કોરોના વાઇરસથી સ્વસ્થ થવામાં સામાન્ય દર્દીને કેટલો સમય લાગે છે? હૉસ્પિટલમાં કેટલા દિવસ રહેવું પડે? જાણો સમગ્ર માહિતી

By | October 3, 2020

ભારતમાં કોરોના વાઇરસનો મરણાંક એક લાખને પાર કરી ગયો છે અને ગુજરાતમાં હાલના સમય કોરોના વાઇરસના કેસની સંખ્યા દિવસેદિવસે વધી રહી છે. જોકે, દેશમાં અનલૉક-5ની જાહેરાત કરવામાં આવી છે અને ગુજરાતમાં ઘણીબધી છૂટછાટ પણ આપવામાં આવી છે.

ગુજરાતમાં પેટાચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે અને પક્ષોએ તેમની મેળે પ્રચાર પણ શરૂ કરી દીધો છે પણ કોરોના વાઇરસનો કેર યથાવત્ છે.

આગામી દિવસોમાં નવરાત્રિ અને દિવાળી આવી રહી છે અને રાજ્ય સરકારે સરકાર તરફથી ઉજવાતો ‘નવરાત્રિ મહોત્સવ’ નહીં ઉજવવાનો નિર્ણય કર્યો છે.

શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં ગુજરાતમાં રાજ્યના આરોગ્ય અને પરિવારકલ્યાણ વિભાગના જણાવ્યા અનુસાર, રાજ્યમાં કુલ 1,19,815 દર્દીઓ કોરોના વાઇરસથી સાજા થયા છે અને તેમને રજા આપવામાં આવી છે.

શરૂઆત કરતાં હાલના સમયમાં રાજ્યમાં કોરોનાથી સાજા થનારા દર્દઓની સંખ્યા વધી છે.

તાજેતરમાં કૉંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીને હૉસ્પિટલમાંથી રજા અપાઈ છે. ભરતસિંહ સોલંકી 101 દિવસ પછી કોરોના વાઇરસને હરાવીને ઘરે પરત ફર્યા છે.

એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે ભરતસિંહ સોલંકી ‘એશિયામાં સૌથી લાંબા સમય’ સુધી કોરોનાની સારવાર માટે હૉસ્પિટલમાં રહ્યા હતા.

ત્યારે લોકોમાં સવાલ એ પણ થઈ રહ્યો છે કે આખરે કોરોના વાઇરસની સારવાર માટે હૉસ્પિટલમાં કેટલા દિવસ રહેવું પડે છે.

જોકે એવું નથી કે બધા દર્દીઓને લાંબા સમય સુધી કોરોનાની સારવાર માટે હૉસ્પિટલમાં રહેવું પડતું હોય છે.

ડૉક્ટરોના જણાવ્યા અનુસાર, દર્દીનું શરીર, તેનાં લક્ષણ, કોઈ અન્ય રોગ છે કે નહીં એ વગેરે બાબતો તેની સારવારના દિવસો પર નિર્ભર કરે છે.

દર્દી કેટલા સમય પહેલાં બીમાર થયા હતા અને તેઓ કેટલા ગંભીર રીતે બીમાર હતા, તેમને અન્ય કોઈ બીમારી હતી કે નહીં એનો પણ મોટો આધાર હોય છે.

દર્દીને આઈસીયુમાં ક્યારે રાખવા પડે?

શરૂઆતમાં અમદાવાદના ખાડિયાના કૉંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હતો અને તેમને અમદાવાદની સરદાર વલ્લભભાઈ પટેલ (એસવીપી) કોવિડ હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા, તેઓને 14 દિવસની સારવાર બાદ રજા આપી દેવામાં આવી હતી.

તો ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલાને 10 દિવસ, ગુજરાત ભાજપના પ્રવક્તા ભરત પંડ્યાને 14 દિવસ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલને 10 દિવસની સારવાર બાદ હૉસ્પિટલમાં રજા આપવામાં આવી હતી.

વિશ્વ આરોગ્ય સંસ્થાના અંદાજ અનુસાર 20માંથી એક દર્દીને આઈસીયુમાં રાખવાની જરૂર પડી શકે છે અને તેમાં ગંભીર હોય તેને વૅન્ટિલેટર પર રાખવા પડી શકે છે.

આઈસીયુ (ઇન્ટેન્સિવ કૅર યુનિટ)માં રાખવામાં આવે ત્યારે ગમે તેવી બીમારી હોય, બહાર આવતા થોડો સમય લાગતો હોય છે. દર્દીને ઘરે મોકલતા પહેલાં આઈસીયુ બહાર સામાન્ય વૉર્ડમાં રાખવા પડતા હોય છે.

ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ અનુસાર ભરતસિંહ સોલંકીને 51 દિવસ વૅન્ટિલેટર સપોર્ટ પર રાખવામાં આવ્યા હતા.

અમદાવાદની સિમ્સ હૉસ્પિટલના ડૉક્ટર ધવલ નાયક કહે છે કે “અમુક દર્દીઓની સ્થિતિ બહુ ખરાબ હોય, એનું ઓક્સિજન લેવલ વગેરે ઓછું થઈ ગયું હોય એવા સંજોગમાં આઈસીયુમાં લેવા પડે છે. જો એક વાર દર્દીને આઈસીયુમાં લેવામાં આવે પછી એ કેટલાક દિવસે સાજા થાય એનું કોઈ નક્કી હોતું નથી.”

“એ બાબત હૉસ્પિટલમાં ડૉક્ટરની ટીમ, દર્દીની સ્થિતિ, શરીર વગેરે પર નિર્ભર કરે છે.”

અમદાવાદની સિવિલ હૉસ્પિટલના પૂર્વ સુપરિન્ટેન્ડેન્ટ અને હાલમાં કોર ટીમના સભ્ય ડૉ. એમ.એમ. પ્રભાકર બીબીસી સાથેની વાતચીતમાં કહે કે કેટલાક દર્દીઓને ઓક્સિજનની સમસ્યા હોય તો તેમને લાંબા સમયે માટે વૅન્ટિલેટર પર રાખવા પડતા હોય છે. અમારે ત્યાં સિવિલમાં એક દર્દીને 40 દિવસ પછી રજા આપવામાં આવી હતી.

દર્દીની સ્થિતિ પ્રમાણે સાજા થવાનો આધાર

કેટલાક સામાન્ય દર્દીઓ ચાર-પાંચ દિવસમાં સાજા થઈ જતા હોય છે, કેટલાકને વધુ દિવસ લાગતાં હોય છે અને કેટલાક આ બીમારીથી સાજા થયા પછી પણ કોરોના વાઇરસના શિકાર બનતા હોય છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાના ચીનના આંકડાના વિશ્લેષણ અનુસાર, દર્દીને સાજા થવામાં સરેરાશ બે અઠવાડિયાંનો સમય લાગે છે.

બીબીસીના આરોગ્ય અને વિજ્ઞાન સંવાદદાતા જેમ્સ ગૅલેઘર અનુસાર, આ બીમારીમાં મોટા ભાગના લોકોને માત્ર મુખ્ય લક્ષણ એટલે કે શરદી અને તાવ આવવો તે જ દેખાય છે.

સાથે શરીર દુખવું, થાક લાગવો, ગળું ખરાબ થઈ જવું અને માથું દુખવું તેવાં લક્ષણો પણ છે.

શરૂઆતમાં ખાંસી સૂકી હોય છે, પણ પછી કફમાં વાઇરસના કારણે મરી ગયેલા સેલ્સ પણ નીકળવા લાગે ત્યારે તેમાં પરુ જેવું પણ નીકળવા લાગે છે.

આવાં લક્ષણો દેખાય ત્યારે આરામ કરવાની સલાહ અપાય છે. તેમજ ખૂબ પાણી પીવા અને દુખાવામાં રાહત માટે પૅરાસિટામોલ અપાય છે.

હળવાં લક્ષણો દેખાયાં હોય તેવા દર્દીઓ બહુ ઝડપથી સાજા થઈ જતા હોય છે.

એકાદ અઠવાડિયામાં તાવ જતો રહે છે, પણ કફ થોડો સમય વધારે રહે છે.

દર્દીને કેટલો સમય હૉસ્પિટલમાં રહેવું પડે?

ગાંધીનગરસ્થિત ‘ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ પબ્લિક હેલ્થ’ના ડિરેક્ટર ડૉ. દિલીપ માવળંકર કહે છે કે સામાન્ય રીતે કોરોનાના દર્દીઓને 10 દિવસથી 14 દિવસ સુધી હૉસ્પિટલમાં રહેવું પડતું હોય છે.

બીબીસી સાથે વાત કરતાં તેઓ કહે છે કે “પણ કેટલીક વાર દર્દી અગાઉ હોમ આઇસોલેશનમાં રહ્યા હોય અને વધુ તકલીફ થતા હૉસ્પિટલમાં આવતા હોય, આવા સંજોગોમાં તેમને જો સંપૂર્ણ સારું થઈ જાય તો બે-ત્રણ દિવસમાં રજા મળી જતી હોય છે. પણ તેમને ઘરે ક્વૉરેન્ટીનમાં રહેવું પડે છે.”

તો અમદાવાદની સિમ્સ હૉસ્પિટલના ડૉક્ટર ધવલ નાયક કહે પણ કહે છે કે દર્દીની સ્થિતિ પર ઘણો આધાર હોય છે.

બીબીસી સાથેની વાતમાં તેઓ કહે છે, “કોરોના વાઇરસના સંક્રમણના કેસમાં ઘણા લોકો ઍસિમ્પ્ટોમેટિક હોય છે, તો ઘણા લોકોને ખબર નથી હોતી કે તેઓને કોરોના છે. જે ઍસિમ્પ્ટોમેટિક દર્દીઓ હોય એમને હોમ ક્વૉરેન્ટીનની સલાહ આપવામાં આવે છે અને તેમને સપોર્ટિંગ ટ્રીટમેન્ટ વિટામિન વગેરે આપવામાં આવે છે.”

તેઓ કહે છે, “જો દર્દીને વધુ તકલીફ હોય તો તેમને પાંચથી સાત દિવસ સુધી હૉસ્પિટલમાં રાખવામાં આવે છે. જેમને ઇંજેક્શન વગેરે આપવાની જરૂર લાગે તો અલગઅલગ ઇંજેક્શન આપવામાં આવે છે.”

અમદાવાદની સિવિલ હૉસ્પિટલના પૂર્વ સુપરિન્ટેન્ડેન્ટ અને હાલમાં કોર ટીમના સભ્ય ડૉ. એમ.એમ. પ્રભાકર કહે છે કે દસથી વીસ દિવસમાં મોટા ભાગે દર્દીઓ સાજા થઈ જતા હોય છે.

દર્દીની સારવાર મામલે ડૉ. દિલીપ માવળંકર કહે છે, “પહેલાં ઍન્ટિબાયોટિક અને ઍન્ટિ-વાઇરલ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. પહેલા તબક્કામાં વાઇરસ મારી નાખવા કે વાઇરસ ઓછો કરવાની દવા આપવામાં આવે છે. બીજા તબક્કામાં રોગપ્રતિકાર શક્તિથી થતા નુકસાનને ઓછું કરવા માટેની દવા આપવામાં આવે છે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *