ખોટી રાષ્ટ્રભક્તિ : ભારત-ચીન સીમા વિવાદ વચ્ચે ભારતે ચીન પાસેથી 9200 કરોડની લોન લીધી

By | September 19, 2020

ભારત-ચીન વચ્ચેનો સરહદવિવાદ ચરમસીમાએ છે ત્યારે બુધવારે સંસદમાં એક લેખિત નિવેદન બાદ વિપક્ષ કેન્દ્રની મોદી સરકાર પર આક્રમક થઈ ગયો હતો. કૉંગ્રેસ પક્ષે કહ્યું હતું કે એક તરફ લદાખમાં સીમા પર ચીન સાથેની અથડામણમાં ભારતીય સૈનિકો શહીદ થઈ રહ્યા છે, ત્યારે બીજી તરફ કેન્દ્ર સરકાર ‘ચીની બૅન્ક’ પાસેથી કરજ લઈ રહી છે.

આ પ્રકરણની શરૂઆત વાસ્તવમાં રાજ્યકક્ષાના નાણામંત્રી અનુરાગ ઠાકુરના એક લેખિત નિવેદનથી થઈ હતી. ભાજપના બે સંસદસભ્યોએ સવાલ કર્યો હતો કે કોરોના વાઇરસ મહામારીને કારણે સર્જાયેલી પરિસ્થિતિનો સામનો કરવા માટે કેન્દ્ર સરકારે ભંડોળનો ઉપયોગ કઈ રીતે કર્યો હતો અને રાજ્યોને ભંડોળ કઈ રીતે પહોંચાડ્યું હતું.

આ સવાલના જવાબમાં અનુરાગ ઠાકુરે સંસદને આપેલી માહિતીમાંથી એવું ફલિત થયું હતું કે કેન્દ્ર સરકારે ચીનસ્થિત એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમૅન્ટ બૅન્ક (AIIB) પાસેથી કોરોના મહામારીની શરૂઆતમાં બે વખત કરજ લીધું હતું.

અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું, “કોવિડ-19 આપદાનો સામનો કરવાના ઉપાયો અંતર્ગત ભારત સરકારે AIIB પાસેથી બે વખત લોનના કરાર કર્યા હતા. તેમાં 8 મે, 2020ના રોજ 50 કરોડ ડૉલરનું કરજ લેવામાં આવ્યું હતું.”

“એ લોન ભારતની કોવિડ-19 ઇમર્જન્સી ઉપાય તથા આરોગ્યવ્યવસ્થાના આયોજનામાં આંશિક ટેકા માટે લેવામાં આવી હતી. એ યોજનાનો હેતુ મહામારીને કારણે સર્જાયેલા જોખમ તથા અન્ય કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવા માટે રાષ્ટ્રીય આરોગ્ય વ્યવસ્થા મજબૂત કરવાનો હતો.”

કુલ કેટલી લોન લીધી?

અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે પહેલી લોન પૈકીના 25 કરોડ ડૉલર AIIB આપી ચૂકી છે. એ પછી ભારતે લોનનો બીજો કરાર આ વર્ષની 19 જૂને કર્યો હતો. યાદ રહે કે પૂર્વ લદ્દાખની ગલવાન ખીણમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે 15 જૂને થયેલી અથડામણમાં ભારતના 20 સૈનિકોએ જીવ ગુમાવ્યા હતા.

અનુરાગ ઠાકુરે સંસદમાં જણાવ્યું હતું કે “19 જૂન, 2020ના રોજ 75 કરોડ ડૉલરની લોનનો કરાર કરવામાં આવ્યો હતો. એ ભારત સરકારના બજેટ ટેકાના હેતુસરનો હતો, જેથી ભારતના કોવિડ-19 સામાજિક સલામતી ઉપાય કાર્યક્રમમાં ઝડપ આવી શકે.”

“પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના (PMGKY) હેઠળના કાર્યક્રમોમાં અનેક પગલાં લેવામાં આવ્યાં છે. તેનો લાભ રાજ્યો તથા કેન્દ્રશાસિત પ્રદેશો સુધી પહોંચાડવામાં આવ્યો છે.” તેમણે કહ્યું હતું કે “PMGKY હેઠળના તમામ લાભાર્થીઓને આ લોનનો લાભ મળ્યો છે. એ લોનના તમામ નાણાં આ કાર્યક્રમ હેઠળ આપી દેવામાં આવ્યાં છે.”

તેનો અર્થ એ થયો કે ભારત સરકારે 125 કરોડ ડૉલરના કરાર કર્યા હતા. ભારતીય ચલણમાં તેનું મૂલ્ય 9200 કરોડ રૂપિયાથી વધુ થાય. એ 125 કરોડ ડૉલરમાંથી ભારતને અત્યાર સુધીમાં 100 કરોડ ડૉલર એટલે કે લગભગ 7300 કરોડ રૂપિયા જ મળ્યા છે.

આ આંકડો બહાર આવ્યા બાદ કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ દ્વારા સવાલ કર્યો હતો કે “મોદી સરકાર ભારતીય સૈન્ય સાથે છે કે ચીન સાથે?”

એ પછી કૉંગ્રેસના અનેક નેતા મોદી સરકાર પ્રત્યે આક્રમક બન્યા હતા. એક કૉંગ્રેસી નેતાએ એવું ટ્વીટ પણ કર્યું હતં કે “વડા પ્રધાન મોદી પૈસાના બદલામાં આપણી જમીન વેચી રહ્યા છે?” એ પછી બુધવારે ટ્વિટર પર #AIIB ટ્રૅન્ડ થવા લાગ્યું હતું. તેમાં કોઈ મોદી સરકારની ટીકા કરતું હતું તો કોઈ કહેતું હતું કે આ વિકાસકાર્યો માટેની બૅન્ક છે અને તેને ચીનની કમર્શિયલ બૅન્ક સાથે કોઈ સંબંધ નથી.

શું છે AIIB?

એશિયન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમૅન્ટ બૅન્ક એટલે કે AIIB એક બહુહેતુક બૅન્ક છે. તેને અંગ્રેજીમાં મલ્ટિલેટરલ ડેવલપમૅન્ટ બૅન્ક (MDB) કહેવામાં આવે છે. MDB બે કે તેથી વધુ દેશો દ્વારા સાથે મળીને બનાવવામાં આવેલી એક આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થા હોય છે.

આ સંસ્થા વિવિધ નીતિવિષયક ઘોષણાપત્રો પર સહમતિ પછી રચાતી હોય છે. તેનો હેતુ ગરીબ દેશોમાં આર્થિક વિકાસને ગતિ આપવાનો હોય છે. એ ઉપરાંત આવી સંસ્થાઓ તેના સભ્ય દેશોને સામાજિક તથા આર્થિક વિકાસ માટે કરજ કે અનુદાન પણ આપતી હોય છે. MDB અનેક પ્રકારની હોઈ શકે છે. વર્લ્ડ બૅન્ક, એશિયન ડેવલપમૅન્ટ બૅન્ક, ઇન્ટર-અમેરિકન ડેવલપમૅન્ટ બૅન્ક પણ MDBના પ્રકાર જ છે.

100 અબજ ડૉલરની AIIBએ જાન્યુઆરી 2016થી કામકાજ શરૂ કર્યું હતું અને તેનું હેડક્વાર્ટર ચીનની રાજધાની બેઇજિંગમાં છે. 2013માં બાલીમાં યોજાયેલી એશિયા પેસિફિક ઇકૉનૉમિક કૉ-ઑપરેશનની બેઠકમાં ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગે આ બૅન્કની રચનાની દરખાસ્ત રજૂ કરી હતી. એ પછી 57 દેશોએ મળીને આ બૅન્કની સ્થાપના કરી હતી.

ઘણા વિશ્લેષકો માનતા હતા કે આ બૅન્ક, જેમના પર અમેરિકન વિદેશ નીતિ અપનાવવાના આક્ષેપ થતા રહ્યા છે એ આંતરરાષ્ટ્રીય કરજદારો માટે, પડકારરૂપ પૂરવાર થશે. જાપાન AIIBનું સભ્ય નથી, કારણ કે એશિયન ડેવલપમૅન્ટ બૅન્ક પર જાપાનનો પ્રભાવ હોવાનું માનવામાં આવે છે.

ભારત AIIBના સ્થાપક દેશો પૈકીનો એક છે અને આજે 103 દેશો આ બૅન્કના સભ્યો છે. તેમાં એશિયા સિવાય યુરોપનું સૌથી મોટું અર્થતંત્ર ગણાતા જર્મનીનો પણ સમાવેશ થાય છે. આ બૅન્કમાં સૌથી વધુ 26.59 ટકા હિસ્સો ચીનનો છે. એ પછી બીજા નંબરે ભારત છે.

AIIBમાં ભારતનો હિસ્સો 7.61 ટકા છે. એ પછીના ક્રમે રશિયા અને જર્મની મોટા હિસ્સેદાર છે.

AIIBમાં ચીનના જ નાણાં છે?

AIIBને ચીન પાસેથી નાણાં મળી રહ્યા છે? આ સવાલના જવાબમાં અર્થશાસ્ત્રી પરંજૉય ગુહા ઠાકુરતા કહે છે કે આ એક MDB છે અને તેમાં માત્ર ચીન પાસેથી જ નાણું આવતું નથી. રશિયા અને જર્મની જેવા અનેક દેશો પણ નાણાં આપે છે. તેથી તેમાં ચીનનું જ નાણું છે એમ ન કહી શકાય.

તેમાં ચીનની હિસ્સેદારી સૌથી વધુ છે, એમાં બેમત નથી, એવું ઠાકુરતા કહે છે.

અર્થશાસ્ત્રી અને પ્રોફેસર ડૉક્ટર અરુણકુમાર કહે છે કે આ બૅન્કની સ્થાપનાની પહેલ ચીને કરી હતી એટલે એમાં ચીનનો જ દબદબો રહેશે. ક્યાં રોકાણ થવું જોઈએ અને ક્યાં નહીં એ પણ ચીનની ઇચ્છા અનુસાર જ થશે તેમાં બેમત નથી.

“ચીને એશિયન ડેવલપમૅન્ટ બૅન્ક (ADB)ની સામે AIIBની સ્થાપના કરી હતી, કારણ કે ADB પર જાપાન અને અમેરિકાનું નિયંત્રણ છે. તેથી ચીને પોતાના નિયંત્રણવાળી બૅન્કની રચના કરી હતી.”

“ચીનની પાસે વિદેશી ચલણનો ખાસ્સો મોટો ભંડાર છે અને તે ઘણા દેશોમાં રોકાણ કરી રહ્યું છે. વન બેલ્ટ, વન રોડ પ્રોજેક્ટ હેઠળ પણ ચીન રોકાણ કરી રહ્યું છે. AIIBની રચના થઈ જવાથી ચીન પોતાની ઇચ્છા અનુસાર રોકાણ કરી શકે છે.”

ભારત AIIBના સ્થાપક સભ્યો પૈકીનું એક છે, પણ વન બેલ્ટ, વન રોડ પ્રોજેક્ટમાં ભારત સામેલ નથી.

પ્રોફેસર અરુણકુમાર કહે છે કે IMF અને ADB જેવી સંસ્થાઓ શરતને આધિન લોન આપે છે. AIIBએ પણ એવું જ કર્યું હશે, પણ સૌથી મોટો સવાલ એ છે કે ભારતને લોન લેવાની જરૂર શા માટે પડી?

તેઓ કહે છે કે “ભારત પાસે 500 અબજ ડૉલરનો વિદેશી ચલણનો ભંડાર છે અને આ બૅન્ક બહુ વધારે લોન આપી શકતી નથી ત્યારે આપણે તેમની પાસેથી લોન શા માટે લેવી જોઈએ? આપણે આપણા પૈસા ખર્ચીને આપણી નીતિનો અમલ કરવો જોઈએ તથા સ્વતંત્ર રહેવું જોઈએ, કારણ કે આ સંગઠન તમારા નીતિઘડતરમાં દખલ કરતું હોય છે.”

“ભારતની રાજકોષીય ખાધ 23 ટકાથી નીચે ચાલી ગઈ છે. તેથી ભારતે કરજ લેવું ન જોઈએ. કોવિડ-19 માટે ભારતે કરજ લીધું હોય તો આપણી પાસે ગરીબોને આપવા માટેના પૈસા પહેલાંથી જ છે. 90 મિલિયન ટન અનાજનો ભંડાર છે. તેનું વિતરણ થઈ શકે. વર્લ્ડ બૅન્ક AIIB, ADB પાસેથી પૈસા લેવાની શું જરૂર છે એ સ્પષ્ટ થતું નથી.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *