સુરતનાં નિચાણવાળા વિસ્તારો છે હાઈ એલર્ટ પર, ઉકાઈ માંથી 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવશે

By | August 14, 2020

ઉકાઈ ડેમની જળસપાટી ભયજનક સ્તરે પહોંચી ગઈ છે. સુરત મહાનગર પાલિકા દ્વારા જણાવવામાં આવ્યુ કે, આજ રોજ બપોર પછી ઉકાઈ ડેમમાંથી અંદાજિત 1 લાખ ક્યુસેક પાણી ડિસ્ચાર્જ કરવામાં આવશે. જેથી સુરત શહેરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની શક્યતાઓ રહેલી છે. જેને ધ્યાનમાં રાખીને સુરત મહાનગર પાલિકા દ્વારા શહેરના નાગરિકોને ખાસ તકેદારી રાખવા વિનંતી કરવામાં આવી છે તથા જે લોકો નિચાણવાળા વિસ્તારોમાં રહે છે તે લોકોને સ્થળાંતર કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

જણાવી દઈએ કે દક્ષિણ ગુજરાતના લોકોની જીવાદોરી સમાન તાપી નદી પરના ઉકાઈ ડેમનું રૂલ લેવલ 335 ફુટ છે તથા ઉકાઈ ડેમની 331.99 ફૂટ સુધીની ભયજનક સપાટીએ પાણી આવી પહોંચ્યુ છે. તે માટે આજે બપોર બાદ ઉકાઈ ડેમમાંથી તબક્કાવાર 1 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવશે. તે માટે તમામ નિચાણવાળા વિસ્તારોને એલર્ટ કરી દેવાયા છે તથા તે માટે પુરતી વ્યવસ્થાઓ કરવા માટે તંત્ર કામે લાગ્યુ છે.

સુરત મહાનગર પાલિકા દ્વારા 1 લાખ ક્યુસેક પાણી છોડવાનું કારણ સર્વત્ર મેઘમહેર છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદ ઉમરપાડામાં નોંધાયો છે. શહેરમાં વરસાદી માહોલ વચ્ચે સતત 3 દિવસથી જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર દક્ષિણ ગુજરાતમાં વરસાદ યથાવત રહેશે. દક્ષિણ ગુજરાતનાં ડાંગ, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં પણ ભારે વરસાદ નોંધાયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *