ભારત-ચીન સીમા વિવાદને લઇને હાલ તણાવ ચાલી રહ્યો છે. બંને દેશો 1962ના યુદ્ધમાં લડી ચૂક્યા છે. જેમાં ભારતને હારનો સામનો કરવો પડ્યો હતો. આ યુદ્ધમાં જીતના ઉત્સાહથી ચીને 1965 માં ફરી વખત ભારત સાથે સીમા પર તણાવ પેદા કરવાની કોશિશ કરી હતી. પરંતુ ત્યારે પૂર્વ પીએમ અટલબિહારી બાજપાઈ એ ચીનને એવો જવાબ આપ્યો, જેથી ચીન ના હોશ ઉડી ગયા. તે સમયે અટલબિહારી બાજપાઈ જનસંઘના સાંસદ હતા. ચીને ભારતીય સૈનિકો પર તેમના ઘેટાં અને યાક ચોરી કરવાનો આરોપ લગાવ્યો અને સીમા પર તણાવ વધારવાનું શરુ કરી દીધું હતું.
ચીનના આરોપના કારણે અટલબિહારી બાજપાઈ અંદાજે ૮૦૦ જેટલાં ઘેટાઓ સાથે દિલ્હી સ્થિત ચીની દૂતાવાસમાં પહોંચી ગયા. ઘેટાના ગળામાં કાર્ડ લટકાવવામાં આવ્યા હતા, જેમાં લખ્યું હતું કે ‘મને ખાઈ લે અને દુનિયાને બચાવી લે.’ અટલબિહારી બાજપાઈ ના આ કદમ થી ચીન ના હોશ ઉડી ગયા અને ડ્રેગન એ હદે ડરી ગયું કે તેમણે તત્કાલીન પ્રધાનમંત્રી લાલ બહાદુર શાસ્ત્રીને પત્ર લખીને આ અંગે નારાજગી જતાવી હતી.
ચીને ચિઠ્ઠીમાં લખ્યું હતું કે આ તેનું અપમાન છે અને આરોપ લગાવ્યો હતો કે આ વિરોધ પ્રદર્શનને લાલ બહાદુર શાસ્ત્રી નું સમર્થન પ્રાપ્ત છે. તેના જવાબમાં તત્કાલીન ભારત સરકારે પણ પત્રમાં લખ્યું હતું કે ‘અમુક નાગરિકોએ દિલ્હીમાં વિરોધ પ્રદર્શન કર્યો છે, તેની સાથે સરકારે કઈ લેવાદેવા નથી. તે લોકોનું ચીન વિરુદ્ધ શાંતિપૂર્ણ, ત્વરિત અને વ્યંગ્યાત્મક પ્રદર્શન હતું.’
ચીને તે દરમિયાન ભારત પર તિબ્બતનાં અમુક નાગરિકોનું અપહરણ કરવાનો પણ આરોપ લગાવ્યો હતો. તેના જવાબમાં ભારતે કહ્યું હતું કે તિબ્બતના નાગરિકો પોતાની મરજીથી ભારતના શરણાર્થીના રૂપમાં આવ્યા છે અને તેમાં અમારી મંજૂરી લેવામાં નથી આવી અને તેઓ કોઈપણ સમયે તિબ્બત ફરી પાછા જવા માટે આઝાદ છે.