કોરોનામાં દર્દીઓને તાત્કાલિક અને અસરકારક સારવાર મળી રહે એ માટે ખાનગી હોસ્પિટલને કોરોના વાયરસની ટ્રિટમેન્ટ માટે મંજૂરી આપવામાં આવી છે. આ ઉપરાંત ટેસ્ટ માટે પણ પરવાનગી આપી છે. આ માટે રાજ્ય સરકાર દ્વારા દર પણ નક્કી કરવામાં આવ્યાં છે છતાં ખાનગી હોસ્પિટલ મહામારીના કાળમાં સારવારના નામે લૂંટ ચલાવી રહી છે.
રાજકોટમાં કોરોનાના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે, એવામાં હોસ્પિટલ વાળા દર્દીઓ સામે બેફામ લૂંટી રહ્યા છે. રાજકોટની નિલકંઠ હોસ્પિટલનો એક આવો જ કિસ્સો સામે આવ્યો છે. જ્યાં હોસ્પિટલે દર્દીને મનફાવે એવું બિલ પકડાવ્યું છે.
નિલકંઠ હોસ્પિટલે માત્ર લેબ ટેસ્ટનું બિલ રૂ.1 લાખ સહિત રૂ.4 લાખનું બિલ ફટકાર્યું હતું. રૂમ ચાર્જીસ 2 લાખ 66 હજાર કરતા વધુ આપવામાં આવ્યો છે. આરોગ્ય શાખાના પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે, મામલો સામે આવ્યા બાત તપાસ કમિટી ચેકિંગ કરી રહી છે. અધ્યક્ષ કમિટીના પ્રાંત અધિકારી સિદ્ધાર્થ ગઢવીએ જણાવ્યું હતું કે, આ કેસમાં એક કમિટીને તપાસ સોંપવામાં આવી છે. પહેલા દર્દીને સાંભળવામાં આવશે પછી હોસ્પિટલના પદાધિકારીઓને પૂછપરછ કરવામાં આવશે. જો કે હજુ સુધી દર્દીના પરિવાર તરફથી કોઇપણ પ્રકારની ફરિયાદ નોંધવામાં આવી નથી.
ખાનગી હોસ્પિટલમાં સારવારના નક્કી કરેલા દર કરતા વધારે પૈસા લેવાતા હોવાની ફરિયાદ આવતા રાજકોટના ક્લેકટર રૈમ્યા મોહને એક ખાસ ટીમ તૈયાર કરી હતી. આ ઉપરાંત ક્લેક્ટરની આ ટીમ, ડૉ.પી.સિંઘ, ડૉ.પટેલ, ડૉ.પિપળીયા સહિતના તબોબની ટીમે નિલકંઠ હોસ્પિટલમાં સરપ્રાઈઝ ચેકિંગ કર્યું હતું. દર્દીના સ્વજનો સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે, હોસ્પિટલે 108950 રૂ. માત્ર ટેસ્ટ પેટે વસૂલ કર્યા હતા. જ્યારે કુલ બિલ રૂ.4 લાખનું ફટકાર્યું હતું. ટેસ્ટ જોતા ખ્યાલ આવ્યો કે જે ટેસ્ટ એક સપ્તાહે અથવા તો 10 દિવસ બાદ કરવાના હોય તે ટેસ્ટ રોજ કરવામાં આવ્યા છે. એટલું જ નહીં ટેસ્ટિંગ લેબનું બિલ આપવાના બદલે એક ચિઠ્ઠીમાં બિલ આપી દીધું.
દર્દીના પુત્રએ જણાવ્યું હતું કે, ટીમની તપાસ બાદ પણ હોસ્પિટલ બિલ માંગી રહી છે. બિલ નહીં ભરે તો દર્દીને ડિસ્ચાર્જ નહીં કરે. એવી ધમકી પણ આપવામાં આવી હતી. અંતે દર્દીની તબિયતને ધ્યાનમાં રાખીને 4 લાખ રૂપિયા ભર્યા હતા.