ભાજપ કોર્પોરેટરનો મેસેજ, ‘મોદીને રામમંદિર માટે વોટ આપ્યો હતો, ખાડા ભરવા નહિ. મફતના ગાંઠિયા ખાઈને વોટ આપનારાઓની સલાહની જરૂર નથી’

By | September 3, 2020

હાલ આખા ગુજરાતમાં વરસાદના કારણે રસ્તાઓ પર પડેલા ખાડાઓની સમસ્યા ખુબ મોટું રૂપ ધારણ કરી રહી છે. કાલે જ જૂનાગઢના એક ભાજપના કાર્યકરે ખાડા મામલે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલને ફોન પર રજૂઆત કરી હતી. વડોદરા શહેરમાં વરસાદના કારણે માર્ગો પડેલા ખાડાઓની ફરિયાદોથી કંટાળેલા ભાજપના કાઉન્સિલર ધર્મેશ પંચાલે વોટ્સએપ ઉપર એક મતદારને નફ્ફટાઇ ભર્યા કરેલો મેસેજ વાઇરલ થયો છે. કાઉન્સિલરે મેસેજમાં જણાવ્યું છે કે, ‘મને વરસાદથી ધોવાયેલા ખાડાના ફોટા મોકલવા નહીં, કેમકે આવા ખાડા ચોમાસામાં ગમે તે સરકાર હોય પડે જ છે. મફતના ગાંઠિયા ખાઇને મત અપનારાઓની મને સલાહની જરૂર નથી’ આ ઉપરાંત મોદીને તો રામમંદિર, 370 માટે વોટ આપ્યો હોવાની વાત પણ મેસેજમાં કરી છે. જોકે, કાઉન્સિલરે પોતાના બચાવમાં જણાવ્યું કે, આ મેસેજ મેં કર્યો નથી, પરંતુ, મને કોઇને મોકલેલ મેસેજ મેં ફોરવર્ડ કર્યો છે. નોંધનીય બાબત એ છે કે, કાઉન્સિલરે આ મેસેજ ડિલિટ કરવાને બદલે ફોરવર્ડ કરીને ભાજપના ધજાગરા ઉડાવી દીધા છે.

વોર્ડ નં-8ના ભાજપના કાઉન્સિલર અને સ્થાયી સમિતિના સભ્ય ધર્મેશ પંચાલે વોટ્સએપ પર ભાજપના વિકાસની પોલ ખોલતો મેસેજ મૂક્યો છે. જે મેસેજ સોશિયલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે. વાઇરલ થયેલો મેસેજ આ મુજબ છે ‘જાહેર સૂચના…મને વરસાદથી ધોવાયેલા ખાડાના ફોટા મોકલવા નહીં, કેમકે આવા ખાડા ચોમાસામાં ગમે તે સરકાર હોય પડે જ છે. હું જોવુ જ છું. જેમ કે 2014 પહેલા રોડ પર ખાડાની જગ્યાએ હીરા અને મોતી નીકળતા હતા’.

આ ઉપરાંત બીજા મેસેજમાં કોર્પોરેટર લખે છે કે, રસ્તા ઉપર પડેલા ખાડા રોડ રસ્તા માટે મેં નરેન્દ્ર મોદીને મત આપ્યો જ નથી. મારૂ લક્ષ્ય હતુ શ્રી રામ મંદિર, કાશ્મિરમાં 370 કલમ હટાવી, સમાન નાગરીક ધારો, આતંકવાદી મુક્ત ભારત, શાંતિ સલામતી અને અખંડ ભારતનું નિર્માણે અને આ બધુ જ કરવાના પ્રયાસો નરેન્દ્ર મોદી સરકાર કરે છે. તેનો મને આનંદ સંતોષ છે. બાકી મફતના ગાંઠિયા ખાઇને મત અપનારા મફતીયાઓની સલાહની જરૂર નથી.

ભારતીય જનતા પાર્ટીની આબરૂના ધજાગરા ઉડાવતા આ વાઇરલ મેસેજ અંગે મીડિયા સાથેની વાતચીતમાં કાઉન્સિલર ધર્મેશ પંચાલે જણાવ્યું હતું કે, મારા વોટ્સએપ ઉપર કોઇનો આ મેસેજ આવ્યો હતો. અને આ મેસેજ મેં ફોરવર્ડ કર્યો છે. મેં આવો કોઇ મેસેજ કર્યો નથી. મારે આવો મેસેજ ફોરવર્ડ કરવો જોઇએ નહીં, તે મારી ભૂલ છે.

ઉલ્લેખનિય બાબત એ છે કે, વડોદરા શહેરમાં વરસાદના કારણે પડેલા ખાડા-ભૂવા પાલિકાના ભ્રષ્ટાચારને ઉઘાડો પાડી રહ્યા છે. વડોદરાના લોકો માર્ગો ઉપર પડેલા ખાડા-ભૂવાઓથી ત્રાહિમામ પોકારી ગયા છે. વેરા વસૂલવામાં કડકાઇ કરતી પાલિકા શહેરીજનોને સારા રસ્તા આપવામાં ધરાર નિષ્ફળ ગયું છે, ત્યારે ભાજપના કાઉન્સિલર ધર્મેશ પંચાલ ભલે કહેતા હોય, કે આ મેસેજ ફોરવર્ડ કરેલો છે, પરંતું, વાસ્તવિકતા એ છે કે, વડોદરા શહેરના માર્ગો ઉપર પડેલા ખાડાઓની ફરિયાદોથી ભાજપના મોટા ભાગના કાઉન્સિલરો ત્રાહિમામ પોકારી ગયા છે.

ભાજપના કાઉન્સિલર ધર્મેશ પંચાલના વાઇરલ થયેલા ખાડા બાબતના મેસેજથી વડોદરા શહેરના  ભાજપા સંગઠનમાં ખળભળાટ મચી ગયો છે. આ મેસેજ સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે. વડોદરાના લોકોને સારા રસ્તા, શુદ્ધ પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં ધરાર નિષ્ફળ પુરવાર થયેલા પાલિકાના વહીવટકર્તાઓ સામે ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે. પાલિકા દ્વારા શહેરના માર્ગો ઉપર પડેલા મોટા ભૂવાઓ પુરવાને બદલે આડસ મુકીને સંતોષ વ્યક્ત કરી રહ્યું છે. આવી કામગીરી સામે પણ લોકોમાં ભારે રોષ ભભૂકી ઉઠ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *