પાનના ગલ્લાઓમાં ફફડાટ, 10 હજાર રૂપિયાનો દંડ ક્યાંથી લાવીને ભરવો?

By | July 15, 2020

ગઈકાલે અમદાવાદમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગે આજે શહેરના અલગ-અલગ વિસ્તારમાંથી જાહેરમાં માસ્ક ન પહેરવા અને થૂંકવા બદલ માતબર રકમની વસૂલાત કરી છે. માસ્ક ન પહેરવાના બદલ 1.61 લાખ અને પાનના ગલ્લાવાળા પાસેથી 84,900 રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે. જેના ડરથી આજે વહેલી સવારથી શહેરના કેટલાક વિસ્તારોમાં પાન પાર્લર બંધ જોવા મળ્યા હતા. દંડની રકમ 10 હજાર હોવાથી પાનના ગલ્લાવાળાઓ દુકાન ખોલતા પણ ડરી રહ્યા હોય તેવો માહોલ જોવા મળી રહ્યો છે. બીજીતરફ જ્યાં પાર્લર ખુલ્યા છે ત્યાં પણ હવે ગલ્લાવાળા ગ્રાહકોને, ભાઈ તમે પાન-મસાલા તેમજ સિગારેટ લઈને અહીં ઉભા ન રહો, નીકળી જાઓ નહીં તો અમારે 10 હજારનો દંડ ભરવો પડશે.

તમામ નિયમોનું પાલન કરું છું છતા મારી દુકાન સીલ કરી ગયા: પાનના ગલ્લાનો માલિક

શાહીબાગ ખાતે પાનનો ગલ્લો ચલાવતા સુધીર પટેલે જણાવ્યું કે, હું મારી દુકાનમાં સેનિટાઈઝર સહિતનું તમામ ધ્યાન રાખું છું, તેમજ ગ્રાહકોને મસાલા પણ પાર્સલ આપીને અહીં નહીં ઉભા રહેવાનું એમ કહું છું. તેમજ વસ્તુ લેવા આવતા ગ્રાહકોને પણ ફરજિયાત માસ્ક પહેવાનું પણ કહું છું. છતા મારો ગલ્લો સીલ કરીને 5000- 10000 રૂપિયા દંડ માંગે છે. હું પોતે હાલ 50 હજાર રૂપિયા ભરૂ છું. તો એમને 5000 દંડ ક્યાંથી લાવીને આપું. જો આમ ખોટી રીતે આ લોકો હેરાન કરશે તો અમારી રોજીરોટી કેવી રીતે ચાલશે. 

કેટલાકે ગલ્લાની બહાર માણસ ઉભો રાખ્યો, તો કેટલાક દંડની બીકે કઈ બોલવા તૈયાર નથી

શહેરમાં પાન પાર્લરવાળા દંડ ભરવાથી બચવા તેમજ પોતાનો ધંધો ચાલુ રાખવા માટે અલગ-અલગ અખતરા કરી રહ્યા છે. કેટલાક પાર્લરની બહાર ગ્રાહકોની ભીડ ન થયા અને કોઈ થૂંકીને ગંદકી ન કરે તે માટે એક વ્યક્તિને ઉભો રાખવામાં આવી રહ્યા છે. બીજીતરફ કેટલાક ગલ્લાવાળા AMCની બીકે કઈપણ બોલવા તૈયાર નથી. તેઓને ડર છેકે, કઈપણ કહેશે તો તેને પણ અન્યની જેમ દંડ ભરવાનો વારો આવી શકે છે.

જાહેરમાં થૂંકવા પર દંડની રકમને 200 રૂપિયાથી વધારીને 500 રૂપિયા કરાઈ

શહેરમાં કોરોનાની સ્થિતી ધીરે-ધીરે કાબૂમાં આવી રહી છે. ત્યારે હવે નાના-મોટા વેપારીઓ પર વધુએ મુશ્કેલી ઉભી થઈ છે. બે દિવસ પહેલા જાહેરમાં માસ્ક ન પહેરવા તેમજ થૂંકવા પર થતા દંડની રકમને 200 રૂપિયાથી વધારીને 500 રૂપિયા કરી દેવાઈ છે. તેમજ પાનના ગલ્લાની આસપાસ થૂંકવા પર ગલ્લાવાળાને 10 હજારનો દંડ વસૂલવામાં આવે છે. ગઈકાલે શહેરના રાણીપ, બોપલ સહિત અનેક વિસ્તારોમાં એએમસી દ્વારા કેટલીક દુકાનો સીલ કરી દંડની વસૂલાત કરવામાં આવી હતી. જેના કારણે અન્ય દુકાનદારો પણ દુકાન ખોલવામાં ડરી રહ્યા છે. 

દુકાન ખોલ્યા વગર બ્લેકમાં જ માલ-સામાન વેચી રહ્યા હોવાની ચર્ચા

પ્રાપ્ત માહિતી અનુસાર. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન જાહેરમાં થૂંકનાર તેમજ માસ્ક ન પહેરાનાર સામે કડક કાર્યવાહી કરી રહ્યું છે. ખાસ કરીને પાન પાર્લરો પર ચેકિંગ કરવામાં આવે છે. ગઈકાલે શહેરભરમાંથી 300થી વધુ પાન પાર્લરોને 500થી 10 હજાર સુધીનો દંડ કરી સીલ કરાયા હતા. જેના કારણે અન્ય ગલ્લાવાળામાં પણ ખોફ ફેલાતા તેઓએ દુકાનો બંધ કરી દીધી હતી. બીજીતરફ કેટલાક દુકાનદારો દંડથી બચવા માટે દુકાન ખોલ્યા વગર બ્લેકમાં જ માલ-સામાન વેચી રહ્યા હોવાની ચર્ચા સામે આવી રહી છે. અમદાવાદમાં ફરી લોકડાઉન થઈ શકે એવી પણ અફવા ફેલાઈ રહી છે. જોકે તંત્ર તેમજ સરકાર દ્વારા આ પ્રકારની કોઇપણ વિગતો સામે આવી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *