મંત્રીના દીકરાને કાયદો ભણાવનાર સુનિતા પોતે ટ્રાફિક નિયમોનું પાલન કરતી નથી

By | July 17, 2020

આરોગ્ય રાજ્યમંત્રી કુમાર કાનાણીનાં પુત્ર પ્રકાશ કાનાણીને કાયદાનો પાઠ ભણાવવા માટે એક જ રાતમાં સમગ્ર દેશમાં જાણીતી બનેલી સુરત શહેર પોલીસની મહિલા લોકરક્ષક સુનિતા યાદવે મોટી મોટી વાતો કરી હતી. કાયદાનાં પાઠ ભણાવવાથી માંડી પોતાને ધમકી અને રૂપિયાની લાલચ આપવામાં આવતી હોવાનાં દાવા સુનિતા કરી રહી છે. બીજી તરફ મીડિયાને પણ તે ધમકીઓ આપી છે પરંતુ જાણે કે પોતે દૂધની ધોવાયેલી હોય તેવો તાયફો કરનાર સુનિતાનો ભૂતકાળ હવે સામે આવી રહ્યો છે. જેમાં તેને કરેલી કરતૂતો ખુલી રહી છે.

પોતાને લોકરક્ષક ઓફિસર કહેનારી અને મંત્રી તેમજ તેમનાં પુત્ર સાથે જે ભાષામાં વાતો કાયદો શીખવવાની વાતો સુનિતાએ કરી હતી તેને જોતા કોઈને પણ એવું થાય કે ખરેખર આ મહિલા કાયદાને ખરેખર ખુબ માન આપે છે પરંતુ જે રીતે ધારાસભ્યનું બોર્ડ કઢાવ્યાં બાદ ખુદ સુનિતાનાં પિતાની ગાડીનો ફોટો વાઈરલ થયો હતો તેમ હવે ખુદ સુનિતા ટ્રાફિકનાં નિયમો કેવી રીતે તોડે છે તે પણ સામે આવ્યું છે.

પોતાની મોપેડ પર જ નંબર પ્લેટ નથી

મળતી માહિતી અનુસાર સુનિતા પાસે GJ 05 NG 7344 નંબરની મોપેડ છે. આ મોપેડ એક પોલીસકર્મીની હોવાથી સ્વાભાવિક છે કે તેનું ઈન્સ્યોરન્સથી લઇ પીયુસી સહિતની તમામ વસ્તુઓ હોવું જોઈએ. કારણ કે આ બાબતે અનેક વખત રાજ્યનાં પોલીસ વડાએ લેખિતમાં આદેશો કર્યા છે પરંતુ સિંઘમને ક્યાં આ બધું લાગુ પડે. જી હાં સુનિતા આખા ગામને કાયદો શીખવાડે છે પરંતુ તેની જ મોપેડ પર આગળનાં ભાગમાં નંબર પ્લેટ નથી જે હોવી તમામ માટે ફરજીયાત છે.

બીજી મહત્વની વાત એ છે કે ન તો તેનાં મોપેડનું ઈન્સ્યોરન્સ છે કે ન તો પીયુસી. આમ, આ ખૂબ મોટી બેદરકારી સુનિતાની કહી શકાય છે અને આનાથી ગંભીર બાબત તો એ છે કે તેને પોતાની મોપેડ અનેક વખત રોંગ સાઈડમાં ચલાવી છે, સુરત પોલીસની વેબસાઈટ પર સુનિતાની મોપેડનાં નંબરનાં રોંગ સાઈડ ડ્રાઈવિંગ કરવાના પાંચ પેન્ડિંગ મેમો બોલે છે, એક વર્ષ જુના આ મેમો ભરવાનો પણ તેની પાસે સમય નથી કે પછી સિંઘમ સુનિતાએ આ મેમો ભરવાની જરૂરી નથી તેવું લાગી રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *