27 વર્ષ પછી તીડોનાં થયેલા સૌથી મોટા હુમલાને કારણે ભારતના અનેક રાજ્યોમાં હાહાકાર મચી ગયો છે. ભારતના ખેડૂતો પોતાના પાકને નુકસાન થવાની આશંકા થી પરેશાન છે. પરંતુ પાકિસ્તાનની ખેડૂતોએ આ આફતને પણ નુકશાનની જગ્યાએ મોટી કમાણી ના સાધનમાં બદલી નાખી છે. સૌથી મોટી વાત તો એ છે કે આના માટે હાનીકારક કીટનાશકો છાંટવા ની જરૂર પડતી નથી, તેમજ તીડોને પાકને નુકસાન પહોંચાડવાનો મોકો મળતો નથી. ફક્ત ખેડૂતો જ નહીં પરંતુ અન્ય ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોની પણ તીડોના કારણે આવક વધવા લાગી છે.
ખતરનાક તીડોનું મામૂલી સમાધાન :- પાકિસ્તાનના ઓકરા જિલ્લામાં તીડોની સમસ્યા થી છુટકારો મેળવવા માટે ખુબજ અનોખા પ્રકારનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટનો મૂળ મંત્ર એ છે કે ખેડૂતોએ તીડોને પકડવાના છે, જેનો ઉપયોગ મરઘીઓને ચારો નાખવામાં થશે. મરઘીઓને તીડ ખવડાવવા થી શું ફાયદો થાય છે તેની ચર્ચા આપણે પછી કરશો, પરંતુ એ જાણી લો કે મરઘીનો ચારો બનાવતી મિલોમાં તીડોની માંગ ખુબ વધી રહી છે.

પહેલા ઉડ્યો મજાક, પછી લોકોને માનવું જ પડ્યું :- પાકિસ્તાનમાં તીડોને મરઘીઓ નો ચારો બનાવવાનો વિચાર સૌથી પહેલા ત્યાંના નેશનલ ફૂડ સિક્યોરિટી એન્ડ રિસર્ચ માં અધિકારી તરીકે ફરજ બજાવતા મોહમ્મદ ખુરશીદ અને પાકિસ્તાન એગ્રીકલ્ચર રિસર્ચ કાઉન્સિલના બાયો ટેક્નોલોજીસ જોહર અલીને આવ્યો હતો. જોહર એ કહ્યું કે, “આવું કરવા માટે અમારો મજાક ઉડાડવામાં આવ્યો હતો. કોઈએ પણ નહોતું વિચાર્યું કે વાસ્તવમાં લોકો તીડોને પકડીને તેમને વેચી શકશે.” જયારે ખુરશીદે જણાવ્યું કે તેમને મે, 2019 માં યમનના ઉદાહરણથી પ્રેરણા મળી. દુષ્કાળનો સામનો કરી રહેલ તે યુદ્ધગ્રસ્ત દેશમાં આદર્શ વાક્ય છે કે ‘પાક ખાતા પહેલા તીડોને ખાઓ.’
તીડોને પકડો, પૈસા કમાવો, પાક બચાવો :- પોતાના આ પ્રોજેક્ટને સફળ બનાવવા માટે તેમણે એક નારો આપ્યો, ‘તીડો ને પકડો, પૈસા કમાવો, પાક બચાવો.’ આ પ્રોજેક્ટ હેઠળ ખેડૂતોને એક કિલો તીડ પકડવાના બદલામાં ૨૦ રૂપિયા આપવામાં આવે છે. તીડ દિવસે ઉડે છે, પરંતુ રાતે તેઓ વૃક્ષ અથવા તો ખાલી જમીન પર નિષ્ક્રિય પડ્યા રહે છે. જેથી રાત્રે તેમને પકડવા ખૂબ સરળ છે. જયારે ખેડૂતોને રાતના સમયે તીડ પકડવાનું કહેવામાં આવ્યું તો તેમણે 7 ટન તીડ પકડ્યા. તેમને મરઘીઓ નો ચારો બનાવનારી કંપનીઓને વેંચતા દરેક ખેડૂત ના ભાગમાં 20,000 રુ આવ્યા. પરિણામ સ્વરૂપ શરૂઆતમાં 10 થી 15 ખેડૂતો જ આવતા, પરંતુ એવી કમાણી ની ખબર પડી તો સેંકડો ખેડૂતો આવવા લાગ્યા.

તીડ પ્રોટીનનો સ્ત્રોત :- શરૂઆતમાં મરઘી નો ચારો બનાવનારી કંપનીએ તીડ પરીક્ષણ કર્યા, જે ખૂબ પ્રભાવશાળી સાબિત થયા. તીડ માંથી સારું એવું પોષણ મળી રહે છે. તીડને કોઈપણ પ્રકારના કીટનાશક ના છંટકાવ વગર પકડી શકાય છે. સામાન્ય રીતે પ્રોટીન માટે સોયાબીનનો ઉપયોગ થતો. જેમાં ૪૫ ટકા પ્રોટીન હોય છે, જ્યારે તીડમાં પ્રોટીનની માત્રા ૭૦ ટકા હોય છે. તેમને ખોરાક માટે તૈયાર કરવામાં પણ વધુ ખર્ચ થતો નથી, કારણ કે તેમને ફક્ત પકડીને સૂકવવાના હોય છે. જયારે પાકિસ્તાનને સોયાબીન આયાત કરવું પડે છે.