કોરોનાની સારવારમાં રાહતરૂપ એવું મા અમૃતમ કાર્ડ બંધ થઇ ગયું? જાણો હકીકત

By | October 15, 2020

ગુજરાતમાં વૈશ્વિક મહામારી કોરોના વાયરસના સંક્રમિત દર્દીઓની સંખ્યામાં દિવસે-દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે હવે રાજ્યમાં મા કાર્ડ બંધ થયા હોવાની વાતો વહેતી થતા ભારે હોબાળો મચ્યો છે. માહિતી મુજબ ટોલ ફ્રી નંબર પર દર્દીઓને ગેરસમજ આપવામાં આવી છે કે મા કાર્ડને બદલે આયુષ્માન કાર્ડ ચાલશે એમ કહેવામાં આવી રહ્યું છે.

કોરોના મહામારી વચ્ચે એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. રાજ્યમાં મા કાર્ડ બંધ થયા હોવાની વાતો વહેતી થઈ. મા કાર્ડને બદલે આયુષ્યમાન કાર્ડ ચાલશે એમ ટોલ ફ્રી નંબર પર દર્દીઓને ગેરસમજ આપવામાં આવી છે. આ સમગ્ર ઘટના અંગે જાણ થતા આખરે આરોગ્યમંત્રીએ સ્પષ્ટતા કરવી પડી કે મા કાર્ડ બંધ થયું નથી અને બંને કાર્ડ પર દર્દીઓને સારવાર મળશે. ટોલ ફ્રી નંબર પર દર્દીઓને અધુરી માહિતી અપાતા આરોગ્યમંત્રી કુમાર કાનાણીએ આ સ્પષ્ટતા કરી.

મા અમૃતમ કાર્ડ બંધ થયું હોવાની વાત વહેતી થયા બાદ રાજ્યભરમાં હોસ્પિટલની બહાર મા અમૃતમ કાર્ડ ધરાવતા દર્દીઓની લાંબી લાઈનો લાગી હતી. દર્દીઓ મા કાર્ડને આયુષ્માન કાર્ડમાં ટ્રાન્સફર કરાવવા માટે લાઈનમાં લાગ્યા હતા. દિવસ દરમિયાન કાર્ડ બંધ થઇ રહ્યું હોવાની ગેરસમજના કારણે ઉભા થયેલા વિવાદની રજૂઆતો ગાંધીનગર સુધી પહોંચી હતી. જેને લઇને આરોગ્ય કમિશનર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મા અમૃતમ કાર્ડ બંધ થયું નથી.

પહેલાની જેમ જ સુવિધા મળશેઃ આરોગ્ય કમિશનર
ગેરસમજ ઉભી થયા બાદ રાજયના આરોગ્ય કમિશ્નર જયપ્રકાશ શિવહરે એ જણાવ્યુ છે કે, મા અમૃત્તમ કાર્ડની યોજના બંધ નહી થાય. સોશિયલ મીડિયાના માધ્યમ દ્વારા ‘મા અમૃતમ કાર્ડ’ બંધ થાય છે એવા મેસેજ વાયરલ થયા છે એ મેસેજ તદ્દન સત્યથી વેગળા છે. એટલે નાગરિકોએ આ મેસેજ સંદર્ભે ગેરમાર્ગે ન દોરવાવવા રાજય સરકાર દ્વારા અનુરોધ કરાયો છે.

સંદેશ ન્યૂઝ સાથે ટેલિફોનિક વાત કરતા આરોગ્યમંત્રીએ કહ્યું કે,‘અમારી પાસે જે ફરિયાદ આવી તેમાં કહ્યું કે જે ટ્રોલ ફ્રી નંબર છે તેના પર કોલ કરવાથી અથવા તો હોસ્પિટલ પર કોઈ કાર્ડ લઈને ગયું હોય તો ત્યાંથી એમને એ માહિતી આપવામાં આવી કે મા કાર્ડ હવે બંધ થઈ ગયું છે. એટલા માટે આ જે ગેરસમજ થઈ અને આ ગેરસમજને દૂર કરવા માટે આ સ્પષ્ટતા કરવામાં આવી છે.’ માહિતી મુજબ આ ગેરસમજ બાદ કેટલાક દર્દીઓને ડાયાલીસીસ રોકડેથી કરાવવાની ફરજ પડી હતી.

બીજી તરફ, આ ગેરસમજ દૂર થતા દર્દીઓ એકાએક કાર્ડ કાઢાવવા દોડ્યા હતા. આરોગ્ય મંત્રી કાનાણીએ જણાવ્યું કે મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડ બંને આરોગ્ય લક્ષી યોજનાના સોફ્ટવેયર અલગ-અલગ હતા. ત્યારે હવે બંનેના સોફ્ટવેયર અપગ્રેડ કરીને એક કરી રહ્યા છીએ. એટલા માટે આ ગેરસમજ ઉભી થઈ છે. આરોગ્યમંત્રીએ કહ્યું કે મા કાર્ડ બંધ થયું નથી. એટલે લોકોએ ચિંતા કરવાની કે હેરાન થવાની જરૂર નથી. આરોગ્યમંત્રીએ કહ્યું કે મા કાર્ડ અને આયુષ્યમાન કાર્ડના લાભાર્થીઓને યોજના મુજબ લાભ મળશે.

દર્દીની સારવારમાં વિલંબ ન થાય તે માટે સૂચના આપી દેવાઈ
તેમણે ઉમેર્યુ કે,મુખ્યમંત્રી ‘મા અમૃતમ’/‘મા વાત્સલ્ય’ યોજનાના સોફ્ટવેરના અપગ્રેડેશનની કામગીરી ચાલુ હોવાથી આ યોજનાના લાભાર્થીઓને આજ રોજ માટે નાની-મોટી મુશ્કેલી કે વિલંબ થઇ શકે છે.પરંતુ તમામ હોસ્પિટલોને કોઇ પણ દર્દીની સારવારમાં વિલંબ ન થાય તે માટે સૂચના આપી દેવાઈ છે. તેમજ મંજુરી મળવામાં કોઇ પણ મુશ્કેલી કે વિલંબના નિરાકરણ માટે ટીમ કાર્યરત છે જેથી આ અંગે નાગરિકોએ સહેજ પણ ચિતા કરવાની જરૂર નથી.

ગેરસમજના કારણે લોકો આયુષ્માન કાર્ડ લેવા દોડ્યા
મા અમૃતમ કાર્ડ બંધ થયું હોવાની વાત વહેતી થયા બાદ અને હોસ્પિટલોમાંથી ડાયલિસિસ સહિતના દર્દીઓને ફોન કરીને કહેવામાં આવ્યું હતું કે મા અમૃતમકાર્ડમાં તમને ફ્રી ડાયાલિસિસ સહિતની સુવિધાઓ નહીં મળે કારણ કે મા અમૃતમ કાર્ડ બંધ થાય છે. તમારો ડેટા આયુષ્માન કાર્ડમાં ટ્રાન્સફર કરાવવો પડશે. જેના કારણે દર્દીઓમાં આયુષ્માન કાર્ડ લેવા માટે દોડ્યા હતા. સમગ્ર વિવાદની જાણ ગાંધીનગર થઇ હતી અને એવી રજૂઆત કરવામાં આવી હતી કે હોસ્પિટલએ સરકારનું નામ લઇને મા કાર્ડની સુવિધા બંધ કરી દીધી છે. એટલે છેવટે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે સ્પષ્ટતા કરવી પડી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *