ખાતામાં ભૂલથી જમા થયા 19 લાખ રૂપિયા, પરંતુ નવસારીની સંસ્કારી છોકરીએ મૂળ માલિક ને કર્યા પરત

By | June 29, 2020

ગુજરાતીમાં એક કહેવત છે કે, ‘સંસ્કારોને આવતા પણ વર્ષો લાગે છે અને જતા પણ વર્ષો લાગે છે.’ વલસાડ ખાતે રહેતી ગુજરાતની એક દીકરીએ તેના બેંક ખાતામાં ભૂલથી જમા થયેલા આશરે 19 લાખ રૂપિયા જેટલી રકમ મૂળ માલિકને આપીને પોતાના સંસ્કારો ઝળકાવ્યા છે. નવસારીના ખેરગામ ના પ્રફુલભાઈ શુક્લની વલસાડ ખાતે રહેતી દીકરી બંસરી જાનીના ખાતામાં ભૂલથી આશરે 25 હજાર અમેરિક ડોલર જમા થઈ ગયા હતા. આ અંગેની જાણ બંસરીએ બેંકને કરી હતી.

મળતી માહિતી પ્રમાણે બંસરી જાનીના વસલાડ ખાતે આવેલી બેંક ઓફ ઇન્ડિયા ની બ્રાંચમાં 20 દિવસ પહેલા 19 લાખ જેટલી રકમ જમા થઈ હતી. પોતાના ખાતામાં અચાનક આટલી મોટી રકમ જમા થતાં બંસરી ચોંકી ગઈ અને તેણે તાત્કાલિક પતિની મદદથી બેંકના મેનેજરનો સંપર્ક કર્યો હતો અને આ રકમ તેની ન હોવાનું જણાવ્યું હતું. જે બાદમાં બેંક તરફથી તપાસ કરવામાં આવી હતી.

તપાસ બાદ માલુમ પડ્યું હતું કે અમેરિકા ખાતે રહેતા મિતુલભાઈ પટેલે ભૂલથી તેમના ખાતામાં આ રકમ જમા કરાવી દીધી હતી. આ રકમ પોતાની ન હોવાથી બંસરીએ બેંકને આ રકમ રિકોલ કરી દેવાની વિનંતી કરી હતી. જે બાદમાં આ રકમ મૂળ માલિકને પરત કરવામાં આવી હતી. બંસરીના આવા સંસ્કારો જોઈને અમેરિકાથી મિતુલભાઈ અને ડિમ્પલબેન પટેલે બંસરીને ફોન કરીને ખાસ તેનો આભાર માન્યો હતો.

આ મામલે બંસરી જાનીના પતિ ચેતનભાઈએ જણાવ્યું હતું કે, મારી પત્નીના ખાતામાં ભૂલથી પૈસા જમા થયા હતા. આ પૈસા ક્યાંથી આવ્યા હતા તે ખબર પડી ન હતી. આથી અમે બેંકને જાણ કરી હતી. બે ત્રણ દિવસની તપાસ બાદ રૂપિયા જેમણે જમા કરાવ્યા હતા તેમને પરત આપી દેવામાં આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *