નિર્ભયા બાદ મનમોહન સિંહને બંગડી મોકલનારી સ્મૃતિ ઈરાની હવે મોદી-યોગીને બંગડી મોકલશે?

By | October 1, 2020

ઉત્તરપ્રદેશમાં જ્યારે હાથરસની દીકરી પર દુષ્કર્મનો મામલો સામે આવ્યો ત્યારે કેન્દ્રીય મહિલા અને બાળવિકાસપ્રધાન સ્મૃતિ ઈરાની ચર્ચામાં આવી ગઈ. સોશિયલ મીડિયા પર તેમનો પીછો કરવામાં આવ્યો. તેમણે પૂછવામાં આવ્યું કે તેઓ હવે શાંત શા માટે છે. યુપીએની સરકાર સમયે અને ખાસ કરીને નિર્ભયાકેસ પછી તેમણે અવાજ ઉઠાવ્યો હતો, પરંતુ અત્યારે એક નાનોએવો સંદેશ પણ નથી આપવામાં આવ્યો.

‘ટૂંક સમયમાં હાથરસ ગેંગરેપના દોષી ફાંસીએ ચડશે’

કેન્દ્રીય મહિલા અને બાળ કલ્યાણ પ્રધાન સ્મૃતિ ઈરાનીએ યુપીમાં હાથરસમાં ગેંગરેપ બાદ દલિત યુવતીની હત્યા પછી થયેલા હંગામા અંગે જણાવ્યું હતું કે, ગુનેગારોને વહેલી તકે ફાંસી મળવાની આશા છે. તેમણે કહ્યું કે કાયદો અને વ્યવસ્થાની સમસ્યા છે જે રાજ્ય સરકાર હેઠળ આવે છે. જ્યાં સુધી તેમના મંત્રાલયની વાત છે, રાષ્ટ્રીય મહિલા આયોગ (એનસીડબ્લ્યુ) એ આ મામલાની જાતે નોંધ લીધી હતી. તેમણે કહ્યું, ‘મેં જાતે જ જિલ્લા વહીવટીતંત્ર સાથે વાત કરી હતી. કમિશનનો એક અધિકારી હોસ્પિટલમાં ગયો અને ત્યાં પીડિત પરિવાર અને અધિકારીઓ સાથે વાત કરી. મેં જાતે જ યુપીના સીએમ અને ગૃહ પ્રધાનના અધિકારીઓ સાથે વાત કરી હતી.’

ઈરાનીએ કહ્યું કે, આ મામલામાં વહેલી તકે ન્યાય થાય તે સુનિશ્ચિત કરવા માટે તેમણે આ બધું કર્યું છે. તેમણે કહ્યું કે મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ગુનેગારોને સજા કરવાની ખાતરી આપી હતી જે મૃત્યુ દંડથી ઓછા ન હોવી જોઈએ. સ્મૃતિએ કહ્યું કે તેમને મુખ્યમંત્રીની ખાતરી પર વિશ્વાસ છે અને આ કેસ પર ઝડપી સુનાવણી થશે. તેણે કહ્યું, “હું આશા રાખું છું કે તેને ફાંસી આપવામાં આવશે અને શક્ય તેટલી વહેલી તકે થશે.”

સવાલ: તમે બળાત્કાર સામે અવાજ ઉઠાવતાં રહ્યાં છો. હવે હાથરસની પુત્રીના મામલે શા માટે મૌન છો?

જવાબ: રાષ્ટ્રીય મહિલા આયોગ અને યુપી સરકાર પીડિત પરિવાર સાથે સતત સંપર્કમાં છે. તપાસ ચાલી રહી છે, તેથી હું જાહેર નિવેદન આપી શકતી નથી. મેં મુખ્યમંત્રી સાથે પણ ચર્ચા કરી છે. ગૃહ વિભાગના અધિકારીઓ પાસેથી માહિતી પણ લીધી. તેમણે કહ્યું હતું કે તરત જ એફઆઈઆર નોંધાયો છે. ફાસ્ટ ટ્રેક કોર્ટ દ્વારા પીડિતને ન્યાય અપાવીશું. યુપી સરકારે એસઆઈટીની રચનાની જાહેરાત કરી છે.

સવાલ: નિર્ભયા કેસ સમયે તમે એ સમયના વડાપ્રધાન મનમોહન સિંહને બંગડીઓ ભેટમાં મોકલવાની વાત કરી હતી. હવે કોને ભેટ મોકલાવશો?

જવાબ: હું મહિલાઓ પરના અત્યાચાર સામેના જનતાના આક્રોશને સમજું છું. સોશિયલ મીડિયા પર મને ટ્રોલ કરનાર લોકો માટે મારી પાસે કોઈ સંદેશ નથી. અમેઠી જીતી એ પછી તે સ્વાભાવિક હતું કે દેશમાં કોઈપણ મુદ્દો હોય, હું હંમેશાં નિશાન પર રહીશ. અમેઠી લડતી વખતે હું આ જાણતી હતી. મેં તેને સ્વીકાર્યું છે.

સવાલ: પીડિતાના બળજબરીથી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યાના સમાચાર છે?

જવાબ: હું તપાસનો ભાગ નથી. મુખ્યમંત્રીએ ન્યાય આપવાનું વચન આપ્યું છે. ઝડપાયેલા લોકો પર ઝડપી કાર્યવાહી થવી જોઈએ. નિર્ભયા કેસમાં ન્યાય માટે વર્ષો લાગ્યાં હતાં. આ કેસમાં ના લાગે તેવી મારી ઇચ્છા છે.

સવાલ: રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ભાજપના નેતૃત્વ હેઠળની સરકારમાં દીકરીઓ સુરક્ષિત નથી?

જવાબ: છત્તીસગઢમાં પત્રકારો અને રાજસ્થાનની મહિલાઓને હેરાન કરવામાં આવે ત્યારે રાહુલ બોલતા નથી. રાહુલને ખબર નથી કે આ એ જ સરકાર છે, જેણે બળાત્કારના કેસોમાં મૃત્યુદંડની સજાને સુનિશ્ચિત કરી છે. રાહુલ એવા સજ્જન છે જેણે પોતાના જ વડાપ્રધાન દ્વારા લાવેલા વટહુકમને ફાડી નાખ્યો હતો.

સવાલ: વિપક્ષનો આરોપ છે કે કૃષિ બિલ પસાર કરવામાં સંસદીય કાર્યવાહીનું પાલન કરવામાં આવ્યું નથી?

જવાબ: બિલ સંસદીય પ્રક્રિયા તરીકે ગૃહમાં આવ્યું હતું. સંખ્યાના આધાર દ્વારા પસાર કરવામાં આવ્યું. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી એ સમયે સંસદમાં નહોતાં. કોંગ્રેસે પોતાના 2019ના મેનિફેસ્ટોમાં લખ્યું હતું કે તે એપીએમસી એક્ટને દૂર કરશે. શું રાહુલ માને છે કે તેમની માતાએ કાળો ચૂંટણી મેનિફેસ્ટો બહાર પાડ્યો હતો.

સવાલ: રાહુલ ગાંધી કહી રહ્યા છે કે વડાપ્રધાન ચીનથી ડરે છે. ચીનનું નામ પણ લઈ રહ્યા નથી?

જવાબ: સંસદમાં વિપક્ષના ઘણા નેતાઓએ જેટલી જવાબદારી સાથ વાત મૂકી એનાથી અડધી જવાબદારી પણ રાહુલને હોત તો કોંગ્રેસ આજે ખરાબ સ્થિતિમાં ન હોત.

સવાલ: ચીનને કડક શબ્દોમાં કોઈ સંદેશ?

જવાબ: આ વડાપ્રધાન, વિદેશમંત્રાલયનો વિષય છે. હું હેડલાઇન ચેઝર નથી.

ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશના હાથરસમાં 14 સપ્ટેમ્બરે ગામના કેટલાક ઉંચી જાતિના યુવકોએ દલિત યુવતીને વાસનાનો શિકાર બનાવી હતી. આ સમય દરમિયાન તેમણે પીડિતાને મારવાની કોશિશ પણ કરી હતી. આરોપીઓએ પીડિતાની કરોડરજ્જુ તોડી નાખી હતી. આ ઉપરાંત ગળાફાંસો ખાઈને પીડિતાની હત્યા કરવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો હતો. જે બાદ પીડિતાને ગંભીર હાલતમાં સારવાર માટે દિલ્હી લાવવામાં આવી હતી. જ્યાં તેનું મોત નીપજ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *