દોડતા

By | July 27, 2020

પોલીસે અસામાજિક તત્વો સાથે કડકાઈભર્યો અને નાગરિકો સાથે સંવેદનાભર્યો વ્યવહાર કરવો જોઈએ; પરંતુ વિપરિત સ્થિતિ જોવા મળે છે; અસામાજિક તત્વો સાથે સારું વર્તન અને નાગરિકો સાથે ઉધ્તાઈ ! લોકડાઉનનો ભંગ કરનાર, માસ્ક નહીં પહેરનાર લોકોને પોલીસે ઊઠબેઠ કરાવી હોય, ડંડાથી માર માર્યો હોય, ગંદી ગાળો આપી હોય તેવા અનેક કિસ્સાઓ બન્યા. કેટલાંક વીડિયો પણ સોશિયલ મીડિયામાં ફરે છે. શું પોલીસ અસભ્ય વર્તન વિના લોકો પાસે નિયમોનું પાલન ન કરાવી શકે? બિલકુલ કરાવી શકે. IPS અધિકારી આર. બી. શ્રીકુમાર ખેડા, ભાવનગર, અમરેલી SP હતા ત્યારે તેના નામથી ગુંડાઓ ધ્રૂજતા હતા અને નાગરિકો સાથે એકદમ વિવેકી વર્તન રાખતા હતા.

DGP તરીકે નિવૃત થયા ત્યાં સુધી તેમણે આ નિયમ જાળવ્યો હતો. તેઓ પોલીસની ફ્યુડલ સીસ્ટમના વિરોધી હતા. પોતાની સામેની ચેરમાં કોન્સ્ટેબલને બેસાડીને તેમની સાથે માનવીય વ્યવહાર કરતા. ગુજરાતમાં, નાના કર્મચારીઓ સાથે સૌજન્યભર્યો વ્યવહાર કરનાર તે એક માત્ર પોલીસ અધિકારી હતા !

પોલીસ અઠંગ ગુનેગાર સાથે કડકાઈભર્યું વર્તન કરે; તેવું વર્તન નાગરિકો સાથે કરી શકે નહીં. મોટો પ્રશ્ન એ છે કે પોલીસ લોકોનું અપમાન કેમ કરે છે? સભ્ય વર્તન કરે તો વાંધો શું? પોલીસના નાના અધિકારીઓ, કર્મચારીઓ સાથે ઉપરી અધિકારીઓ અપમાનિત ભાષામાં વાત કરતા હોય છે. SP PSI/PIને જે અપમાનજનક શબ્દો કહે છે; તે શબ્દો વધુ તીવ્રતા સાથે PI/PSI કોન્સ્ટેબલ લોકોને કહે છે. બીજા કારણોમાં પોલીસના નાના કર્મચારીઓ બંદોબસ્ત મૂકાય છે; તેનો ફિક્સ પગાર હોય છે; પરંતુ કામના કલાકો ફિક્સ નથી હોતા ! કંટાળેલા પોલીસ સાથે જીભાજોડીમાં ઊતરનારને પોલીસ અચૂક ધમકાવે, ગંદા શબ્દો કહે, મારપીટ કરે. પોલીસની તાલીમ જ એવી હોય છે કે એમની સંવેદનાઓ બૂઠી થઈ જાય ! પોલીસ તાલીમ અને પોલીસ માળખામાં ફેરફાર કરવાની ભલામણો ‘નેશનલ પોલીસ કમિશને’ કરી છે; જે તેમના 8 અહેવાલોમાં ધૂળ ખાય છે ! પોલીસનું માળખું સામંતી-ફ્યુડલ છે; પોલીસ સાથે લપ કરનારની સાથે પોલીસ સારો વ્યવહાર કરશે; તેવી આશા રાખનારને સહન કરવું પડે છે. પોલીસનો પગાર લોકોના ટેક્સના પૈસાથી ચૂકવાય છે; એટલે કોઈ પોલીસને કહે કે તમે અમારા નોકર છો; તો પોલીસને તે ગમતું નથી. ટૂંકમાં પોલીસ સાથે જીભાજોડી કરનારને કશોય ફાયદો થતો નથી.

પોલીસના ગેરવર્તનનો ઉપાય શો? પોલીસ ડ્યુટી ઉપર હોય ત્યારે તે સ્ટ્રેસમાં છે કે નહીં; તે જાણી શકાતું નથી. ઉત્તમ રસ્તો એ છે કે કોઈ પોલીસ સાથે જીભાજોડીમાં ઊતરવું નહીં. પોલીસ ‘ફરજમાં રુકાવટ’ માટે તમને લોકઅપમાં મૂકી શકે છે. સરળ રસ્તો એ છે કે પોલીસના ગેરવર્તન માટે તેમના ઉપરી અધિકારીને ફરિયાદ કરવી; ઉપરી અધિકારી ન સાંભળે તો ‘ગુજરાત સ્ટેટ પોલીસ કમ્પ્લેઈન્ટસ ઓથોરિટી’, કર્મયોગી ભવન, બ્લોક નં.-1, છઠ્ઠો માળ, ગાંધીનગરને [ email ID : so-spca-home@gujarat.gov.in ] લેખિત ફરિયાદ કરવી. ગંભીર બાબતમાં ‘ગુજરાત સ્ટેટ હ્યુમન રાઈટ કમિશન’, બ્લોક નં.- 1, 4/5 મો માળ, કર્મયોગી ભવન, સેક્ટર-10/A, ગાંધીનગરને [ email ID : ds-hurc@gujarat.gov.in ] લેખિત ફરિયાદ કરી શકાય. અતિ ગંભીર બાબતમાં હાઈકોર્ટ સમક્ષ પીટિશન થઈ શકે; જો કે તેમાં અતિ ખર્ચ થાય છે. પ્રશ્ન એ છે કે પોલીસની ભરતી માટે રાતદિવસ તૈયારી કરનાર યુવાનોને ‘લોકસેવા’નો ધ્યેય હોય છે કે ‘પાવર એન્જોઈ’ કરવાનો? શું આર. બી. શ્રીકુમાર જેવી માનસિકતા ધરાવનાર યુવાનો જ પોલીસ માટે પસંદ થાય તેવી કોઈ સીસ્ટમ ઊભી ન થઈ શકે?

– રમેશ સવાણી (નિવૃત IPS)

2 thoughts on “પોલીસ ખોટી રીતે હેરાન કરે તો કરો એક કામ, અધિકારીઓ થશે દોડતા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *