મોટા ભાગે જ્યારે પણ કોઈ વ્યક્તિ પોતાની આંગળીઓ દ્વારા અથવા પ્લકરથી ખીલમાં રહેલા બીને કે પસને કાઢે છે તેમને સતત ખાડા પડવાની સંભાવના રહે છે. ક્યારેક તો ખીલને કારણે ચહેરા પર ડાઘ ધબ્બા પણ થઈ જાય છે જે કારણે ચહેરો ખરાબ લાગે છે. ખીલ આવવાનું મુખ્ય કારણ તૈલીય ત્વચા છે અને તેની દેખભાળ યોગ્ય રીતે ન થાય તો ખાડા પડે છે. જેથી કિશોરીઓનો ચહેરો સમય કરતાં વધારે મેચ્યોર લાગે છે. ખીલને પૂરેપૂરા આવતા તો રોકી શકાતા નથી, પરંતુ જો તેની યોગ્ય દેખભાળ કરવામાં આવે તો ચોક્કસથી આ સમસ્યાને ઓછી કરી શકાય છે.
1) હમેશા પેટની કોઈ તકલીફ ના રહે તેની પૂરેપૂરી તકેદારી રાખવી. દૂધ, ફળો અને લીલાં શાકભાજીની માત્રા વધારે રાખવી. ગરમ વસ્તુઓ, મસાલેદાર, નોનવેજ, ચા, કોફીનું વધારે પડતું સેવન ન કરો.

2) દિવસ દરમિયાન ચહેરાને પહેલાં ગરમ અને પછી ઠંડા પાણીથી ધોવાનું રાખો. પછી ગરમ પાણીમાં કપડાને બોળી પછી તેને ચહેરા પર ઓઢીને સ્ટીમ આપો અને ત્યાર બાદ રોમછિદ્રો જ્યારે ખૂલી જાય ત્યારે ચહેરાને ઠંડા પાણીથી ધોઈને ચહેરા પર જ્યાં સુધી ત્વચા સહન કરી શકે ત્યાં સુધી બરફ ઘસો.
3) બને ત્યાં સુધી ક્રીમનો ઉપયોગ ટાળો અને જરૂર પડે તો એન્ટિ-સેપ્ટિક ક્રીમનો ઉપયોગ કરી શકો. જરૂરિયાત ન હોય ત્યાં સુધી ડાર્ક મેકઅપ કરવાનું ટાળો.
4) ચહેરા પર કાકડીનો રસ પણ લગાવી શકો. ચહેરા પર પડતા ખાડાને અટકાવવા માટે ટમેટાના પલ્પને ખીલ પર ઘસો. ટમેટું, મુલતાનની માટી અને ફટકડી ત્રણેને મિક્સ કરીને ચહેરા પર લગાવવાથી ચહેરા પરનાં રોમછિદ્રો બંધ થાય છે. હર્બલ પાઉડર ફેસમાસ્ક બનાવીને ચહેરા પર લગાવાથી રોમછિદ્રો બંદ થઈ જાય છે અને ચહેરા પર ગ્લો આવે છે.
5) ક્યારેક ક્યારેક હોર્મોનલ ઈનબેલેન્સને કારણે ખીલની સમસ્યા વધી જતી હોય છે ત્યારે નિષ્ણાતની સલાહ લેવી.

6) ટેન્શન પણ ખીલની સમસ્યામાં વધારો કરી શકે છે તેથી તણાવ ઓછો લેવો અને પૂરતી ઊંઘ લો.
7) જેમાંથી વિટામિન ઈ,સી,બી અને એ પૂરતાં મળી રહે તેવો આહાર લેવાનું રાખો. વધારે તેલમાં બનેલી ચીજવસ્તુઓ ન લેતાં,બાફેલી અને શેકેલી વસ્તુઓનો આહારમાં સમાવેશ કરવો.
8) ઓઈલ બેઝડ મેકઅપનો ઉપયોગ ન કરો.