પુત્રવધૂ કોરોનાગ્રસ્ત અને પુત્ર શકમંદ હોવા છતાં આરોગ્યમંત્રી કુમાર કાનાણી રાજ્યસભાની ચૂંટણીમાં ભાગ લેવા પહોંચ્યા

By | June 20, 2020

ગુજરાતમાં ભારે હાહાકાર મચાવી રહેલા કોરોનાની લપેટમાં રાજય કક્ષાના આરોગ્યમંત્રી કુમાર કાનાણીનો પરિવાર પણ આવી ગયો છે. તેમના પુત્રવધૂનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જયારે તેમના પુત્રને શંકાસ્પદ કોરોનાના લક્ષણો દેખાતા સિવિલમાં ખસેડાતા તબીબોની દોડધામ વધી ગઈ હતી. બીજી તરફ ઘરમાં બબ્બે સભ્ય કોરોના સંક્રમિત થવા છતાં આરોગ્યમંત્રી ક્વોરન્ટાઇન થવાના બદલે ગાંધીનગર વિધાનસભા પહોંચ્યા અને રાજયસભાની ચૂંટણી પ્રક્રિયામાં ભાગ પણ લીધો હતો.

શહેરના વરાછા, અશ્વિનીકુમાર રોડ ઉપર આવેલી વિષ્ણુનગર ઘર સોસાયટીમાં રહેતાં રાજ્યકક્ષાના આરોગ્યમંત્રી કુમાર કાનાણી કોરોના કાળ દરમિયાન ચર્ચા કહો કે વિવાદમાં રહ્યા છે. હોમટાઉનની નવી સિવિલમાં કે કોવિડ હોસ્પિટલ બનાવવી, મોટા ઉપાડે રાતોરાત બનાવાયેલી આ સિવિલમાં હોસ્પિટલને લાંબા સમય સુધી ઉપયોગમાં નહીં લેવી, આ હોસ્પિટલમાં કોરોનાના સુવિધાના અભાવ મુદ્દે કાનાણીની ભૂમિકા ચર્ચામાં રહી હતી. અગાઉ તેમની સોસાયટીમાં એક બાળકી કોરોના સંક્રમિત થઇ હતી. એ સમયે કાનાણી પોતે જાહેર કાર્યક્રમોમાં હાજરી આપતાં હોવાની, ટોળાશાહી કરી ફરવા માટે તેમજ સોશિયલ ડિસ્ટન્સિગના પાલન મુદ્દે પણ લાપરવાહી દર્શાવતાં હોવાની બૂમ ઊઠી હતી.

હવે કોરોના ખુદ આરોગ્ય મંત્રીના ઘર સુધી પહોંચી ગયો છે. કાનાણીના પુત્રવધૂ કોરોના પોઝિટિવ જાહેર થતા આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. મંત્રી કુમાર કાનાણીએ કહ્યું હતું કે, ગુરુવારે પુત્રવધૂ શ્રદ્ધાબેન કાનાણીનો પોઝિટિવ પોઝિટિવ રિપોર્ટ આવતા સાંજે સિવિલમાં દાખલ કરાયા હતા. ત્યારબાદ ધારાસભ્યોના પુત્ર પ્રકાશ કાનાણીને શંકાસ્પદ  કોરોનાના લક્ષણો દેખાતા સિવિલમાં ખસેડાયો હતો. બંનેની તબિયત સારી હોવાનું તેમણે ઉમેર્યું હતું. સિવિલમાં પ્રકાશ કાનાણીનો રિપોર્ટ કરાવાયો હતો, પરંતુ તેમાં સ્પષ્ટતા થઈ નહીં હોવાનું જાણવા મળે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે કુમાર કાનાણી, તેમના સંતાનો એક ઘરમાં રહે છે. તેમના ઘરમાં પોઝિટિવ કેસ આવ્યો હોય તો મેડિકલ ગાઇડલાઇન અનુસાર પરિવારના તમામ સભ્યોએ ક્વોરન્ટાઇ થવું ફરજિયાત થઇ પડે છે. આમ છતાં કાનાણીએ આ મુદ્દે ફરી બેદરકારી દાખવી હતી. તેઓ ક્વોરન્ટાઇન થવાની જગ્યાએ ગાંધીનગર પહોંચ્યા હતાં. શુક્રવારે તેમણે રાજયસભાની ચૂંટણી માટેના મતદાનમાં ભાગ પણ લીધો હતો. કાનાણી અહીં સંખ્યાબંધ ધારાસભ્યો અને ભાજપના નેતાઓને મળ્યા હતાં, જેને લઇ મામલો સંગીન બન્યો છે. ઘરમાં પોઝિટિવ કેસ છતાં આ રીતે બહાર જવાનું કાનાણીનું પગલું કહો કે બેદરકારી કેવા પરિણામો લાવશે આગાણી દિવસોમાં ખબર પડશે.

કાનાણીના પરિવારમાં કોરોના પોઝિટિવ કેસ આવ્યાની વાત મોડી સાંજે તેમના સાથી નેતાઓ, ધારાસભ્યોને જાણ થતાં તેમના મોંઢામાંથી સિસકારો નીકળી ગયો હતો. કુમારભાઇના નામે ઊંડો શ્વાસ લઇ તેમણે હવે શું એવા નિસાસા પણ નાંખ્યા હતાં. કુમારને મળ્યા હતાં એ તમામ રાજકારણીઓએ આગામી દિવસોમાં મેડિકલ ચેકઅપ કરાવવું પડશે એવી વાત પણ ચર્ચાવા માંડી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *