લોકડાઉનમાં મુકેશ અંબાણીએ દર કલાકે 90 કરોડની કમાણી કઈ રીતે કરી? અહીં જાણો

By | October 7, 2020

કોરોના વાઇરસના કારણે જ્યારે સમગ્ર વિશ્વનું અર્થતંત્ર નબળું પડી ગયું છે ત્યારે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન અને ભારતના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી એલન મસ્કને પાછળ છોડીને વિશ્વના ચોથા નંબરના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા છે. સાથે-સાથે તેઓ સમગ્ર એશિયાના સૌથી ધનિક વ્યક્તિ પણ છે.

આઈઆઈએફએલ વૅલ્થ હુરુન ઇન્ડિયા રીચ લિસ્ટ 2020ને ટાંકીને ધ ઇન્ડિયન એક્સપ્રેસ લખે છે કે માર્ચ 2020થી મુકેશ અંબાણી દર કલાકે 90 કરોડ રૂપિયાની આવક કરી રહ્યા છે.

તેમની સંપત્તિ 2,77,700 કરોડ રૂપિયાથી વધીને 6,58,400 કરોડ રૂપિયાની થઈ ગઈ છે.

અહેવાલ મુજબ વિશ્વની 5 ધનિક વ્યક્તિઓમાં 63 વર્ષના મુકેશ અંબાણી એકમાત્ર ભારતીય છે.

હુરુન ઇન્ડિયાના એમ.ડી. અને ચીફ રિસર્ચર અનસ અહમદ અખબારને જણાવે છે, “12 મહિનામાં મુકેશ અંબાણીની સંપત્તિમાં 73 ટકાનો વધારો થયો છે. છેલ્લાં નવ વર્ષથી મુકેશ અંબાણી ભારતના સૌથી ધનિક વ્યક્તિ છે.”

આઈઆઈએફએલ વૅલ્થ હુરુન ઇન્ડિયા રીચ લિસ્ટ 2020 મુજબ મુકેશ અંબાણી બાદ જે પાંચ નામો છે તેમની બધી સંપત્તિ જો ભેગી કરી દેવાય તો પણ મુકેશ અંબાણીની સંપત્તિ સામે ઓછી છે.

આ વચ્ચે પ્રશ્ન એ સર્જાઈ રહ્યો છે કે લૉકડાઉનમાં જ્યારે અર્થતંત્ર નબળું થઈ રહ્યું હતું ત્યારે મુકેશ અંબાણીની કમાણી વધી કેવી રીતે ગઈ?

સંપત્તિ વધવા પાછળનું કારણ શું?

હાલમાં જિઓ પ્લૅટફૉર્મમાં 10થી વધુ કંપનીઓએ 1.20 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. ફોર્બ્સના અહેવાલ મુજબ જિયો પ્લૉટફૉર્મની 25 ટકા ભાગીદારી વેચીને મુકેશ અંબાણી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને દેવામાંથી બહાર લઈ આવ્યા છે.

ફાઇનાન્સિયલ એક્સપ્રેસના અહેવાલ અનુસાર ફેસબુકે જિઓ પ્લૉટફૉર્મમાં 43,574 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે.

આ સિવાય સિલ્વર લૅક, વિસ્ટા ઇક્વિટી પાર્ટનર્સ, જનરલ ઍટલાન્ટિક, કેકેઆર, મુબાદલા, એડીઆઈએ, ટીપીજી, પીઆઈએફ અને એલ કેટરટને પણ મુકેશ અંબાણીની કંપનીઓમાં રોકાણ કર્યું છે.

અહેવાલ અનુસાર 20 અબજ ડૉલરનું ભંડોળ ઊભું કરવાથી રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ હવે દેવામુક્ત થઈ ગઈ છે. આના કારણે મુકેશ અંબાણીની આવકમાં વધારો થયો છે અને તેઓ નવું રોકાણ કરી શકવા સક્ષમ બન્યા છે.

મોટા ભાગની કંપનીઓની બૅલેન્સશીટ કોરોના મહામારી અને લૉકડાઉનને કારણે કથડતી સ્થિતિમાં મુકાઈ ગઈ છે, ત્યારે મુકેશ અંબાણી વિવિધ કંપનીઓમાં રોકાણ કરીને રૂપિયા કમાઈ રહયા છે.

આથી રોકાણકારોમાં અને નાણાંકીય સંસ્થાઓમાં કંપનીની છબિ મજબૂત થઈ છે, જેનો સીધો લાભ કંપનીને થઈ રહ્યો છે.

દર કલાકે 90 કરોડની આવકનું ગણિત

અહેવાલો દાવો કરે છે કે મુકેશ અંબાણીને દર કલાકે 90 કરોડ રૂપિયાની આવક થઈ છે.

જોકે આનો ચોક્કસ સંદર્ભ પણ છે. આ આંકડો સમગ્ર વર્ષનો નથી પણ માર્ચ 2020થી લઈને સપ્ટેમ્બર 2020નો છે.

આ સમયગાળા દરમિયાન રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના જિઓ પ્લૅટફૉર્મ અને રિટેલ બિઝનેસમાં રોકાણ થવાના કારણે કંપનીઓની માર્કેટ વેલ્યુ બહુ વધી ગઈ છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીસના એક ઉચ્ચ અધિકારીએ નામ નહીં આપવાની શરતે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે “માર્ચ 2020માં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના એક શૅરની કિંમત 870 રૂપિયા હતી અને અત્યારે એક શૅરની કિંમત 2200-2250 છે. આ 6 મહિનામાં કંપનીના શૅરના ભાવ 173 ટકા વધ્યા છે.”

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીસમાં મુકેશ અંબાણી 51 ટકા શૅર ધરાવે છે. આ છ મહિનામાં તેમની સંપત્તિમાં જે વધારો થયો, તેના આધારે કહેવાય છે કે તેઓ દર કલાકે 90 કરોડ રૂપિયા કમાયા છે.

વાસ્તવિક દૃષ્ટિએ જોઈએ તો આટલા પૈસા મુકેશ અંબાણીના હાથમાં નથી આવ્યા. કંપનીમાં તેમનો જે ભાગ છે તેની કિંમતમાં વધારે થયો છે. આને શૅરબજારની ભાષામાં નૉશન વેલ્યુ કહેવામાં આવે છે.

એમ જોવા જઈએ તો જેમની પાસે પણ રિલાયન્સના શૅરર છે, તે બધાને આ 6 મહિનામાં લાભ થયો છે.

અધિકારી જણાવે છે કે ઍમેઝોન, માઇક્રોસૉફ્ટ અને બીજી કંપનીઓના માલિકોની સંપત્તિમાં આ રીતે જ વધારો થયો છે.

કંપનીના શૅરની કિંમત ભવિષ્યમાં હજી વધી શકે?

તેના જવાબમાં મુંબઈ સ્થિત શૅરદલાલ ગૌતમ શાહ કહે છે કે કંઈ પણ અનુમાન કરવું અઘરું છે.

તેમના કહેવા પ્રમાણે જે રીતે વિદેશના રોકાણકારો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં રોકાણ કરી રહ્યા છે, એ જોતાં લાગે છે કે શૅરની કિંમતમાં નજીવા ઘટાડા બાદ કિંમત વધશે. આનો સીધો અર્થ થયો કે મુકેશ અંબાણી વધુ પૈસાદાર બનશે

3 વર્ષમાં 23 કંપનીઓમાં રોકાણ

બિઝનેસ ટુડે વેબસાઇટ અનુસાર 2017થી 2020 વચ્ચે મુકેશ અંબાણીએ 22 કંપનીઓમાં રોકાણ કર્યું છે, જેમાં મીડિયા હાઉસથી લઈને ઑનલાઇન દવા કંપની નેટમેડ્સ સામેલ છે.

વેબસાઇટ અનુસાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે 2017માં બાલાજી ટેલિફિલ્મ્સમાં રોકાણ કર્યું હતું.

2018માં સાત કંપનીઓમાં રોકાણ કર્યું અને 2019માં 9 સ્ટાર્ટઅપ કંપનીઓમાં રોકાણ કર્યું.

2019માં બ્રિટનની પ્રખ્યાત રમકડાંબ્રાન્ડ હૅમલીઝને 620 કરોડ રૂપિયામાં ખરીદી લીધી.

સ્ટાર્ટ-અપ-ટોકી વેબસાઇટ મુજબ રિલાયન્સે બાલાજી ટેલિફિલ્મ્સની સાથેસાથે ઍડકાસ્ટ (લર્નિંગ સૉફ્ટવેર), ઍમ્બીબ (ઍડ્યુટેક કન્ટેન્ટ), સાવન (મ્યુઝિક કન્ટેન્ટ), રેડ્સિસ (5જી આર્કિટેક્ચર), ઇરોસ (ટીવી કન્ટેન્ટ), હેથવે (બ્રૉડબેન્ડ), ડીએન (કૅબલ), હાપ્ટીક (કસ્ટમર ઍંગેજમેન્ટ), રેવેરી (ભાષાપ્રક્રિયા), ફાયન્ડ (ઑનલાઇન શૉપિંગ), ટૅસેરૅક્ટ (એઆર / વીઆર) અને ગ્રાબ (લોજિસ્ટિક્સ)માં રોકાણ કર્યું છે.

લાઇવ મિન્ટના અહેવાલ અનુસાર ઑગસ્ટ મહિનામાં રિલાયન્સે પોતાના રિટેલ વ્યવસાયને વેગ આપવા માટે ફ્યુચર ગ્રૂપના રિટેલ અને લોજિસ્ટિક્સ વ્યવસાયોને 24713 કરોડ રૂપિયામાં ખરીદી લીધો હતો.

બિઝનેસ ટુડે વેબસાઇટ જણાવે છે કે રિયાલન્સ હવે ટીકટૉક, બાઇટડાન્સ, મિલ્ક બાસ્કેટ અને અર્બન લેડર ખરીદવાની તૈયારી કરી રહ્યું છે.

બિઝનેસ ઇનસાઇડર વેબસાઇટ અનુસાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની 8 મુખ્ય કંપનીઓ છે, જેની અંદર બીજી પેટા કંપનીઓ છે.

રિલાયન્સ રિટેલ
રિટેલ બિઝનેસમાં રિલાયન્સ ફ્રૅશ, રિલાયન્સ ટાઇમ આઉટ, રિલાયન્સ વૅલનેસ, રિલાયન્સ ટાઇમ ઝોન, રિલાયન્સ ફૂટપ્રિન્ટ, રિલાયન્સ માર્ટ, રિલાયન્સ હોમ કિચન્સ, રિલાયન્સ ડિજિટલ, રિલાયન્સ ટ્રૅન્ડ્સ, રિલાયન્સ સુપર, રિલાયન્સ આઈસ્ટોર, રિલાયન્સ માર્કેટ (કૅશ એન્ડ કૅરી) અને રિલાયન્સ જ્વેલ સામેલ છે.

રિલાયન્સ લાઇફ સાયન્સીસ
આ કંપની તબીબી, ઔદ્યોગિક અને પ્લાન્ટ બાયૉટેકનૉલૉજીના ક્ષેત્રમાં કાર્ય કરે છે. કંપની બ્રાન્ડિંગ, ઉત્પાદન, ફાર્માસ્યુટિકલ્સ, બાયૉ-ફાર્માસ્યુટિકલ્સ, બાયૉફ્યુઅલ, ક્લિનિકલ રિસર્ચ સર્વિસીસ જેવા વિવિધ કાર્યો કરે છે.

રિલાયન્સ લોજિસ્ટિક્સ
આ એક વિન્ડો કંપની છે જે વિતરણ, વેરહાઉસિંગ, પરિવહન, લોજિસ્ટિક્સ અને સપ્લાય ચેઇનથી સંબંધિત ક્ષેત્રમાં કામ કરે છે.

રિલાયન્સ જિઓ ઇન્ફોકૉમ લિમિટેડ
રિલાયન્સ જિઓ ઇન્ફોકૉમ લિમિટેડ એ બ્રૉડબેન્ડ સેવા પ્રદાન કરે છે. 306 મિલિયનથી વધુ સબ્સ્ક્રાઇબર્સ સાથે રિલાયન્સ જિઓ વિશ્વનું છઠ્ઠું મોબાઈલ નેટવર્ક ઑપરેટર છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ
આ આરઆઈએલની એક સહયોગી કંપની છે. આ કંપની મુખ્યત્વે ઔદ્યોગિક માળખાગત સુવિધાની સ્થાપના અને સંચાલનનું કાર્ય કરે છે.

નેટવર્ક 18
આ એક મીડિયા કંપની છે. જે ડિજિટલ પ્લૅટફૉર્મ્સ, ટેલિવિઝન, ફિલ્મો અને મોબાઇલ ઍપ્લિકેશન્સ ધરાવે છે. આ કંપનીએ ઈટીવી નેટવર્કને ખરીદી લીધું છે. નેટવર્ક 18એ વાયાકોમ 18 અને હિસ્ટ્રી ટીવી 18 સાથે પણ ભાગીદારી છે.

રિલાયન્સ સોલર
રિલાયન્સ સોલર દેશના દૂરના અને ગ્રામીણ વિસ્તારોમાં સૌરઊર્જા સિસ્ટમનું ઉત્પાદન અને વેચાણ કરે છે. મુખ્યત્વે કંપની દ્વારા સૌરઊર્જાથી ચાલતી વસ્તુઓનું ઉત્પાદન કરાય છે.

રેલીકૉર્ડ
રિલાયન્સ લાઇફ સાયન્સીસ હેઠળ આ બ્લડ બેન્કિંગ કંપની છે. આ સંસ્થાને ભારત સરકારના ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્મિનિસ્ટ્રેશન દ્વારા લાઇસન્સ આપવામાં આવ્યું છે.

રિલાયન્સે ઈ-ફાર્મસીમાં રોકાણ કરતાં ઉહાપોહ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ચેન્નાઈસ્થિત ઑનલાઇન ફાર્મસી કંપની ‘નેટમેડ્સ’માં 620 કરોડ રૂપિયાનું રોકાણ કરતાં ઉહાપોહ થયો હતો.

ઑલ ઇન્ડિયા ઑર્ગેનાઇઝેશન ઑફ કૅમિસ્ટ ઍન્ડ ડ્રગિસ્ટ ઍસોસિયેશન’ (AIOCD)એ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચૅરમૅન અને મૅનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીને પત્ર લખીને નેટમેડ્સમાં રોકાણને લઈને વાંધો ઉઠાવ્યો છે.

આ પત્રમાં લખ્યું છે, “રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના સ્તરની કંપની એક ગેરકાયદેસર ઉદ્યોગમાં રોકાણ કરે એ ખૂબ જ દુખદ છે.”

પત્રમાં લખાયું છે કે ઈ-ફાર્મસી ઉદ્યોગ ઔષધિ અને પ્રસાધનસામગ્રી અધિનિયમ (ડ્રગ ઍન્ડ કૉસ્મેટિક્સ ઍક્ટ) હેઠળ નથી આવતો, જે દવાઓની આયાત, ઉત્પાદન, વેચાણ અને વિતરણનું નિયમન કરે છે.

AIOCDએ આવો જ એક પત્ર એમેઝોનને લખ્યો છે. આ પત્ર વડા પ્રધાન નરેન્દ્ર મોદી, ગૃહમંત્રી અમિત શાહ, વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પીયૂષ ગોયલ અને અન્ય મંત્રાલયોને પણ મોકલવામાં આવ્યો છે.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ઓનલાઇન ફાર્મા કંપનીમાં આટલા મોટા રોકાણ સાથે જ દેશમાં ઑનલાઇન ફાર્મસી અથવા તો ઈ-ફાર્મસીમાં ભારે સ્પર્ધા શરૂ થવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *