સુરતમાં ખીચડી-કઢીનું મસમોટું કૌભાંડ : સંસ્થાઓ દ્વારા સેવાના નામે કરોડો રૂપિયા SMC પાસેથી વસુલવામાં આવ્યા

By | October 8, 2020

કોરોના મહામારીમાં લોકડાઉન વખતે લગભગ 500 જેટલી સેવાભાવી સંસ્થાઓએ ગરીબોના પેટનો ખાડો બે ટંક ખીચડી-કઢી સહિતનું ખવડાવી પૂર્યો હતો. નોંધનીય છે કે આશરે 3 કરોડથી વધુ લોકોને જમાડવામાં આવ્યા હતા. NGO દ્વારા થયેલી આ સેવાની સર્વત્ર સરાહના થઈ હતી. જોકે હકીકત કંઈક જુદી જ સામે આવી છે. સેવાના નામે મેવા મળ્યા છે, ઉલ્લેખનીય છે કે સેવા કરનારી આ સંસ્થાઓએ લાખો કરોડો રૂપિયાનાં બિલ પાલિકામાં મૂકીને પાસ કરાવી લીધાંનું સામે આવ્યું છે.

સુરત અને કૌભાંડ હવે એકબીજાના પર્યાય બની ગયા છે તેવું લાગી રહ્યું છે. કોરોનાના આ સમયમાં દર્દીઓના આંકડામાં ગોલમાલ કોઈ નવી વાત રહી નથી, ત્યાં હવે કોરોના સમયમાં ભુખ્યાને ભોજન કરાવવામાં પણ કૌભાંડ કરવામાં આવ્યું હોવાનું એક RTI થી બહાર આવ્યું છે.

સુરત શહેરને મીની ભારત કહેવામાં આવે છે કારણ કે અહીં સ્થપાયેલ ઉદ્યોગોથી રોજીરોટી મેળવવા માટે દેશભરના અલગ અલગ રાજ્યોમાંથી લોકો આવે છે, જોકે માર્ચ મહિનાથી લાગુ પડેલા લોકડાઉનમાં સૌથી વધુ કફોડી હાલત અહીં કામ અર્થે રહેતા શ્રમિકોની થઈ હતી. રોજી ગુમાવવાની સાથે રોટીનો મોટો પ્રશ્ન તેમની સામે ઉભો થયો હતો. આવા સમયે સુરતમાં અલગ-અલગ નામથી સામાજિક સંસ્થાઓ સામે આવી અને આ શ્રમિકોને બે સમય ભરપેટ ભોજન પૂરું પાડ્યું હતું. સેવા કરતા સમયે આ એક નિસ્વાર્થ ભાવે કરાયેલી સેવા હોવાનું જણાવવામાં આવ્યું હતું. પણ હવે જ્યારે અનલોકમાં બધું પૂર્વવત થયું છે ત્યારે પાલિકામાં કરાયેલ એક RTI એ સૌને ચોંકાવી દીધા છે.

સુરતમાં કોંગ્રેસના આગેવાન કલ્પેશ બારોટ દ્વારા કરાયેલ એક RTIમાં એ તથ્ય બહાર આવ્યું છે કે, લોકડાઉન દરમ્યાન ભુખ્યાને ભોજન કરાવનાર સંસ્થાઓએ હવે લાંબી અને તગડી રકમના બિલ મહાનગરપાલિકા સામે મુક્યા છે. અને પાસ પણ કરાવી લીધા છે. કોઈક સંસ્થાના બિલ લાખમાં છે તો કોઈ સંસ્થાના બિલ કરોડો રૂપિયામાં છે. RTI કરનારે એ પણ સવાલ ઉઠાવ્યા છે કે, આ સંસ્થાઓએ જ્યારે નિઃસ્વાર્થ ભાવે સેવા કરવાની વાત કરી હતી, ત્યારે હવે બિલ શેના? અને કોર્પોરેશન પણ આ બિલ શા માટે ચૂકવી રહી છે? લોકડાઉન દરમ્યાન આવા એનજીઓએ કરાવેલ ભોજનમાંથી ભ્રષ્ટાચારની ગંધ આવી રહી હોવાનો આક્ષેપ કોંગ્રેસના અગ્રણીએ કર્યો છે.

કોંગ્રેસના કાર્યકર કલ્પેશ બારોટે લોકડાઉન દરમિયાન ભોજનમાં થયેલા ખર્ચ અંગે માહિતી માગી હતી. એમાં પાલિકાએ ભોજન માટે અક્ષયપાત્ર સંસ્થા સાથે કરેલા કરાર મુજબ કરોડો રૂપિયા ચૂકવ્યાની માહિતી આપી છે. જો કે સમગ્ર સંસ્થાઓની માહિતી આપવામાં આવી નથી. ઉપરછલ્લી માહિતી આપવામાં આવી છે જેમાં જ પંદર કરોડનું કૌભાંડ સામે આવ્યું છે. જેના જવાબમાં પાલિકા અધિકારીના ગોળ ગોળ જવાબો પરથી વાસ્તવિકતા કંઈક અલગ જ બયાન કરી રહી છે. જે મામલે રાજ્ય સરકાર તરફથી તપાસના આદેશ આપવામાં આવે તેવી માંગ ઉઠી છે.

સંસ્થાઓ દ્વારા રૂપિયાની લ્હાણી કરવામાં આવી રહી છે. અત્યારસુધી 15 કરોડ જેટલી માતબર રકમ ચૂકવી દેવામાં આવી છે અને હજી 22 કરોડ જેટલી રકમ ઉધના અને અન્ય ઝોનમાં સંસ્થાઓએ ભોજન માટે ક્લેઇમ કરી છે.

કોને કેટલા ચૂકવ્યા?

  • સાંઈ હોસ્પિટાલિટી- ડિશઃ ૨ લાખ ૩૦ હજાર ૨૦૦-  બિલઃ ૪૬ લાખ ૪ હજાર રૂ.
  • અક્ષયપાત્ર ફાઉન્ડેશન-   ડિશઃ ૧૦ લાખ ૭૬ હજાર ૭૩૩ – બિલઃ સાત કરોડથી વધુ
  • ક્રિશ્ન કેટરસ- ડિશઃ ૮૫,૭૦૦- બિલઃ ૧ કરોડ ૭૧ લાખ ૪૪ હજાર રૂ.
  • ટેસ્ટે ખમણ – ડિશઃ ૬૮ હજાર ૪૫૦- બિલઃ ૧૩ લાખ ૬૯ હજાર રૂ.
  • ખુશ્બૂ કેટરસ- ડિશઃ ૪૮,૩૬૨-  બિલઃ ૯ લાખ ૬૭ હજાર ૨૫૦ રૂ.
  • જયશ્રી ત્રિવેદી- ડિશઃ ૪૬,૦૦૦ – બિલઃ ૯ લાખ ૨૦ હજાર ૦૦૦ રૂ.
  • વિશાલ ટ્રેડર્સ-  ડિશઃ ૩૪,૫૦૦- બિલઃ ૬ લાખ ૯૦ હજાર ૦૦૦ રૂ.
  • જે.આર. એન્ટરપ્રાઈઝ- ડિશઃ ૧૮,૫૨૫- બિલઃ ૩ લાખ ૭૦ હજાર ૫૧૧ રૂ.
  • પુરોહિત થાળી- ડિશઃ ૧૨,૧૨૫- બિલઃ ૨ લાખ ૪૨ હજાર ૫૦૦ રૂ.
  • આર. ઝેડ એન્ડ કે.કે- ડિશઃ ૧૦,૦૦૦- બિલઃ ૨  લાખ રૂ.

મેયર ભલે આ વાતમાં ભ્રષ્ટાચાર નહિ ગણતા હોય કે વાતને હસવામાં કાઢતા હોય પણ એક વાત ચોક્કસ છે કે, દાળમાં કંઈક તો કાળું છે. આ RTIમાં ભાજપના કાર્યકર્તા જેમાં પુરોહિત થાળી ચલાવતા ભાજપના સક્રિય કાર્યકર દિનેશ પુરોહિતે પણ પોતાની સંસ્થાના નામે બિલ ક્લેઇમ કર્યા છે તેવો આક્ષેપ છે ત્યારે આ બાબતની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ તેવી માંગ ઉઠવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *